વીક એન્ડ

મોન્ટેરીનું આવાસ: ટેકરીઓ ને કોન્ક્રીટ વચ્ચેનો સંવાદ

સ્થાપત્યનું વાઈ-ફાઈ – હેમંત વાળા

પોતાના આવાસની રચના માટે જ્યારે કોઈ કુટુંબ જમીન ખરીદે ત્યારે તે પાછળ તેના ચોક્કસ વિચાર હોય. આ સ્થાનની ખાસિયતોને તે ભરપૂર ઉપયોગ કરવા હોય અને સાથે સાથે આજુબાજુની પરિસ્થિતિને તેઓ પૂર્ણતામાં માણવા માંગતા હોય. મોન્ટેરીનું આ આવાસ આ બાબતને સારી રીતે સ્પષ્ટ કરે છે.

જાપાની સ્થપતિ તાડાઓ એન્ડો દ્વારા મેક્સિકોના મોન્ટેરીમાં બનાવાય આ આવાસ તાડાઓ એન્ડોની શૈલી મુજબ ભૌમિતિક આકારોની રસપ્રદ ગોઠવણીનો નમૂનો છે. આ રચનાના કેન્દ્રમાં એક સ્વિમિંગ પૂલ છે જે ટેકરીઓ તથા કોન્ક્રીટની રચનામાંથી બહાર ઝૂલતું નીકળે છે અને દૂરના સિએરા લાસ મિત્રાસના પર્વતોને માણવાની વિપુલ તક સર્જે છે. આમ તો આ સ્વિમિંગ પૂલ આવાસની સાથે સંકળાયેલો નથી પણ તેની ઉપયોગિતા તેના સ્થાનને કારણે સૌથી વધુ રહેતી હશે એમ માની શકાય.

આ એક ત્રણ માળનું પારિવારિક આવાસ છે. અહીંની ખડકાળ પરિસ્થિતિને કારણે ભૌમિતિક આકારોની ચોક્કસ પ્રકારની ગોઠવણી જ અહીં શક્ય બની હશે. આ મકાનમાં સ્વિમિંગ પૂલ જેમ મહત્ત્વનો છે તેમ મકાનની મધ્યમાં આવે બે માળની ઊંચાઈની લાઈબ્રેરી – પુસ્તકાલય પણ મહત્ત્વનું છે. આ પુસ્તકાલયની આસપાસ ત્રાંસમાં સમગ્ર આવાસ પ્રસરે છે. આ ત્રાંસને કારણે બહારના ભાગમાં જે ત્રિકોણાકાર જગ્યા છૂટે છે તેમાં પણ જળકુંડ બનાવાયો છે. આ પુસ્તકાલયની બંને તરફનો બહારનો ત્રિકોણાકાર વિસ્તાર મકાનનો આંતરિક ચોક નિર્ધારિત કરે છે. આ ખુલ્લી જગ્યા દ્વારા મકાનના જુદા જુદા ભાગ પરસ્પર સંકળાયેલા રહે છે. એક રીતે જોવા જઈએ તો આ વિસ્તાર મકાનનો સૌથી અગત્યનો ભાગ છે એમ કહી શકાય, પણ અહીંની ઉપયોગીતા અતિ મર્યાદિત હોવાથી તેમ થઈ શક્યું નથી.

પુસ્તકાલય સિવાયના મકાનના ભાગને બે ભાગમાં વહેંચી દેવાયા છે. પહેલા ભાગમાં દીવાનખંડ, ભોજનકક્ષ, શયનકક્ષ જેવા પરિવાર માટેના મુખ્ય સ્થાન ગોઠવાયા છે જ્યારે બીજા ભાગમાં પ્રવેશ છે. આ પ્રવેશની નજીકમાં મહેમાનો માટેના રૂમ અને એક ગેલેરીનું આયોજન કરાયું છે. ત્રિકોણાકાર ખુલ્લી જગ્યાની વાત કરી તેની આસપાસ મોટાભાગના કૌટુંબિક ઓરડાઓ ગોઠવાયા છે. આને કારણે મકાનની આંતર્ભિમુખતા સ્થપાય છે અને સાથે બહાર ઝૂલતા સ્વિમિંગ પૂલ દ્વારા બહિર્મુખતા સ્થાપિત થાય છે. એમ કહી શકાય કે આવાસમાં આ બંને ગુણવત્તાની જરૂર હોય છે જે આ રચનામાં સ્પષ્ટ દેખાઈ આવે છે. અહીં સ્થાન નિર્ધારણ અને દિશા સૂચન માટે કોન્ક્રીટનો પ્રયોગ થયો છે જ્યારે જ્યાં પણ બહારના વિશ્ર્વ સાથે સંપર્ક સાધવો જરૂરી જણાય છે ત્યાં કાચ તે કામ કરી જાય છે. આ આવાસમાં કોન્ક્રીટ અને કાચ પરસ્પર એકબીજાના પૂરક પણ બને છે અને સાથે સાથે પોતાનો બન્ને વિશેષ ભાગ પણ ભજવે છે.

