આ આંદોલનકારી વિદ્યાર્થીઓ ચલાવશે બાંગ્લાદેશની વચગાળાની સરકાર
નોબેલ પુરસ્કાર વિજેતા મોહમ્મદ યુનુસે ગુરુવારે બાંગ્લાદેશમાં વચગાળાની સરકારના વડા તરીકે શપથ લીધા હતા. યુનુસે શુક્રવારે વિવિધ મંત્રાલયોના કામનું વિતરણ કર્યું હતું. યુનુસે 27 વિભાગો પોતાની પાસે રાખ્યા છે. નવી સરકારના વિદેશ પ્રધાન તૌહીદ હુસૈને કોઈપણ દેશનું નામ લીધા વિના કહ્યું હતું કે, આપણે મોટા દેશો સાથેના સંબંધોમાં સંતુલન જાળવવાની જરૂર છે.
બાંગ્લાદેશની વચગાળાની સરકારના વડા પ્રો. મોહમ્મદ યુનુસે શુક્રવારે નવનિયુક્ત 16 સભ્યોની સલાહકાર પરિષદના વિભાગોનું વિભાજન કર્યું હતું. યુનુસે સંરક્ષણ, જાહેર વહીવટ, શિક્ષણ, ઉર્જા, ખાદ્ય, જળ સંસાધન અને માહિતી જેવા 27 મંત્રાલયો પોતાની પાસે રાખ્યા છે. રાજદ્વારી મોહમ્મદ તૌહીદ હુસૈનને વિદેશ મંત્રાલયના વડા તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
વચગાળાની કેબિનેટમાં સામેલ બે વિદ્યાર્થી નેતાઓ નાહીદ ઈસ્લામ અને આસિફ મેહમૂદને અનુક્રમે ટેલિકોમ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી અને યુવા અને રમતગમત મંત્રાલયનો હવાલો સોંપવામાં આવ્યો છે. સાલેહ ઉદ્દીન અહેમદને નાણા અને આયોજન મંત્રાલય, સઇદા રિઝવાના હસનને પર્યાવરણ મંત્રાલય, એએફ હસન આરિફને એલજીઆરડી મંત્રાલય, આદિલૂર રહેમાન ખાનને ઉદ્યોગ મંત્રાલય, મોહમ્મદ નઝરુલ ઇસ્લામને કાયદા વિભાગ, શરમીન મુર્શીદને સમાજ કલ્યાણ મંત્રાલય, ખાલિદ હુસૈનને ધાર્મિક બાબતોનું મંત્રાલય તેમ જ ફરીદા અખ્તરને મત્સ્યોધોગ અને પશુધન મંત્રાલય સોંપવામાં આવ્યું છે.
સેનાના નિવૃત્ત બ્રિગેડિયર જનરલ એમ સખાવત હુસૈનને ગૃહ મંત્રાલયની દેખરેખની જવાબદારી સોંપવામાં આવી છે. હુસેન 2001 થી 2005 સુધી કોલકાતામાં બાંગ્લાદેશના ડેપ્યુટી હાઈ કમિશનર હતા અને તેમણે 2006 થી 2009 સુધી બાંગ્લાદેશના વિદેશ સચિવ તરીકે સેવા આપી હતી. મીડિયા સાથે વાત કરતા વિદેશ બાબતોના સલાહકાર હુસૈને કહ્યું કે કાયદો અને વ્યવસ્થા પુનઃસ્થાપિત કરવી એ હાલમાં વચગાળાની સરકારની મુખ્ય પ્રાથમિકતા છે અને પ્રથમ લક્ષ્ય હાંસલ થયા બાદ અન્ય કામો પણ પાટા પર આવી જશે. તેમણે એમ પણ કહ્યું હતું કે બાંગ્લાદેશ તમામ દેશો સાથે સારા સંબંધો જાળવી રાખવાની જરૂર છે.
નોંધનીય છે કે સરકાર સામે ઉગ્ર વિરોધ અને હિંસા વચ્ચે તત્કાલિન વડા પ્રધાન શેખ હસીનાએ રાજીનામું આપી, દેશ છોડી ભાગવાની ફરજ પડી હતી. યુનુસે હવે શેખ હસીનાનું સ્થાન લીધું છે. યુનુસ હસીનાના લાંબા સમયથી ટીકાકાર પણ છે.
Also Read –