એકસ્ટ્રા અફેર

ભાગવતની વાત સાચી, આ દેશ મુસ્લિમોનો જ નહીં બધાનો છે

એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ

ભાજપની પિતૃ સંસ્થા મનાતા રાષ્ટ્રીય સ્વંયસંસેવક સંઘના વડા મોહન ભાગવતે થોડા દિવસ પહેલાં અનામત મુદ્દે ગુલાંટ લગાવીને સૌને આંચકો આપી દીધેલો. વરસોથી સરકારી નોકરીઓ અને શૈક્ષણિક સંસ્થાઓમાં લાગુ કરાતી અનામત પ્રથાની સમીક્ષાની વાતો કરીને આડકતરી રીતે અનામતની નાબૂદીની તરફેણ કરતા ભાગવતે અચાનક જ સમાજમાં અસમાનતા દૂર ના થાય ત્યાં સુધી અનામત ચાલુ રાખવી જોઈએ એવો રાગ છેડી દીધેલો. ભાગવતના ચાહકો પણ આ વાત સાંભળીને આંચકો ખાઈ ગયેલા.

આ આંચકો શમે એ પહેલાં મોહન ભાગવતે નવો આંચકો આપી દીધો છે. મોહન ભાગવતે કહ્યું છે કે, આ દેશના મુસ્લિમો પણ આપણા જ છે અને આ દેશ મુસ્લિમોનો પણ છે તેથી મુસ્લિમો ભારતમાં જ રહેશે. મુસ્લિમો આપણાથી અલગ નથી, બસ તેમની પૂજાપાઠની પદ્ધતિ અલગ છે. ભાગવતે જ્ઞાન પિરસ્યું છે કે, જુદાજુદા ધર્મના લોકો વચ્ચે ફરક માત્ર પૂજાપાઠ કરવાની જુદીજુદી રીતનો જ છે અને આ વાત મુસ્લિમોને પણ લાગુ પડે જ છે.

ભાગવતે તો એમ પણ કહ્યું છે કે, સંઘ માટે કોઇ જ પારકુ નથી. જે લોકો અમારો વિરોધ કરે છે તેઓ પણ અમારા જ છે પણ આપણે એટલું જ ધ્યાન રાખવું જોઇએ કે, આ વિરોધી લોકોથી કોઇ નુકસાન ના થાય. ભાગવતે હિંદુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ વગેરે બધાં ધર્મનાં લોકોને પણ સલાહ આપી છે કે, રાષ્ટ્રના વિકાસ અને ભારતનું સન્માન જાળવી રાખવા માટે તમામ લોકો સાથે રહે એ જરૂરી છે, એકતા જરૂરી છે અને પરસ્પર સંવાદ સ્થાપિત કરવાથી જ એકતા આવશે.

ભાગવતે જ્ઞાતિવાદનો મુદ્દો ઉઠાવીને હિંદુઓને પણ સલાહ આપી છે કે, જ્ઞાતિવાદ, ભેદભાવ વગેરેને દૂર કરવા માટે સમાજને એક કરવો પડશે. દલિત સમાજની વસતી વધુ હોય ત્યાં જઇને સ્વયંસેવકોએ સામાજિક સમરસતા માટે પ્રયાસો કરવા જોઇએ તેવી સલાહ પણ આપી હતી. ભાગવતે આ પહેલાં બિનહિન્દુઓને પણ સંઘમાં જોડવાના પ્રયાસો કરવાની તરફેણ કરીને કહેલું કે, દેશના દરેક જિલ્લામાં સંઘના સ્વયંસેવકોએ મુસ્લિમ, ખ્રિસ્તી, ઇસાઇ સહિતના બિન-હિંદુઓને સંઘમાં જોડવા માટે સક્રિય થવું જોઇએ. હિંદુત્વના સમર્થકોને ભાગવતની વાતથી આંચકો લાગેલો જ પણ આ દેશ મુસ્લિમોનો છે એવી વાતથી વધારે મોટો આંચકો લાગ્યો છે.

મોહન ભાગવતે જે વાત કરી છે એ સો ટકા સાચી છે પણ તકલીફ એ છે કે, અત્યાર લગી સંઘ આવી વાતો કરતો નહોતો. ભારત દેશ ભારતમાં રહેનારાં બધાં લોકોનો છે ને તેમાં મુસલમાનો પણ આવી જ ગયા. આ દેશમાં પેદા થયેલી ને દેશની નાગરિક હોય એવી દરેક વ્યક્તિનો ભારત દેશ છે પણ સંઘ અને હિંદુવાદી સંગઠનો આ વાત સ્વીકારવા તૈયાર નથી. એ લોકો તો વરસોથી એક જ રેકર્ડ વગાડે છે કે, આ દેશના ભાગલા ધર્મના આધારે થયા ને મુસલમાનો માટે ઈસ્લામના આધારે પાકિસ્તાન બન્યું તો મુસલમાનોએ પાકિસ્તાન જ જતા રહેવું જોઈએ.

પાકિસ્તાન ઈસ્લામ ધર્મનાં લોકો માટે અલગ રાષ્ટ્ર હોવું જોઈએ એ માન્યતાના આધારે રચાયું એ વાત સાચી પણ તેના કારણે બધા મુસલમાનોએ પાકિસ્તાન જતા રહેવું જોઈએ એ વિચારધારા સાચી ના થઈ જાય. સંઘ આ વિચારધારાનો સમર્થક છે તેથી મુસલમાનોએ પાકિસ્તાન જતા રહેવું જોઈએ એવી રેકર્ડ વગાડ્યા કરે છે.