આ આવાસ ટેકરીઓ વચ્ચે બનાવવામાં આવેલ હોવાથી આવાસની વિવિધ કોન્ક્રીટની દીવાલો અહીંતહીં બહાર નીકળતી હોય તેમ જણાય છે. આનાથી એક રસપ્રદ દ્રશ્ય ઊભું થાય છે. કુદરતની ટેકરીઓ અને માનવસર્જિત દીવાલો અહીં પરસ્પર સંવાદ ઊભો કરે છે. આ સંવાદમાં બંને પોતપોતાની વાત દ્રઢતાથી રજૂ તો કરે છે પણ સાથે સાથે અન્યની વાત માટે સ્વીકૃતિ પણ છે. અહીં સંવાદ છે વિખવાદ નથી. કુદરતી ટેકરીઓ જુદી જુદી દીવાલોને સાચવી લે છે અને આ દીવાલો કુદરતી પરિસ્થિતિને જાણે માણે છે. આવી એક બહાર નિકલ નીકળતી દીવાલ સાથે સ્વિમિંગ પૂલ માટેની પ્લેટ નીકળે છે. આ પ્લેટની ગોઠવણ તથા દિશા એ રીતે છે કે સામેનો કુદરતી માહોલ પૂર્ણતાથી માણી શકાય. આ સ્થાનને કારણે જ આ આવાસની ભવ્યતા સ્થાપિત થાય છે.

સ્થપતિ તાડાઓ એન્ડોનો ભૌમિતિક આકાર પ્રત્યેનો લગાવ જગજાહેર છે. તેની રચનામાં ભૌમિતિક આકારો સાથે અસરકારક રીતે ઉપયોગિતા પણ ગોઠવાઈ જાય છે. અહીં પણ ભૂમિતિ પોતાનું વિધાન સ્થાપિત કરે છે સાથે સાથે તેમાં નમ્રતા પણ જોડાયેલી હોય છે. સ્થપતિ તાડાઓ એન્ડોની રચનામાં ભૂમિતિ સમાવેશીય હોય છે. અહીં ભૂમિતિને યોગ્ય પ્રમાણમાપ સાથે, યોગ્ય સ્થાને, યોગ્ય હેતુસર પ્રયોજવામાં આવે છે. આ સ્થપતિ ભૂમિતિના પ્રાથમિક આકારોનો ઉપયોગ કરીને જ સ્થાપત્યકિય હેતુ પાર પાડે છે. આના કારણે તેની રચનામાં કોઈપણ પ્રકારની જટિલતા નથી હોતી. આ આવાસ પણ સ્થાપત્યની દ્રષ્ટિએ સરળ, સાદગીયુક્ત, સ્પષ્ટ અને સુંદર છે.

આ આવાસ કુદરતને આવકારે છે અને સાથે સાથે પોતાનું મહત્ત્વ પણ સ્થાપિત કરે છે. આ આવાસ ભૂમિતિની પ્રસ્તુતિ છે અને સાથે સાથે સંજોગો પ્રમાણે કુદરતી માહોલનું મહત્ત્વ પણ જાળવી રાખે છે. આ આવાસ વૈભવી જણાતું હોવા છતાં અતિપ્રબળ નથી. આ મકાનમાં કોન્ક્રીટનું જેટલું મહત્વ છે તેટલું જ મહત્ત્વ કાચનું પણ છે. કુદરતી માહોલમાં ગોઠવાઈ જતું આ આવાસ આમ તો બાહ્ય પદાર્થની પ્રતીતિ કરાવે છે પરંતુ સાથે સાથે તે બાહ્ય પદાર્થને કુદરતે સ્વીકારી લીધો હોય તેવી અનુભૂતિ પણ થાય છે. આ એક અજબનું જોડાણ છે.

કોન્ક્રીટની પતલી દીવાલોથી નિર્ધારિત થતી સપાટીઓ, તેમાં યોગ્ય પ્રમાણમાપવાળા ગોઠવાયેલા બાકોરાં, ખૂણાઓની હાજરીથી અનુભવાતી એક પ્રકારનું ડાયનેમિક્સ – ચલિતતા, લાંબી સીધી દીવાલોથી ઊભરતી કંટીન્યુટી – સાતત્યતા, જુદા જુદા આકાર વચ્ચેના સંવાદને કારણે અનુભવાતી હાર્મની – લયબદ્ધતા, શુદ્ધ ભૌમિતિક આકારોના પ્રયોજનથી સ્થપાતી ક્લેરિટી – સ્પષ્ટતા, ખુલ્લાપણાને કારણે ઊભરતી એક પ્રકારની સોફ્ટનેસ – નરમાશ, આવન-જાવનના માર્ગનો પોઝિટિવ – હકારાત્મક ઉપયોગ તથા બાંધકામની સામગ્રીનું સ્થપાતું પોતાનું મહત્ત્વ, આ બાબતો આ આવાસને નોંધપાત્ર બનાવે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button