ભારતીય હૉકીના ‘ધ વૉલ’ ગોલકીપર શ્રીજેશે યાદગાર જીત સાથે હૉકીના મેદાન પરથી લીધી વિદાય
પૅરિસ: ભારતીય હૉકી ટીમે ગુરુવારે પૅરિસ ઑલિમ્પિક્સમાં સ્પેનને 2-1થી હરાવીને બ્રૉન્ઝ મેડલ જીતી લીધો એ સાથે ગોલકીપર પીઆર શ્રીજેશે હૉકીના ગ્રાઉન્ડ પરથી વિદાય લીધી છે. તેની 18 વર્ષની શાનદાર કરીઅરની આ છેલ્લી ટૂર્નામેન્ટ હતી.
ભારતને બ્રૉન્ઝ મેડલ અપાવવામાં શ્રીજેશની મહત્ત્વની ભૂમિકા રહી હતી. તે સ્પૅનિશ ટીમ સામે ગોલપોસ્ટની બહાર પર્વતની જેમ અડગ ઊભો હતો અને સ્પેનને જીતવાનો મોકો નહોતો આપ્યો.
જર્મની સામેની સેમિ ફાઇનલની હાર બાદ શ્રીજેશે ચંદ્રકનો રંગ બદલવાનું સપનું (2021ની ઑલિમ્પિક્સના બ્રૉન્ઝથી બદલીને ગોલ્ડ કે સિલ્વર કરવાનું સપનું) તૂટી ગયું હોવા છતાં કહ્યું હતું કે ‘અમારી પાસે હવે આખરી મોકો છે અને અમે હજી પણ ચંદ્રક જીતી શકીએ એમ છીએ.’
આ પણ વાંચો: GOALMAN: હરમનપ્રીત સિંહની હોકીએ ભૂક્કા બોલાવ્યાં, વધુ ગોલ કરીને વિક્રમ નોંધાવ્યો
શ્રીજેશે એ વચન પૂરું કરી આપ્યું છે.
પૅરિસ ઑલિમ્પિક્સમાં શ્રીજેશનું સૌથી શાનદાર પ્રદર્શન ગ્રેટ બ્રિટન સામે હતું. એ મૅચમાં અમિત રોહિદાસને રેડ કાર્ડ બતાવાયા પછી ભારતે 43 મિનિટ સુધી કુલ 11ને બદલે 10 ખેલાડીઓથી રમવું પડ્યું હતું. આખી મૅચમાં શ્રીજેશે ઘણી વાર ગોલ થતો રોક્યો હતો. ત્યાર બાદ પેનલ્ટી શૂટઆઉટમાં પણ તેનો પર્ફોર્મન્સ અપ્રતિમ હતો. તેણે બ્રિટિશ ખેલાડીઓના ગોલ રોકીને ભારતને સેમિ ફાઇનલમાં પહોંચાડ્યું હતું.
સ્પેન સામેની આ બ્રૉન્ઝ-મેડલ મૅચમાં પણ શ્રીજેશે છેક સુધી લડત ચાલુ રાખી હતી જેને કારણે સ્પેનની ટીમ વધુ એક પણ ગોલ નહોતી કરી શકી. છેલ્લી ક્ષણોમાં સ્પેનને બે પેનલ્ટી કૉર્નર મળ્યા હતા, પરંતુ તેઓ એમાંથી એકેયને ગોલમાં પરિવર્તિત નહોતા કરી શક્યા.
આ પણ વાંચો: વડા પ્રધાન મોદીએ પીઠ થાબડી બ્રોન્ઝ વિજેતા ભારતીય હોકી ટીમની…
શ્રીજેશે ઑલિમ્પિક્સ પહેલાં જ જાહેર કરી દીધું હતું કે આ તેની કરીઅરની અંતિમ ટૂર્નામેન્ટ છે.
36 વર્ષનો શ્રીજેશ ભારત વતી 336 મૅચ રમ્યો. આ તેની ચોથી ઑલિમ્પિક ગેમ્સ હતી. તે કૉમનવેલ્થ ગેમ્સ, એશિયન ગેમ્સ અને વર્લ્ડ કપમાં રમી ચૂક્યો હતો. છેલ્લે છેલ્લે પૅરિસ ઑલિમ્પિક્સમાં પણ ગોલપોસ્ટની સામે તેનો જાદુ ચાલી ગયો અને તે ભારતને સતત બીજો બ્રૉન્ઝ અપાવવામાં સફળ રહ્યો.
શ્રીજેશે 2010માં ભારત વતી ડેબ્યૂ કર્યું હતું. તે 2014ની એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ અને 2018ની એશિયન ગેમ્સમાં બ્રૉન્ઝ મેડલ જીતનાર ભારતીય ટીમમાં સામેલ હતો. બીજી જે મોટી ટૂર્નામેન્ટોમાં ભારતે તેની હાજરીમાં સફળતા મેળવી હતી એની વિગત આ મુજબ છે: 2018ની એશિયન ચૅમ્પિયન્સ ટ્રોફીમાં સંયુક્ત વિજેતા, 2019માં ભુવનેશ્ર્વરમાં એફઆઇએચ મેન્સ સિરીઝની ફાઇનલમાં ગોલ્ડ મેડલ વિજેતા ટીમ અને બર્મિંગહૅમમાં 2022ની કૉમનવેલ્થ ગેમ્સમાં સિલ્વર મેડલ વિજેતા.
2021-’22માં શ્રીજેશે ભારતને એફઆઇએચ પ્રો લીગમાં ત્રીજા સ્થાને પહોંચાડવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. 2021માં શ્રીજેશને મેજર ધ્યાનચંદ ખેલરત્ન પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યો હતો. તે ‘વર્લ્ડ ગેમ્સ ઍથ્લીટ ઑફ ધ યર’ પુરસ્કાર જીતનાર ફક્ત બીજો ભારતીય ખેલાડી છે. તે 2021માં અને 2022માં (બૅક ટુ બૅક) એફઆઇએચ ‘ગોલકીપર ઑફ ધ યર’ પુરસ્કાર જીત્યો હતો.
ગયા વર્ષે શ્રીજેશે એશિયન ગેમ્સમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું જેને કારણે ભારત ગોલ્ડ મેડલ જીતી શક્યું હતું અને પૅરિસ ઑલિમ્પિક્સ માટેનું ક્વૉલિફિકેશન મેળવી શક્યું હતું.
પૅરિસ ઑલિમ્પિક્સ માટેની ભારતીય ટીમ આ મુજબ હતી:
પીઆર શ્રીજેશ (ગોલકીપર)
ડિફેન્ડર્સ: હરમનપ્રીત સિંહ (કૅપ્ટન), જરમનપ્રીત સિંહ, અતિમ રોહિદાસ, સુમિત, સંજય
મિડફીલ્ડર્સ: રાજકુમાર પાલ, શમશેર સિંહ, મનપ્રીત સિંહ, હાર્દિક સિંહ અને વિવેક સાગર પ્રસાદ
ફૉરવર્ડ્સ: અભિષેક, સુખજીત સિંહ, લલિતકુમાર ઉપાધ્યાય, મનદીપ સિંહ, ગુરજન્ત સિંહ
વૈકલ્પિક ખેલાડીઓ: નીલકાંત શર્મા, જુગરાજ સિંહ, કૃષ્ણ બહાદુર પાઠક.