સ્પેશિયલ ફિચર્સ

સ્નાનથી મનની શુદ્ધિ થાય? હા થાય

શિવવિજ્ઞાન – મુકેશ પંડ્યા

ગઇ કાલે આપણે જોયું કે સ્નાનથી શરીરની શુદ્ધિ કેવી રીતે થાય છે. જોકે, સનાતન ધર્મ માત્ર તનની નહીં, મનની શુદ્ધિમાં પણ માને છે.

પૂરી સૃષ્ટિમાં મન જેટલું ચંચળ બીજુ કોઇ તત્ત્વ નહીં હોય. આ ચંચળ મનને શાંત કરવામાં ભલભલા ઋષિમુનિઓ પાછા પડ્યા છે તો સામાન્ય માનવીનું શું ગજું? જોકે શીતળ માથાબોળ સ્નાન દ્વારા મનને શાંત રાખવામાં જરૂર મદદ મળે છે. જ્યારે જ્યારે તમને કોઇ ઇચ્છા થાય કે વિજાતીય પાત્ર જોઇને કામના જાગે તો ઠંડા પાણીના ફુવારા કે નળ નીચે માથું રાખી સ્નાન કરજો. ઇચ્છા શાંત થશે. મન શાંત થશે. ‘તમે તો મારી આકાંક્ષા પર પાણી ફેરવી દીધું.’ આવા વાક્યો આપણે બોલતા કે સાંભળતા હોઇએ છીએ. વાસનાને શાંત કરવી હોય તો મસ્તક પર ઠંડુ પાણી રેડવું જોઇએ. માત્ર ઇન્દ્રિયો પર જ નહીં, ક્રોધ પર કાબૂ મેળવવા પણ ઠંડા પાણીનું સ્નાન જરૂરી છે. તમને ક્યારેક અતિશય ક્રોધ આવે તો તરત ઠંડુ પાણી પી લેજો અથવા શક્ય હોય તો માથાબોળ સ્નાન કરી લેજો. પછી જે નિર્ણય લેવો હોય તે લેજો. રોષમાં લીધેલા નિર્ણય કરતા સ્નાન બાદ લીધેલો નિર્ણય વધુ સમતોલ સાબિત થશે.

આપણે ત્યાં મરણના સમાચાર આવે કે પછી આપણે સ્મશાન જવાનું થાય તો એ વિધિ પતાવીને સ્નાન કરવાનો રિવાજ છે. આ પણ એક સારો વૈજ્ઞાનિક રિવાજ છે. અચાનક આવી પડેલા આઘાતજનક સમાચારને જિરવવાની શક્તિ પણ સ્નાનથી મળે છે. મરનાર વ્યક્તિ સાથે ગાળેલો સમય યાદ આવવાથી મન વ્યથિત થતું હોય છે. આવા સમયે સ્નાન કરવાથી મનને શાંત કરવામાં મદદ મળે છે.

તદુપરાંત જ્યારે પણ આપણા મનમાં કોઇ પ્રત્યે ઇર્ષ્યા જાગે, તિરસ્કાર ઉત્પન્ન થાય કે દ્વેષ ઉત્પન્ન થાય, આ દરેક સંજોગોમાં મનમાં તણાવ પેદા થાય છે. મગજ ગરમ થઇ જાય છે. શીતળ જળનું માથાબોળ સ્નાન આવી પરિસ્થિતિથી ઉગારવામાં મહત્ત્વનો ભાગ ભજવે છે.
કોઇ કાર્યમાં ઘોર નિષ્ફળતા મળે ત્યારે મનમાં ઘણી નિરાશા વ્યાપે અને આપઘાતનો વિચાર આવે તો સબૂર, પહેલું કામ બાથરૂમમાં જઇ પાણીનો નળ ખોલીને તેની નીચે બેસી જવાનું કરજો. તમારી હતાશા અને નિરાશાને પાણી ભેગી વહી જવા દો. ફરીથી પ્રયત્નપૂર્વક કાર્ય કરો. એક દિવસ જરૂર સફળતામાં નહાવાના દિવસો પણ આવશે.

કામ, ક્રોધ, મોહ, માયા, આળસ અને અહંકાર આપણા ષડરિપુ અર્થાત્ છ દુશ્મનો છે. તેમનો સંહાર કરવા સ્નાનથી રૂડી બીજી કોઇ જ ક્રિયા નથી.

હિન્દુ શાસ્ત્રોમાં શંકર ભગવાનને ગરમ અને ક્રોધી સ્વભાવવાળા દર્શાવવામાં આવ્યા છે. તેમનું ત્રીજું નેત્ર ખૂલે તો ભલભલા એમાંથી નીકળતી જવાળામાં ભસ્મ થઇ જાય એવું પણ વર્ણન આવે છે. મૃત્યુના અધિષ્ઠાતા દેવ હોવાને કારણે ક્યારેક તેમણે કઠોર અને ક્રૂર નિર્ણય પણ લેવા પડે છે. સમુદ્રમંથન વખતે નીકળેલું વિષ પણ તેમણે ગ્રહણ કર્યું હતું આથી તેમના ગળામાં બળતરા થઇ હતી . આથી જ બીજા કોઇ દેવને નહીં પણ ફક્ત મહાદેવના શિવલિંગ પર સતત પાણીનો અભિષેક થતો રહે તે રીતે છલોછલ જળથી ભરેલું પાત્ર ગોઠવેલું હોય છે.

જે શિવના દર્શન આપણને શિવલિંગમાં થાય છે તે શિવ આપણી અંદર પણ વિરાજમાન છે. શિવજીના વિષ અને ક્રોધને શાંત કરવા જળાભિષેક કરીએ છીએ એ જ રીતે આપણા શરીર અને મનના વિષ દૂર કરવા પણ સ્નાન જરૂરી છે. શ્રાવણના આ ગરમ – ભેજવાળા મહિનામાં નહાવાનું વધુ અને ખાવાનું ઓછું રાખશો તો ખરેખર ફાયદામાં રહેશો. (ક્રમશ:)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button