વાયનાડ ભૂસ્ખલનઃ દસમા દિવસે સર્ચ ઓપરેશન ચાલુ, હજુ 138 ગુમ

વાયનાડઃ ઉત્તર કેરળના વાયનાડ જિલ્લાના ભૂસ્ખલનગ્રસ્ત વિસ્તારોમાં સર્ચ ઓપરેશન ૧૦મા દિવસે પણ ચાલું રહ્યું હતું. જેમાં કાટમાળ નીચે ઊંડે દટાયેલા અવશેષોને શોધવા માટે ગુરૂવારે વધુ કેડેવર શ્વાનને બોલાવવામાં આવ્યા હતા.
વાયુ સેનાના હેલીકોપ્ટરોનો ઉપયોગ કરીને વિશેષ શોધ દળોને ચાલીયાર નદીના કિનારે દુર્ગમ ક્ષેત્રોમાં ઉતારવામાં આવ્યા હતા તથા આપત્તિગ્રસ્ત ચૂરલમાલા અને મુંડક્કાઇના છ અલગ-અલગ ક્ષેત્રોમાં વધુ બચાવકર્તા, હેવી મશીનો અને કે-નાઇન ડોગ સ્ક્વોડને તૈનાત કરવાનું ચાલું છે.
આ પણ વાંચો: વાયનાડમાં ‘મર્ફી’ અને ‘માયા’ હીરો સાબિત થયા, 10 મૃતદેહો શોધી કાઢ્યા
બુધવાર સુધીમાં ભૂસ્ખલનમાં ગુમ થયેલા લોકોનો આંકડો લગભગ ૧૩૮ હતો, જ્યારે ૨૨૬થી વધુ લોકોના મૃત્યુની પુષ્ટિ થઇ હતી. તે ઉપરાંત વાયનાડ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આપવામાં આવેલા આંકડાઓ અનુસાર ૭ ઓગસ્ટ સુધી આપત્તિગ્રસ્ત વિસ્તારો અને ચાલીયાર નદીમાંથી ૧૯૨ શરીરના અંગો પણ મળી આવ્યા હતા.
આ પણ વાંચો: દક્ષિણના અભિનેતાઓએ વાયનાડ ભૂસ્ખલનના અસરગ્રસ્ત પરિવારો માટે સહાયનો ધોધ વહાવ્યો
જેમ જેમ સર્ચ ઓપરેશન આગળ વધે છે તેમ તેમ રાજ્ય સરકાર ભૂસ્ખલનથી પ્રભાવિત લોકોના અસ્થાયી પુનર્વસનની ખાતરી કરવા માટે પણ કામ કરી રહી છે. બુધવારે વાયનાડ ખાતે કેબિનેટ પેટા સમિતિએ જણાવ્યું હતું કે પુનર્વસન ત્રણ તબક્કામાં કરવામાં આવશે.
સમિતિએ કહ્યું કે શોધ અને બચાવ કામગીરી તથા તબક્કાવાર પુનર્વસન ઉપરાંત સરકાર ભૂસ્ખલનમાં પોતાનું બધું ગુમાવનારા લોકોની ઓળખાણ અને અન્ય દસ્તાવેજો તેમજ પ્રમાણપત્રો પુનઃસ્થાપિત કરવા માટે પણ કામ કરી રહી છે.