એકસ્ટ્રા અફેર

સિસોદિયાને જામીન, સુપ્રીમ કોર્ટે ન્યાયતંત્રની આબરૂ જાળવી

એકસ્ટ્રા અફેર – ભરત ભારદ્વાજ

સુપ્રીમ કોર્ટે અંતે દિલ્હીના ભૂતપૂર્વ નાયબ મુખ્ય મંત્રી મનીષ સિસોદિયાને જામીન આપી દેતાં સિસોદિયાનો ૧૭ મહિના પછી જેલમાંથી બહાર આવવાનો માર્ગ મોકળો થઈ ગયો છે. જસ્ટિસ બીઆર ગવઈ અને જસ્ટિસ કેવી વિશ્ર્વનાથે દિલ્હી લિકર પોલિસી કૌભાંડને લગતા સીબીઆઈ અને ઈડી એમ બંને કેસમાં સિસોદિયાને રાહત આપી છે તેથી હવે સિસોદિયાને જેલમાં રાખી શકાય તેમ નથી.

સિસોદિયાને જામીન આ દેશમાં કાયદાનું પાલન કરવા માટે રચાયેલી સમિતિઓ સરકારમાં બેઠેલાં લોકોનાં તળવાં ચાટવા સિવાય કંઈ કરતી નથી તેનો વધુ એક પુરાવો છે. ખુદ સુપ્રીમ કોર્ટે સ્વીકાર્યું છે કે, ઈડી અને સીબીઆઈ હજુ સુધી આ કેસમાં ચાર્જશીટ દાખલ કરવામાં સક્ષમ નથી અને આ કારણોસર સિસોદિયા સામેના કેસની સુનાવણી શરૂ થઈ નથી. સીબીઆઈ અને ઈડીએ સિસોદિયાને શક્ય એટલો લાંબો સમય જેલમાં રાખવા માટેના બધા દાવ અજમાવી લીધા હતા.
સિસોદિયાને જેલમાં ધકેલવા માટે પ્રીવેન્શન ઓફ મની લોન્ડરિંગ (પીએમએલએ) હેઠળ કેસ નોંધાયેલો પણ સુપ્રીમ કોર્ટે પોતે કહ્યું છે કે, પીએમએલએ હેઠળ ટ્રાયલમાં વિલંબ અને લાંબી જેલની સજા મની લોન્ડરિંગના કેસમાં જામીન આપવાનો કાનૂની આધાર છે. સુપ્રીમ કોર્ટે એવી મહત્ત્વની ટિપ્પણી કરી છે કે ટ્રાયલ પૂરો થાય ત્યાં સુધી આરોપીને લાંબા સમય સુધી જેલમાં રાખવો એ તેના મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન છે.

સરકાર વતી એવી વાહિયાત દલીલો કરાઈ હતી કે, ટ્રાયલ શરૂ થઈ શકી નહીં તેના માટે તપાસ એજન્સીઓ નહીં પણ આરોપીઓ અને તેમના વકીલો જવાબદાર છે. એક પછી એક આરોપી નીચલી અદાલતોમાં અરજીઓ કર્યા કરતા હતા ને તપાસ એજન્સીનો સમય વેડફાયો. વકીલોએ કોઈપણ કારણ વગર દસ્તાવેજો માગ્યા કેમ કે આ કેસનાં તમામ પાસાઓની યોગ્ય રીતે તપાસ થાય એવું એ લોકો નહોતા ઈચ્છતા. આ કારણે તેમણે વિલંબ કરવાનો વિકલ્પ અજમાવ્યો. એજન્સીઓની બીજી દલીલ એ હતી કે સિસોદિયાને મુક્ત કરવામાં આવે તો તેઓ પુરાવા સાથે ચેડા કરી શકે છે અને સાક્ષીઓને પ્રભાવિત કરી શકે છે.

સુપ્રીમ કોર્ટના મતે કેસ ઝડપથી પૂરો કરવાની લ્હાયમાં આરોપીને અમર્યાદિત સમય માટે જેલના સળિયા પાછળ રાખવાથી બંધારણની કલમ ૨૧ હેઠળ મળેલા સ્વતંત્રતાના તેના મૂળભૂત અધિકારથી વંચિત રાખવા સમાન છે. આ કેસમાં ૪૯૩ સાક્ષીઓના નામ છે, દસ્તાવેજોનાં હજારો પાનાં અને ડિજિટલ દસ્તાવેજોના એક લાખથી વધુ પાના છે. આ સંજોગોમાં નજીકના ભવિષ્યમાં આ કેસનો અંત આવે તેવી દૂર દૂર સુધી કોઈ શક્યતા નથી ને એટલા સમય માટે સિસોદિયાને જેલમાં ના રાખી શકાય. સુપ્રીમ કોર્ટે એ પણ કહ્યું કે, સિસોદિયા પ્રતિષ્ઠિત વ્યક્તિ છે, સિસોદિયાના ‘સમાજમાં ઊંડા મૂળ’ છે તેથી તેમના ભાગી જવાનો કોઈ ભય નથી.

