પેરિસ ઓલિમ્પિક્સ ૨૦૨૪

હવે આ કુસ્તીબાજે ઑલિમ્પિક્સના મેડલની આશા અપાવી

પૅરિસ: ઑલિમ્પિક ગેમ્સમાં શનિવારે રેસલિંગમાં રિતિકા હૂડાએ ભારત માટે વધુ એક મેડલની આશા જીવંત રાખી હતી. તેણે 76 કિલો ફ્રીસ્ટાઇલ ઇવેન્ટમાં હંગેરીની બર્નાડેટ નૅગીને 12-2થી હરાવીને ક્વૉર્ટર ફાઇનલમાં એન્ટ્રી કરી હતી.
શુક્રવારે રાત્રે રેસલર અમન સેહરાવત બ્રોન્ઝ જીત્યો હતો. તે ઑલિમ્પિક્સમાં ભારતનો સૌથી યુવાન મેડલ વિજેતા બન્યો હતો.

આજના મુકાબલામાં 29 સેકન્ડ બાકી હતી ત્યારે રિતિકા હૂડા 10 પૉઇન્ટથી આગળ હતી અને ત્યારે સ્કોર રિતિકાની તરફેણમાં 12-2 હતો.
એ તબક્કે રેફરીએ મુકાબલાને આગળ વધતો રાખવાને બદલે ત્યાં જ અટકાવી દીધો હતો અને રિતિકાને 12-2થી વિજયી ઘોષિત કરવામાં આવી હતી.

પહેલા રાઉન્ડમાં રિતિકાએ પગની કરામતથી હંગેરીની હરીફ પર કાબૂ મેળવીને અને પછી ફ્લિપથી તેના સંપૂર્ણ પ્રભુત્વ જમાવી લીધું હતું.
હંગેરીની સ્પર્ધકે બે પૉઇન્ટ મેળવ્યા હતા, પરંતુ બીજા રાઉન્ડમાં રિતિકાને તે પોતાના પર કાબૂ જમાવતા રોકી નહોતી શકી.
રિતિકાએ ક્વૉર્ટર ફાઇનલમાં આ કૅટેગરીની ટૉપ-સીડેડ કિર્ગીસ્તાનની એઇપેરી મેડેટ કિઝી સામે ટક્કર લેવાનું નક્કી થયું હતું.

રિતિકા હૂડા ઇવેન્ટ દરમ્યાન ડાયટ સંબંધમાં ખૂબ કાળજી રાખે છે. વજન અને શારીરિક ઊર્જાનું સ્તર જાળવી રાખવા તે ત્રણ વખત ભોજન કરે છે તેમ જ તેનું નાસ્તા માટેનું સેશન પણ હોય છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button