પેરિસ ઓલિમ્પિક્સ ૨૦૨૪

મહિલા કુસ્તીબાજ અંતિમ પંઘાલ પરના ત્રણ વર્ષના પ્રતિબંધના સમાચાર ખોટા: આઇઓએ

ટીનેજ રેસલરે ચોંકાવનારી ઘટના વિશે શું ખુલાસો કર્યો?

પૅરિસ: અહીંની ઑલિમ્પિક ગેમ્સમાં 53 કિલો વર્ગની ફ્રીસ્ટાઇલ રેસલિંગ ઇવેન્ટમાં બુધવારે પહેલા જ રાઉન્ડમાં હારી જનાર ભારતની 19 વર્ષની અંતિમ પંઘાલ નામની કુસ્તીબાજે પોતાના ઍક્રિડિટેશન કાર્ડ પર પોતાની બહેનને ઑલિમ્પિક વિલેજમાં આવવા માટેની સુવિધા કરાવી આપી એ બદલ પંઘાલ પર ઇન્ડિયન ઑલિમ્પિક અસોસિયેશન (આઇઓએ) દ્વારા ત્રણ વર્ષનો પ્રતિબંધ મૂકવામાં આવશે એવો અહેવાલ ગુરુવારે બપોરથી વાયરલ થયો હતો. જોકે સાંજે આઇઓએ તરફથી કહેવામાં આવ્યું હતું કે આઇઓએ દ્વારા રેસલર પંઘાલ પર કોઈ પણ પ્રકારનો બૅન મૂકવાનું હજી સુધી નક્કી નથી કરવામાં આવ્યું અને ત્રણ વર્ષના પ્રતિબંધની વાત ખોટી છે.

આઇઓએ તરફથી પત્રકાર જગતને વિનંતી કરવામાં આવી છે કે આ વિષયમાં કોઈ પણ પ્રકારના સમાચાર પોસ્ટ કરતા પહેલાં આઇઓએ પાસેથી ખુલાસો મેળવજો.

આ પણ વાંચો: ભારતીય કુસ્તીબાજ અમન સેહરાવતે ભૂતપૂર્વ વર્લ્ડ ચૅમ્પિયનને 12-0થી હરાવ્યો: સેમિમાં પહોંચી ગયો

અંતિમ પંઘાલ સામે અશિસ્તનું પગલું ભરીને તેને તેની બહેન સહિત ચાર મેમ્બરની ટીમ સાથે ભારત પાછી મોકલવામાં આવી રહી છે.

અંતિમ પંઘાલ સ્વદેશ પાછી આવશે અને આઇઓએના અધિકારીઓને મળશે ત્યાર પછી તેના ભવિષ્ય વિશે વિચાર કરવામાં આવશે, એવું જાણવા મળ્યું હતું.

અંતિમ પંઘાલ બુધવારે પ્રથમ રાઉન્ડમાં જ હારી ગઈ હતી. જોકે તેણે પોતાનું ઍક્રિડિટેશન કાર્ડ ઑલિમ્પિક વિલેજની બહારની હોટેલમાં રહેતી પોતાની બહેનને આપ્યું હતું. તેની બહેન એ કાર્ડ પર સપોર્ટ સ્ટાફને લઈને ઑલિમ્પિક વિલેજમાં પ્રવેશી રહી હતી ત્યારે સિક્યોરિટી ઑફિસરે તેને રોકી હતી અને અટકમાં લીધી હતી.

આ પણ વાંચો: મનુ ભાકર પર પૈસાનો વરસાદ શરૂ થઈ ગયો, જુઓ પહેલો ચેક કેટલાનો મળ્યો?

અંતિમ પંઘાલની બહેનને ઑલિમ્પિક વિલેજ પોલીસ સ્ટેશનમાં લઈ જવાયા બાદ ઇન્ડિયન ઓલિમ્પિક અસોસિયેશન (આઈઓએ)ના અધિકારીઓએ મહા મહેનતે તેને થોડા કલાકો બાદ છોડાવી હતી.

જોકે સત્તાધીશોએ અંતિમ પંઘાલનું ઍક્રિડિટેશન કાર્ડ રદ કરીને તેને તેની આખી ટીમ સાથે તાબડતોબ ભારત પાછી મોકલવાની સૂચના આઈઓએને આપી હતી. એક સ્થાનિક અધિકારીના જણાવ્યા મુજબ પંઘાલ અને તેની ટીમની ભારત માટેની પ્લેનની ટિકિટ બુક કરી દેવામાં આવી હતી.

ખુદ અંતિમ પંઘાલે ગુરુવારે પૅરિસથી ભારત પાછા આવવા રવાના થતાં પહેલાં એક વીડિયોમાં કહ્યું હતું કે ‘કંઈ જ ખોટું કામ કરવાનો મારો ઇરાદો નહોતો. મારા માટે આ દિવસો સારા નથી. એક તો હું હારી ગઈ અને પછી મને તાવ આવ્યો હતો. હું મારા કોચની પરવાનગી લઈને ઑલિમ્પિક વિલેજમાંથી હોટેલમાં મારી બહેન પાસે ગઈ હતી. મારે મારી કેટલીક ચીજ વસ્તુઓની જરૂર હતી. એ ચીજો ઑલિમ્પિક વિલેજમાં મારા રૂમમાં પડી હતી. મારી બહેન મારું ઍક્રિડિટેશન કાર્ડ લઈને વિલેજમાં ગઈ અને ત્યાં ઉપસ્થિત અધિકારીઓને પૂછ્યું કે તે મારી કેટલીક ચીજો લેવા અંદર જઈ શકે છે? જોકે અધિકારીઓ મારી બહેનને ઍક્રિડિટેશન કાર્ડની ચકાસણી માટે પોલીસ સ્ટેશનમાં લઈ ગયા હતા.’

ટીનેજર અંતિમ પંઘાલના કોચિંગ સ્ટાફના મેમ્બર્સ દારૂ પીધેલી હાલતમાં હોવાથી તેમની સામે પણ પગલાં ભરવામાં આવી રહ્યા છે? એવા સવાલના જવાબમાં પંઘાલે રદિયો આપતા કહ્યું, ‘મારા કોચ નશામાં હતા અને ભાડાંના મુદ્દે ટેક્સી ડ્રાઇવર સાથે ઝઘડ્યા હતા એ વાત પણ ખોટી છે. અમે કોચ માટે કૅબ બુક કરાવી હતી. જોકે તેમની પાસે પૂરતી રોકડ રકમ નહોતી અને ભાષાનો ફરક હોવાથી ટેક્સી ડ્રાઇવર સાથે તેમની થોડી દલીલબાજી થઈ હતી. તેઓ હોટેલની રૂમમાં આવીને યુરો મેળવે એમાં થોડો સમય લાગી ગયો હતો અને એટલે મામલો થોડો ગંભીર થઈ ગયો હતો. બાકી, કંઈ જ ખોટી ઘટના નહોતી બની. અમને સપોર્ટ કરો અને મહેરબાની કરીને અફવા ન ફેલાવો.’

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button