જસ્ટિસ વિશ્ર્વનાથને સરકારી વકીલના દલીલના ધજાગરા ઉડાવતાં કહ્યું કે, મનીષ સિસોદિયા સામે છેલ્લી ચાર્જશીટ ૨૮ જૂને ફાઈલ કરી હતી અને એ વખતે એજન્સીએ કહ્યું હતું કે, ટૂંક સમયમાં બીજી પૂરક ચાર્જશીટ દાખલ કરવામાં આવશે. મતલબ કે જ્યાં સુધી તમામ ચાર્જશીટ દાખલ ન થાય ત્યાં સુધી સિસોદિયા સામે કાર્યવાહી કરવામાં આવશે નહીં એવું એજન્સી જ કહે છે. હવે તમે તો ચાર્જશીટ ફાઈલ કરવામાં સમય કાઢ્યા જ કરો તો સિસોદિયાને ત્યાં સુધી જામીન ન આપવા જોઈએ? સિસોદિયા લગભગ ૧૭ મહિનાથી જેલમાં છે અને ગોકળગાયની ગતિએ ચાલી રહેલો ટ્રાયલ ટૂંક સમયમાં સમાપ્ત થવો મુશ્કેલ છે તેથી જામીન મળવા જોઈએ.
સુપ્રીમ કોર્ટે ઈડી અને સીબીઆઈની સાથે સાથે નીચલી કોર્ટોના પણ ધજાગરા ઉડાવી દીધા છે. આ પહેલાં નીચલી અદાલત અને હાઈકોર્ટે જામીન આપવાનો ઈન્કાર કર્યો હતો ને તેની પણ સુપ્રીમ કોર્ટે ટીકા કરી છે. ૩૧ માર્ચે ટ્રાયલ કોર્ટે સિસોદિયાના જામીન ફગાવી દેતાં કહ્યું હતું કે, પ્રથમ નજરે મનીષ સિસોદિયા કાવતરાખોર છે તેથી તેમને જામીન ના આપી શકાય. સિસોદિયાએ તેમની પત્નીની ખરાબ તબિયતને પણ ટાંકી હતી. ટ્રાયલ કોર્ટે કહ્યું હતું કે સિસોદિયાનો પુત્ર છે તેની માતાની સંભાળ રાખી શકે છે.

દિલ્હી હાઈકોર્ટે ૩૦ મે, ૨૦૨૩ના રોજ જામીન અરજી ફગાવી દેતા કહ્યું હતું કે, સિસોદિયા સામે ગંભીર આરોપો છે. જસ્ટિસ દિનેશ કુમાર શર્માએ કહ્યું હતું કે સિસોદિયા પ્રભાવશાળી વ્યક્તિ છે અને આ કેસમાં મોટાભાગના સાક્ષીઓ સરકારી કર્મચારી છે. આ સંજોગોમાં સિસોદિયા સાક્ષીઓને પ્રભાવિત કરી શકે છે. સંજોગોને ધ્યાનમાં રાખીને કોર્ટ માને છે કે સિસોદિયા જામીન માટે હકદાર નથી. હવે જસ્ટિસ બીઆર ગવઈ અને કેવી વિશ્ર્વનાથનની સુપ્રીમ કોર્ટની બેન્ચે ટિપ્પણી કરી છે કે, ટ્રાયલ કોર્ટ અને હાઈકોર્ટ જામીન આપવાના કેસોમાં સેફ રમવાનો પ્રયાસ કરે છે પણ હવે સમય આવી ગયો છે કે અદાલતો સમજે કે જામીન નિયમ છે અને જેલ અપવાદ છે.
સિસોદિયાને જામીન સુપ્રીમ કોર્ટનો બહુ મોટો ચુકાદો છે અને આ ચુકાદાના કારણે દેશના ન્યાયતંત્રમાં લોકોનો વિશ્ર્વાસ વધશે તેમાં બેમત નથી. સુપ્રીમ કોર્ટે આ ચુકાદા દ્વારા દેશની જેલમાં ટ્રાયલ વિના જ સબડતા હજારો લોકોની મુક્તિનો માર્ગ પણ મોકળો કરી દીધો છે. સુપ્રીમ કોર્ટે ટ્રાયલ કોર્ટમાં કેસના મેરિટ, ટ્રાયલમાં વિલંબ અને બંધારણે આપેલા ઝડપી ન્યાય મેળવવાના અધિકાર એમ ત્રણ બાબતોને ધ્યાનમાં રાખીને મનીષ સિસોદિયાને જામીન આપ્યા છે.

સુપ્રીમ કોર્ટે મુખ્ય કેસના ગુણદોષ પર કોઈ ટિપ્પણી કરી નથી પણ બંધારણની કલમ ૨૦, ૨૧ અને ૨૨ મુજબ જીવન અને વ્યક્તિગત સ્વતંત્રતાના અધિકાર અને કલમ ૨૧ મુજબ ઝડપી ન્યાયના અધિકારને માન્યતા રાખીને જામીન મંજૂર કર્યા છે. તેનો મતલબ એ થાય કે, તપાસ એજન્સીઓને કોઈ પણ વ્યક્તિના ઝડપી ન્યાયના અધિકારને દબાવી દેવાનો કોઈ અધિકાર નથી. સુપ્રીમ કોર્ટના ચુકાદાને બંધારણની કલમ ૧૪૧ હેઠળ દેશનો કાયદો અથવા દેશના કાયદાનું અંતિમ અર્થઘટન માનવામાં આવે છે. આ અર્થઘટન તમામ અદાલતો માટે બંધનકર્તા છે તેથી આ ચુકાદાને પગલે ટ્રાયલ વિના લાંબા સમયથી જેલમાં સબડતા હજારો કેદીઓના જામીનનો માર્ગ ખુલી ગયો છે.

લિકર કેસ વિશે કંઈ કહેવા જેવું નથી પણ આ ચુકાદો પોતાની ફરજ ભૂલીને સરકારની ચાપલૂસી કરતી એજન્સીઓ માટે મોટી લપડાક સમાન છે એ કહેવાની જરૂર નથી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button