વૈશ્ર્વિક પ્રોત્સાહક અહેવાલે સોનામાં ₹ ૨૬૪નો સુધારો, ચાંદી ₹ ૨૭૯ ઘટી

મુંબઈ: આંતરરાષ્ટ્રીય સ્તરે મધ્યપૂર્વના દેશોનાં તણાવ ઉપરાંત ફેડરલ દ્વારા સપ્ટેમ્બર મહિનાથી વ્યાજદરમાં કાપ મૂકવામાં આવે તેવો આશાવાદ પ્રબળ બનતા આજે લંડન ખાતે સત્રના આરંભે સતત પાંચ સત્રના ઘટાડા બાદ સોનાના ભાવમાં ૦.૭ ટકાનો અને ચાંદીના ભાવમાં એક ટકા જેટલો સુધારો આવ્યો હતો. જોકે, સ્થાનિક ઝવેરી બજારમાં આજે મધ્યસત્ર પશ્ર્ચાત્ વૈશ્ર્વિક પ્રોત્સાહક અહેવાલે સોનાના ભાવમાં ૧૦ ગ્રામદીઠ રૂ. ૨૬૩થી ૨૬૪નો સુધારો આવ્યો હતો, જ્યારે ચાંદીમાં સ્ટોકિસ્ટોની વેચવાલીના દબાણે ભાવમાં કિલોદીઠ રૂ. ૨૭૯નો ઘટાડો આવ્યો હતો. આજે સ્થાનિકમાં ખાસ કરીને .૯૯૯ ટચ ચાંદીમાં સ્ટોકિસ્ટોની વેચવાલીના દબાણ સામે ઔદ્યોગિક વપરાશકારો તથા જ્વેલરી ઉત્પાદકોની માગ ખપપૂરતી રહેતાં ભાવ કિલોદીઠ રૂ. ૨૭૯ના ઘટાડા સાથે રૂ. ૭૮,૮૮૦ના મથાળે રહ્યા હતા. વધુમાં આજે સોનામાં વૈશ્ર્વિક પ્રોત્સાહક અહેવાલે સ્ટોકિસ્ટો અને રોકાણકારોની ઘટ્યા મથાળેથી નીકળેલી છૂટીછવાઈ લેવાલી તેમજ જ્વેલરી ઉત્પાદકો તથા રિટેલ સ્તરની લેવાલી ખપપૂરતી માગને ટેકે ૯૯.૫ ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૨૬૩ વધીને રૂ. ૬૮,૯૨૮ અને ૯૯.૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૨૬૪ વધીને રૂ. ૬૯,૨૦૫ના મથાળે રહ્યા હતા. વધુમાં આજે વૈશ્ર્વિક સ્તરે મધ્યપૂર્વના દેશોમાં તણાવની સ્થિતિ, ફેડરલ દ્વારા રેટ કટનો આશાવાદ અને અમેરિકી ૧૦ વર્ષીય બૉન્ડની યિલ્ડમાં ઘટાડો થવાથી આજે લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોનાના ભાવ ગઈકાલના બંધ સામે ૦.૭ ટકા વધીને ઔંસદીઠ ૨૩૯૮.૬૩ ડૉલર અને વાયદામાં ભાવ ૦.૨ ટકા વધીને ૨૪૩૭.૨૦ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. તેમ જ આજે હાજરમાં ચાંદીના ભાવ એક ટકા વધીને ઔંસદીઠ ૨૬.૮૬ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. એકંદરે સોનામાં લાંબાગાળે ભાવમાં મજબૂત અન્ડરટોન રહે તેવાં પરિબળો છે, જેમાં ખાસ કરીને મધ્યપૂર્વના દેશોમાં રાજકીય-ભૌગોલિક તણાવ, અમેરિકી ટ્રેઝરીની યિલ્ડમાં ઘટાડો જેવાં કારણોનો સમાવેશ થતો હોવાનું ઓએએનડીએનાં એશિયા પેસિફિક વિભાગના વિશ્ર્લેષક કેલ્વિન વૉન્ગે જણાવ્યું હતું. નોંધનીય બાબત એ છે કે જેપી મોર્ગન, સિટી ગ્રુપ અને વેલ્સ ફાર્ગો જેવા બ્રોકરેજ હાઉસોએ અમેરિકાના રોજગારીના ડેટા નબળા આવ્યા બાદ ફેડરલ રિઝર્વ આગામી સપ્ટેમ્બર મહિનામાં વ્યાજદરમાં ૫૦ બેસિસ પૉઈન્ટનો કાપ મૂકે તેવી શક્યતા વ્યક્ત કરી છે. મોડી સાંજે જાહેર થનારા અમેરિકાના બેરોજગારીનાં ડેટા અને રિચમન્ડ ફેડનાં પ્રમુખ ટોમ બાર્કિનના વક્તવ્ય પર સ્થિર થઈ છે. વધુમાં મધ્ય પૂર્વની તણાવની સ્થિતિ નજીકના ભવિષ્યમાં થાળે પડે તેવી શક્યતા નથી જણાતી આથી સોનાના વૈશ્ર્વિક ભાવ ઔંસદીઠ ૨૩૫૦ આસપાસ કોન્સોલિડેટ થયા બાદ વર્ષના અંત સુધીમાં ૨૫૦૦ ડૉલર સુધી પહોંચે તેવી શક્યતા વિન્ગ ફંગ પ્રીસિયસ મેટલનાં વિશ્ર્લેષક પીટર ફંગે વ્યક્ત કરી હતી.