સીટ શેરિંગઃ પશ્ચિમ મહારાષ્ટ્રની બેઠકો પર MVAની ફોર્મ્યુલા તૈયાર
મુંબઈ: મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ બેઠકોની વહેંચણીનો મુદ્દો પણ ખૂબ ચર્ચાઇ રહ્યો છે અને સત્તાધારી પક્ષ તેમ જ વિપક્ષ પોતપોતાની રીતે રણનીતિ તૈયાર કરીને કઇ બેઠક પર કોણ લડશે તે નક્કી થઇ રહ્યું છે. એવામાં મહાવિકાસ આઘાડી (MVA)એ પશ્ચિમ મહારાષ્ટ્રની આઠ બેઠકની વહેંચણી પર આખરી મહોર લગાવી દીધી હોવાના અહેવાલ મળ્યા છે.
મળેલી માહિતી મુજબ પશ્ચિમ મહારાષ્ટ્રના સાંગલીની આઠમાંથી ત્રણ બેઠક પર કૉંગ્રેસ અને ત્રણ બેઠકો પર એનસીપી (શરદચંદ્ર પવાર રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી) પોતાના ઉમેદવાર ઊભા કરશે. જ્યારે અહીંની બાકીની બે બેઠક પરથી ઉદ્ધવ ઠાકરે જૂથની શિવસેના ચૂંટણી લડશે. બેઠકની વહેંચણી ઉપરાંત આ ક્યા ઉમેદવારને ચૂંટણીમાં ઊભા રાખવા એ પણ મહાવિકાસ આઘાડીના પક્ષોએ નક્કી કરી લીધુ હોવાનું જાણવા મળ્યું છે.
અહેવાલો અનુસાર અહીંના પલુસથી કૉંગ્રેસ વિશ્વજીત કદમને, જત ક્ષેત્રથી વિક્રમ સાવંતને જ્યારે સાંગલીથી પૃથ્વીરાજ પાટીલને ટિકિટ આપી શકે છે. શરદ પવાર જૂથમાં ઇસ્લામપુરથી જયંત પાટીલ, તાસગાંવથી રોહિત પાટીલ અને શિરલાથી માનસિંહ નાઇકને ઉમેદવારી સોંપવામાં આવી શકે. બીજી બાજુ ઉદ્ધવ ઠાકરે જૂથ ખાનાપુરથી ચંદ્રહાર પાટીલ અને મિરાજથી સિદ્ધાર્થ જાધવને ચૂંટણીમાં ઉતારી શકે છે.