
નવી દિલ્હી : વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે કેરળના વાયનાડમાં ભૂસ્ખલન(Wayanad Landslides)પ્રભાવિત વિસ્તારોનું હવાઈ સર્વેક્ષણ કરીને પરિસ્થિતિની સમીક્ષા કરશે. પીએમ મોદી રાહત શિબિરોની મુલાકાત,અસરગ્રસ્ત લોકોને મળવા ઉપરાંત હોસ્પિટલોમાં ઘાયલો અને પીડિતોના પરિવારોને પણ મળશે.
મોદી સમીક્ષા બેઠકની અધ્યક્ષતા કરશે
પીએમ મોદી સવારે 11 વાગે કન્નુર પહોંચશે અને ત્યારબાદ વાયનાડમાં ભૂસ્ખલન પ્રભાવિત વિસ્તારનું હવાઈ સર્વેક્ષણ કરશે. બપોરે લગભગ 12.15 વાગ્યે પીએમ ભૂસ્ખલન પ્રભાવિત વિસ્તારની મુલાકાત લેશે જ્યાં તેમને બચાવ ટીમો દ્વારા હાથ ધરવામાં આવેલા ઓપરેશન વિશે માહિતી આપવામાં આવશે. વડા પ્રધાન રાહત શિબિરો અને હોસ્પિટલોની પણ મુલાકાત લેશે જ્યાં તેઓ ભૂસ્ખલન પીડિતોને મળશે. ત્યારબાદ મોદી સમીક્ષા બેઠકની અધ્યક્ષતા કરશે જેમાં તેમને ઘટના અને ચાલી રહેલા રાહત પ્રયાસો વિશે વિગતવાર માહિતી આપવામાં આવશે.
ભૂસ્ખલન પીડિતોના પુનર્વસન માટે 2,000 કરોડ રૂપિયાની માંગ
વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ભૂસ્ખલનગ્રસ્ત વાયનાડની મુલાકાત પૂર્વે કેરળ સરકારની કેબિનેટ પેટા સમિતિએ વિસ્તારની મુલાકાત લેતી કેન્દ્રીય ટીમને મળી હતી અને આપત્તિગ્રસ્ત વિસ્તારમાં પુનર્વસન અને રાહત કાર્ય માટે રૂ. 2,000 કરોડની સહાયની માંગ કરી હતી. ગૃહ મંત્રાલયના સંયુક્ત સચિવ રાજીવ કુમારના નેતૃત્વમાં કેન્દ્રીય ટીમે આપત્તિગ્રસ્ત વિસ્તારની મુલાકાત લીધી હતી અને અસરગ્રસ્ત લોકો સાથે વાતચીત કરી હતી. આંતર-મંત્રાલય કેન્દ્રીય ટીમે જણાવ્યું હતું કે વાયનાડ ભૂસ્ખલનની અસર ખૂબ મોટી છે અને તેના વિગતવાર અભ્યાસની જરૂર છે.
રહેણાંક અને કૃષિ બંને ક્ષેત્રોમાં મોટું નુકસાન
ટીમે કેરળ કેબિનેટ પેટા સમિતિ સાથે બેઠક યોજી હતી અને વિવિધ બચાવ કામગીરી, રાહત શિબિરો, મૃતકોના સંબંધીઓને મૃતદેહ સોંપવા, અંતિમ સંસ્કાર, ડીએનએ નમૂનાઓનો સંગ્રહ અને ગુમ થયેલા લોકોની વિગતો અંગે ચર્ચા કરી હતી. રાજ્ય સરકારે એક નિવેદન જાહેર કરીને કહ્યું કે તેણે કેન્દ્રીય ટીમને જાણ કરી છે કે વાયનાડના ચુરામાલા, મુંડક્કાઈ અને પુનચિરી મટ્ટમ વિસ્તારોમાં રહેણાંક વિસ્તારો અને કૃષિ ક્ષેત્ર બંનેને મોટું નુકસાન થયું છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે માત્ર પુનર્વસન હેતુ માટે 2,000 કરોડ રૂપિયાની જરૂર છે.
પીએમ વાયનાડ ભૂસ્ખલનને રાષ્ટ્રીય આપત્તિ જાહેર કરે : રાહુલ ગાંધી
વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ આશા વ્યક્ત કરી હતી કે પીએમ મોદી વાયનાડ ભૂસ્ખલનની વિનાશ જોઈને રાષ્ટ્રીય આપત્તિ જાહેર કરશે. રાહુલ ગાંધીએ X પર પોસ્ટ કર્યું, “ધન્યવાદ, મોદીજી, વાયનાડની મુલાકાત લેવા માટે વ્યક્તિગત રૂપે ભયંકર દુર્ઘટનાની સમીક્ષા કરવા બદલ. આ એક સારો નિર્ણય છે. “મને વિશ્વાસ છે કે એકવાર વડા પ્રધાન જાતે તબાહીના સ્તરને જોશે, પછી તેઓ તેને રાષ્ટ્રીય આપત્તિ જાહેર કરશે. કેરળના વાયનાડમાં 30 જુલાઈના રોજ આવેલા ભૂસ્ખલનમાં સત્તાવાર રીતે 226 લોકો માર્યા ગયા હોવાની સરકારે પૃષ્ટિ કરી છે અને 150 થી વધુ લોકો હજુ પણ ગુમ છે. જો કે બિનસત્તાવાર આંકડા મુજબ 400 થી વધુ લોકોના મોત થયા છે.
Also Read –