આવતા ભવે પત્થીમા જેવી ભાર્યા મળજો!
વ્યંગ – ભરત વૈષ્ણવ
‘ગિરધરભાઇ, પત્ની હોય તો આવી’
રાજુ રદીએ બાકીનું વાક્ય અધ્યાહાર રાખી મારા પ્રતિભાવ માટે પ્રતીક્ષા કરી.
‘એવી એટલે કેવી? રાજુ ફોડ પાડ. તારા મનમાં શું કચરો ભર્યો છે?’ મે ઓડિટ પાણીમાંથી પોરા કાઢે તેમ સવાલોની બૌછાર વરસાવી ‘ગિરધરભાઇ, એવી એટલે એવી. તમે કલ્પના કરો એવી.’ રાજુએ ગોળગોળ જવાબ આપ્યો. એ બિચારાને દામ્પત્યજીવનના દોજખનો કયાં અનુભવ છે? અલબત, અનુભવ લેવા થનગની રહ્યો છે એ વાત અલગ છે.
‘રાજુ, પત્ની તમારી મનમાની ચલાવી લે તેવી હોવી જોઇએ. તમે રાત્રે અગિયાર વાગ્યે નોકરીમાંથી છૂટીને આવો તો સસ્મિત વદને બારણું ખોલી તમારી બ્રિફકેસ લઇ લે, પાણીનો ગ્લાસ આપે, તમે કાઢેલા શૂઝ વ્યવસ્થિત મુકી આવે, તમારા મિત્રો રાતવરત આવે તો કટાણું મોં કર્યા વિના ચા-પાણી કરાવે, સાકી બની જામ ભરે (અ ગુજરાત બહારના વાચકમિત્રો માટે છે !) એવી હોવી જોઇએ!’ મેં પત્ની પાસેની અપેક્ષાનું લિસ્ટ રાજુને પકડાવ્યું..
હજુ, કંઇ બાકી હોય તો ઉમેરી લેજો.’ રાજુ મારી વિશ જાણીને જમણો હાથ ઊંચો કરી તથાસ્તુ કહેતો હોય તેવા સ્ટાઇલમાં અંદાજમાં બોલ્યો.
હા, હું, જમી લઉં પછી મને એંઠા વાસણો સિન્કમાં મુકવા હુકમ ન કરે, એશ ટ્રેમાં સિગારેટના ઠુંઠાં જોઇ મોં ન મચકોડે, પત્નીની બહેનપણીને મારો લાઇન તો તબિયત ફાઇન કરીએ કે ઓફિસમાંથી આપણી સેક્રેટરીનો ફોન આવે તો હંગામો ન કરે એવી મૂક- બધિર પત્ની જોઇએ.’ ખરતો તારો જોઇ કોઇ વ્યક્તિ વીશ કરે તેમ મેં મારી ઇચ્છાઓનું લિસ્ટ લંબાવ્યું.
જીવનમાં પતિ-પત્ની વચ્ચેનો સંબંધ નાજુક, સંવેદનશીલ અને કોમળ છે. બંનેનું પશ્ર્ચાદભૂ અલગ હોય છે. બંને એકમેક માટે કભી અજનબી થે, અભી અજનબી હૈ! જેવી સ્થિતિ હોય છે.
પતિ પત્નીના સંબંધ વચ્ચે વોહ’ ઉમેરાય એટલે શાંત જળમાં વમળો ઉત્પન્ન થાય. બે મ્યાનમાં એક તલવાર સમાઇ ન શકે તેમ કહેવાય છે. પતિ- પત્ની અને વોહના સંબંધોના આંટાપાટા, ચટપટા – ખટપટા અને લટપટા હોય છે. આ સંબંધમાં દૂધમાં સાકર ભળે એવું એડોપ્શન જવલ્લે જ જોવા મળે છે. યમરાજ પાસેથી સત્યવાનને સાવિત્રી પરત લાવી શકે છે, પણ સત્યવાનને પ્રેમિકા સાથે શેર કરી શકતી નથી.
બીજી તરફ, મિત્રતા એક એવો સંબંધ છે જે લગ્ન પછી પણ રહી શકે છે. સામાન્ય રીતે જ્યારે પુરૂષ કોઈ મહિલા મિત્ર સાથે વાત કરે છે તો ઘણી વખત એની પત્નીને ગમતું નથી. જેના કારણે ઝગડો થાય છે અથવા ઝગડા વધવા લાગે છે.
પતિને વોહી (વોહનું વિરોધી લિંગ વોહી થાય- ન્યુ વ્યાકરણચાર્ય) ચક્કરમાં કે પત્નીને વોહના ચક્કરમાંથી છોડાવવા માટે શામ, દામ, દંડ, ભેદનો સહારો લેવાનાં આવે છે. ઘણીવાર સોપારીની લેવડદેવડ થાય છે. સમયની માંગ અનુસાર પતિ – પ્રેમી – વોહી- વોહનું કાસળ કાઢવામાં આવે છે.
