વીક એન્ડ

કહો, પૃથ્વીના ગોળા પર કેટલા ખંડ છે, સાત કે છ?

ડો જોર્ડન ફેધન

ભાત ભાત કે લોગ – જ્વલંત નાયક

નવા વિષયોને સમજતા જઈએ તેમ તેમ આપણા જૂના ખ્યાલો બદલવા પડે. જો કે, એમાં કોઈ વાર ભૂગોળનું પાઠ્યપુસ્તક બદલવું પડે એવું પણ બને!

હમણા જ લંડનની ડર્બી યુનિવર્સિટીના સંશોધકોએ જે રિસર્ચ કર્યું એ પછી ભૂગોળનો અભ્યાસક્રમ ફરી ભણાવવો પડશે એવી આશંકા સાચી ઠરતી દેખાય છે.

ચલો, ડિટેલમેં દેખતે હૈં.. ભૂગોળમાં આપણે ભણી ગયા છીએ કે આપણી પૃથ્વી સાત ભૂ-ખંડ અને પાંચ મહાસાગરમાં વહેંચાયેલી છે. પાંચ મહાસાગર એટલે પેસિફિક (પ્રશાંત) મહાસાગર, એટલાન્ટિક મહાસાગર, હિન્દ મહાસાગર (ઇન્ડિયન ઓશન), દક્ષિણ(એન્ટાર્કટિક) અને આર્ક્ટિક મહાસાગર. આ મહાસાગરો પૃથ્વીના ગોળાની ૭૦ ટકા જગ્યા રોકે છે, જ્યારે ગોળાની બાકીની સપાટી પર સાત ભૂખંડ – એશિયા, યુરોપ, આફ્રિકા, સાઉથ અમેરિકા, નોર્થ અમેરિકા,ઓસ્ટ્રેલિયા અને એન્ટાર્કટિકા છે. હવે ડર્બી યુનિવર્સિટીના પ્રોફેસર ડો જોર્ડન ફેધન (Dr Jordan Phethean) દ્વારા થયેલો તાજેતરનો અભ્યાસ કહે છે કે પૃથ્વી પર સાત નહીં, પણ છ જ ભૂખંડ છે. યુરોપ અને નોર્થ અમેરિકા, એ બે અલગ અલગ નહિ પણ એક જ ભૂખંડ છે! હવે આ બધું સમજવા માટે ઠેઠ ઓગણીસમી સદી સુધી લમણાઝીંક કરવી પડે એમ છે.

પૃથ્વીના ગોળા પર સાત ભૂખંડ કઈ રીતે અસ્તિત્વમાં આવ્યા એ સમજાવતી થિયરી સૌથી પહેલા ઇસ ૧૮૫૮માં ફ્રેન્ચ વિદ્વાન એન્ટોનિયો સ્નાઇડર દ્વારા સૂચવવામાં આવી હતી, પરંતુ વૈજ્ઞાનિક પુરાવાના અભાવે સ્વીકારાઈ નહિ.

ઇસ ૧૯૧૦ માં ટેલરે પર્વતોને ગેડરચના સમજાવવા માટે જમીનના સમૂહનું આડું સ્થાનાંતરણ રજૂ કર્યું, પરંતુ કેટલાંક કારણોસર એનો ય સ્વીકાર ન થયો. આ પછી ઇસ ૧૯૧૨માં આલ્ફ્રેડ વેગનરે ખંડીય પ્રવાહ – Continental Drift ને એક સિદ્ધાંત તરીકે રજૂ કર્યો અને ૧૯૧૫માં તેની વિગતવાર વ્યાખ્યા આપી. વેગનરની થિયરી ‘કોન્ટિનેન્ટલ ડ્રિફ્ટ થિયરી’ તરીકે પ્રચલિત થઇ. એ થિયરી મુજબ, કરોડો વર્ષો પહેલા પૃથ્વી પર એક જ વિશાળ ભૂખંડ હતો, જેની આસપાસ પાણી, એટલે કે મહાસાગર હતો. આ વિશાળ ભૂખંડ જમીન એક વિશાળ મહાસાગરથી ઘેરાયેલી હતી. આ વિશાળ ખંડનું નામ ‘પેન્જિયા’ તરીકે અને એની આસપાસ ફેલાયેલા અફાટ સમુદ્રને ‘પેન્થાલસા’ તરીકે ઓળખવામાં આવે છે. લગભગ ૨૦૦ મિલિયન વર્ષો પહેલા ‘પેન્જિયા ભૂખંડ લોરેશિયા’ અને ‘ગોંડવાના’ નામના બે મોટા લેન્ડમાસમાં વિભાજિત થયો. એ પછી આ નવા બનેલા ભૂમિખંડોનું વિભાજન અને સ્થાનાંતરણ ચાલુ જ રહ્યું, જેને પગલે પૃથ્વીની સપાટી પર વિવિધ ભૂખંડો અસ્તિત્વમાં આવ્યા. કોન્ટિનેન્ટલ ડ્રિફટિંગ સતત ચાલતી પ્રક્રિયા છે, અને આજે પણ નજીવા દરે એ ચાલી રહી છે. આપણો પર્વતરાજ હિમાલય આવી જ ભૂખન્ડીય હિલચાલને કારણે અસ્તિત્વમાં આવેલો.