જે લોકોને ધર્મના આધારે રચાયેલા રાષ્ટ્રમાં જતા રહેવું હતું એ લોકો એ જ વખતે પાકિસ્તાન જતા રહેલા ને જે લોકો ભારતને પોતાનો દેશ માનતા હતા, ઈસ્લામ આધારિત નહીં પણ બિનસાંપ્રદાયિકતા આધારિત રાષ્ટ્રમાં રહેવામાં જેમને રસ હતો એ બધા અહીં રહી ગયા હતા એ જોતાં મુસલમાનોને લગતો મુદ્દો ત્યાં પતી જવો જોઈતો હતો પણ પત્યો નથી. હજુય ભાગલાના નામે બકવાસ વાતો ચાલે જ છે.
સંઘની વિચારધારા તો મુસલમાનોને ભારતના ગણવાની જ નથી. સંઘ અને હિંદુવાદી સંગઠનો મુસલમાનોની દેશભક્તિ સામે શંકા કર્યા કરે છે, મુસલમાનોની ભારત પ્રત્યેની નિષ્ઠા સામે પણ સવાલો કરે છે. ભાગવત છેલ્લા કેટલાક વરસોથી આ દેશમા રહેનારા બધા હિંદુઓ છે એવું કહ્યા કરે છે પણ આ દેશ મુસલમાનોનો પણ છે એવું નહોતા કહેતા. તેના બદલે તેમણે સ્પષ્ટપણે આ દેશ મુસ્લિમોનો પણ છે એવું કહ્યું છે એ મોટી વાત છે.
ભાગવતે સંઘની સ્થાપિત વિચારધારાથી વિપરીત સૂર કેમ કાઢ્યો તેનું પિષ્ટપિંજણ ચાલી રહ્યું છે. ભાગવતનું હૃદય પરિવર્તન કેમ થયું એ આપણને ખબર નથી પણ આ હૃદય પરિવર્તન સારું છે તેમાં બેમત નથી. આ દેશમાં ૨૦ કરોડથી વધારે મુસલમાનો છે ને તેમને કોઈ આ દેશમાંથી કાઢી શકે તેમ નથી. આ વાસ્તવિકતા દેશનાં લોકોએ તો બહુ પહેલાં જ સ્વીકારી લીધી છે તેથી બહુમતી લોકો તો હળી મળીને જ રહે છે પણ હવે મોહન ભાગવતે સ્વીકારી લીધી છે ને બીજા હિંદુવાદીઓ પણ જેટલું ઝડપથી સ્વીકારી લે એટલું સારું છે.

ભાગવતના નિવેદન સામે ભાજપ ચૂપ છે. વરસો પહેલાં ડૉ. મનમોહનસિંહે કહેલું કે, આ દેશના સ્રોત અને સંશાધનો પર મુસ્લિમોનો પહેલો હક છે. એ વખતે ભાજપે કાગારોળ મચાવી દીધેલી કે, કૉંગ્રેસ મુસ્લિમોનું તુષ્ટિકરણ કરે છે. મનમોહનસિંહની વાત ટેકનિકલી ખોટી હતી કેમ કે દેશનાં સ્રોત પર બધા જ નાગરિકોનો સમાન હક છે, કોઈ ચોક્કસ સમુદાયનો પહેલો હક ના હોઈ શકે, ના હિંદુઓનો, ના મુસલમાનનો, ના ખ્રિસ્તીઓનો, ના શીખોનો કે ના બીજા કોઈનો. મનમોહનસિંહ એ રીતે સાચા નહોતા પણ તેમણે જે વાત કરેલી એ લઘુમતીઓમાં સુરક્ષાની ભાવના પેદા કરવા કરેલી છતાં ભાજપે કાગારોળ મચાવી દીધેલી.

હવે ભાજપના નેતા શું કહેશે? આ દેશ મુસલમાનોનો પણ છે એવું ભાજપના નેતા કહેશે? કે પછી ભાગવત પણ મુસ્લિમ તુષ્ટિકરણ કરી રહ્યા છે એવું કહેશે? ભાગવત વિરોધી સૂર કાઢવાની ભાજપના નેતાઓની હિંમત નથી કેમ કે સંઘ સામે પડવાનું તેમનું ગજું નથી એ જોતાં ભાજપના નેતા ચૂપ જ રહેશે એવું લાગે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

One Comment

  1. આ લેખમાં શ્રી ભાગવતજી જે કહ્યું તે વાત સાથે કઈ બધા લોકો સહમત થઇ જાય!
    અત્રે એક વાત કહેવી છે કે જે પત્રકારો અને લેખકો હિન્દુ-મુસ્લિમ વિષે વાતો કરી ભાઈચારાની ડાહી ડાહી
    વાતો કરે છે તેમને એકજ સવાલ પુછવો છે કે તમે હિન્દુઓનેજ કેમ વારંવાર આવી સલાહ આપો છો?
    કોઈવાર મુસ્લિમમોને પણ કાઈ કહેતા નથી કે તમે પણ દેશદાજ કેમ નથી બતાવતા ? તમારું હિન્દુઓ
    પ્રત્યે સામાન્ય વલણ કેમ નથી રાખતા તેમાં તમારો ધર્મ વચ્ચમાં નાં લાવો, તમે જ્યારે વેપાર-ધંધો
    કરો છો તેમ તેમની સાથે રાબેતા મુજબ વહેવાર કેમ નથી કરતાં?
    ખાસ કરીને હિન્દુ પત્રકારો વારંવાર હિન્દુઓને ભાઇચારા નો ઉપદેશ દેવાનું બંધ કરે .

Back to top button