લગ્નના પાંચ મહિના બાદ એક પરિણીતાની આગ્રા શહેરના નાગલા હવેલીમાં છરીના ઘા મારીને હત્યા કરવામાં આવી હતી. એના પતિ ઉપેન્દ્ર ઉર્ફે ઉમંગે ખૂબ જ ભયાનક રીતે ગુનો આચર્યો હતો. પોલીસે એની ધરપકડ કરી લીધી છે. તપાસમાં સામે આવ્યું છે કે ઘટના સમયે ઉપેન્દ્રની પ્રેમિકા અને અન્ય યુવતી પણ રૂમમાં હતા. પોલીસ હવે આ બંને યુવતીની શોધમાં લાગી ગઈ છે.
કોરોના કાળમાં અમદાવાદમાં એક વ્યકિતને કોઇ કારણસર દેવું થઇ ગયેલું. પતિને પત્ની ઉપરાંત પ્રેમિકા હતી. પત્નીએ આ સંબંધ ત્રિકોણનો વાંધો ઉઠાવ્યો. પતિએ કહ્યું કે ગાંડી, આપણું દેવુ પ્રેમિકા ભરે છે. પત્ની ઠાવકી ને ગરવી હતી. દેવું ભરાઇ જાય ત્યાં સુધી પ્રેમિકા સંબંધ ચાલુ રાખવા સંમતિ આપી!
તાજેતરના એક સમાચાર અનુસાર નવી દિલ્હીની એક સ્ત્રી નામે પત્થીમાએ જે ઔદાર્ય દાખવ્યું છે તે અનુસરણીય અને અનુકરણીય છે. ચુમ્માલીસ વરસની આ ઉદારતાની દેવીની ચોમેર ચર્ચા થઇ રહી છે. ઘણી રણચંડીઓ સુખી થઉ નહીંને સુખી થવા દઉં નહીં ને જેવી એ ન હતી. પત્થીમાએ સોશિયલ મીડિયા પર જાહેરાત આપીને કહ્યું હતું કે, એ એના પતિ માટે ત્રણ ગર્લફ્રેન્ડોઝ શોધી રહી છે.
પત્થીમાએ જણાવ્યું હતું કે, તે ગર્લફ્રેન્ડને દર મહિને રૂપિયા ૩૨,૦૦૦ સેલેરી પણ આપશે. અલબત, ગર્લફ્રેન્ડ બનતા પહેલાં આ મહિલાઓએ એઇડઝનો ટેસ્ટ કરાવવો પડશે.પતિ – પત્નીના સંબંધોમાં ત્રીજી વ્યક્તિની એન્ટ્રીથી સંબંધમાં તિરાડ પડે, પરંતુ એક પત્નીએ પોતે પતિની ‘ખુશી’ માટે અન્ય મહિલાને એમના સંબંધમાં સામેલ કરી છે. અત્યારે એણે એક ગર્લફ્રેન્ડ શોધી લીધી છે અને હજી આ કામ માટે બે પોસ્ટ ખાલી છે. પત્નીને એવી મહિલાઓની શોધ છે, જે એના પતિને ખુશ રાખી શકે અને પોતાના કામમાં મદદ પણ કરી શકે. ગર્લફ્રેન્ડની ઉંમર ૩૦થી ૩૫ વર્ષ વચ્ચે હોવી જોઈએ. એમની પાસે હાઇસ્કૂલ કે સ્નાતક ડિગ્રી હોવી જોઈએ. ગર્લફ્રેન્ડને રહેવા ખાવાનું મફત મળશે.
પત્થીમાનો આ ચિત્રવિચિત્ર જોબ ઓફર કરવા વાળો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ ગયો છે.
પત્થીમાનું કહેવું છે કે એ ડિપ્રેશનનો સામનો કરી રહી છે અને પતિને ખુશ રાખી શકતી નથી. આ વીડિયો કહે છે તેમ એમના પરિવારમાં હવે પતિ સાથે એની નાની ‘પત્ની’ પણ સામેલ થશે પછી અમે એક સાથે એક જ ઘરમાં રહીશું, સાથે જમીશું અને એકબીજાનું ધ્યાન રાખીશું. પત્થીમા એની અને ગર્લફ્રેન્ડ વચ્ચે કોઈ લડાઈ થશે નહીં તેવી ખાતરી પણ આપે છે. પત્થીમા એનો પતિ કોની સાથે સૂવા અને રહેવા માગે છે એ અંગે પતિ ખુદ નિર્ણય લઇ શકશે, વગેરે વગેરે.
પત્થીમાએ જેવી ઉદારતા દાખવી તેવો કિસ્સો પુરૂષપક્ષે હોય તો પતિદેવ પોતાની પત્નીના સુખ માટે એકથી વધુ બોયફ્રેન્ડ રાખવા દેશે કે કેમ એવી રાજુ રદી પૃચ્છા કરે છે.
‘ફલાણા / ફલાણીને ફળ્યા એવા સૌને ફળજો.’ એમ કથા-વ્રત કથાઓ પૂરી થયા પછી બોલવામાં આવે છે. આપણે કહીએ કે પત્થીમા એના પતિને ફળ્યા એવા દરેક લફરેબાજ પતિને ફળજો. આવતા ભવે પત્થીમા જેવી ભાર્યા મળજો!