Panthalassa, pangea, Laurasia અને Gondwana જેવા વર્ડઝ You Tube પર સર્ચ કરશો, તો પૃથ્વીના ગોળા પર સાત (અથવા છ) ખંડો કઈ રીતે અસ્તિત્વમાં આવ્યા, એ ઘટનાક્રમને સમજાવતા કેટલાક મસ્ત મજાના એનીમેટેડ વીડિયો જોવા મળશે.

હવે પૃથ્વી પર સાત નહિ પણ છ જ ભૂખંડ હોવાનું કહેતા સંશોધનની વાત પર આવીએ. આ આખા સંશોધનના કેન્દ્રમાં એટલાન્ટિક મહાસાગરમાં આવેલો એક ટાપુ છે, જેને આપણે ‘આઈસલેન્ડ’ તરીકે ઓળખીએ છીએ. આઈસલેન્ડનું સ્થાન ભૌગોલિક રીતે ઘણું વિશિષ્ટ છે. તે એટલાન્ટિક મહાસાગરમાં, નોર્થ અમેરિકા અને યુરેશિયન ટેક્ટોનિક પ્લેટ વચ્ચેની તિરાડ પર આવેલો છે. અત્યાર સુધી એવું મનાતું હતું કે આઇસલેન્ડની રચના લગભગ ૬૦ મિલિયન વર્ષો પહેલા hot mantle plume ને કારણે થઈ હતી. જ્યારે પૃથ્વીના પેટાળના અમુક હિસ્સાનો લાવા અતિશય ગરમી પકડીને બહારની તરફ ધસી જાય ત્યારે પૃથ્વીનો પોપડો ઊંચકાઈ છે અને લાવારસ એમાંથી બહાર નીકળે છે. લાવારસ આ રીતે બહાર નીકળે એને ‘હોટ મેન્ટલ પ્લુમ’ તરીકે ઓળખવામાં આવે છે. આવી રીતે અત્યાર સુધી પ્રચલિત બીજી એક માન્યતા એવી છે કે એટલાન્ટિક મહાસાગરના પેટાળમાં અનેક લાવારસ ફાટવાને કારણે આજથી ૫૨ મિલિયન વર્ષો પહેલા ઉત્તર અમેરિકા અને યુરેશિયન ટેક્ટોનિક પ્લેટ્સ એકબીજાથી છૂટી પડી, અને બે સ્વતંત્ર ભૂખંડ તરીકે અસ્તિત્વ ધરાવતી થઇ, પરંતુ ડો. જોર્ડન ફેથેને કહ્યું: શોધ સૂચવે છે કે ઉત્તર અમેરિકા અને યુરેશિયન ટેક્ટોનિક પ્લેટો હજુ સુધી વાસ્તવમાં તૂટી નથી! મતલબ કે યુરેશિયા અને નોર્થ અમેરિકાના ભૂખંડો જોડાયેલા છે અર્થાત, નોર્થ અમેરિકા અને યુરોપ મળીને એક જ ભૂખંડ બનાવે છે. આમ પૃથ્વી પરના કુલ ભૂ-ખંડો સાત નહિ, પણ છ થઇ જાય! ડો. જોર્ડન કહે છે કે જમીનના આ ટુકડાઓ વચ્ચે વિરુદ્ધ દિશાઓનું ખેંચાણ – કોન્ટિનેન્ટલ ડ્રિફટ ફ્ટ હજી ચાલુ જ છે એટલે ભવિષ્યમાં એ અલગ પડશે.

ડો. જોર્ડને આફ્રિકા ખંડના નિર્ધારિત સ્થળની ટેક્ટોનિક પ્લેટ્સની મૂવમેન્ટ અભ્યાસ કરીને તારણ મેળવ્યું કે અહીંની ટેક્ટોનિક મૂવમેન્ટ અને આઇસલેન્ડ આસપાસની મૂવમેન્ટ વચ્ચે ઘણી સામ્યતા છે. એ મુજબ આઇસલેન્ડ તેમજ ગ્રીનલેન્ડ આઈસલેન્ડ ફેરોઝ રિજ-GIFR તરીકે ઓળખાતા સમુદ્રી વિસ્તારોમાં થયેલ સંશોધનોના પૃથક્કરણ દ્વારા સમજાયું કે યુરોપિયન અને ઉત્તર અમેરિકન ખંડોમાંથી ખોવાયેલા અને ડૂબી ગયેલા અનેક ભૂ-ભાગો અહીં મોજૂદ છે.

આ બધી ટેકનિકલ ટર્મિનોલોજીને પડતી મૂકો, તો સમજ પડે એવી સામાન્ય ગુજરાતીમાં એટલું કહી શકાય કે યુરોપ અને નોર્થ અમેરિકા વચ્ચેનો ‘જમીન વિવાદ’ કુદરતે હજી પૂરેપૂરો ઉકેલ્યો નથી. પણ બંને ‘ભાઈ’ ભવિષ્યમાં (અમુક લાખ વર્ષો પછી) છૂટા પડશે ખરા! ત્યાં સુધી આપણે પૃથ્વી પર છ ખંડ છે કે સાત, એના જવાબ શોધતા રહેવું, અને ભૂગોળના શિક્ષકને વહાલા થઇ રહેવું, જેથી પરીક્ષામાં બહુ વાંધો ન આવે.આઈ બાત સમજમેં ?!

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button