પૂજા ખેડકરના વિવાદ પછી IAS અધિકારીઓ પર પસ્તાળઃ ગુજરાતમાં રી-મેડિકલ ટેસ્ટના અપાયા આદેશ
ગાંધીનગર: ખોટા સર્ટિફિકેટ રજૂ કરીને મહારાષ્ટ્ર કેડરના IAS બનેલી પૂજા ખેડકરના ચાલી રહેલા વિવાદની વચ્ચે અનેક વખત ગુજરાતમાં પણ ખોટા પ્રમાણપત્રો રજૂ કરીને સનદી અધિકારી બન્યા હોવાની વાત પ્રસરી હતી અને તેને લઈને તપાસનો રેલો ગુજરાતમાં પણ આવે તેવા આશંકા સેવાઇ રહી હતી. જો કે આજદિન સુધી આ મામલે કોઇ કાર્યવાહી કરવામાં આવી નહોતી પરંતુ હવે વિકલાંગ ક્વોટા પરથી IAS બનેલા સરકારી બાબુઓનું રી-મેડિકલ ટેસ્ટ કરવાની સૂચના આપવામાં આવી છે.
આ પણ વાંચો: Pooja Khedkar વિરુદ્ધ મોટી કાર્યવાહી, ઉમેદવારી રદ, પરીક્ષામાં કાયમી ધોરણે પ્રતિબંધ
સરકારના સૂત્રો પાસેથી મળતી વિગતો અનુસાર ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગને દેશમાં ભારે ચર્ચિત બનેલા પૂજા ખેડકર વિવાદ બાદ ગુજરાતના અમુક અધિકારીઓ દ્વારા રજૂ કરવામાં આવેલ પ્રમાણપત્રની સત્યતા પર શંકા ઉપજતા આ નિર્ણય લેવામાં આવ્યો છે. એકજ વરિષ્ઠ અધિકારીએ દ્રષ્ટિહિન હોવાનો દાવો કર્યો છે અને અન્ય ત્રણ જુનિયર અધિકારીઓએ તેમના દ્વારા પ્રમાણપત્રમાં ‘લોકોમોટિવ ડિસેબિલિટી’ દર્શાવી છે.
પૂજા ખેડકર વિવાદ બાદ UPSCએ ખોટા પ્રમાણપત્રોને લઈને કવાયત કરી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ગુજરાતના વિકલાંગતા સર્ટિફિકેટ રજૂ કરેલા તમામ IAS,IPS, અને IFSના અધિકારીઓએ અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે ટેસ્ટ કરાવવાનો રહેશે અને કેન્દ્રીય લોક સેવા આયોગને સુપરત કરવાનો રહેશે.
આ પણ વાંચો: પૂજા અને અભિષેક, સિવિલ સર્વિસીસ પણ શંકાના દાયરામા
જો કે પૂજા ખેડકર વિવાદ શરૂ થયો ત્યારથી લઈને આજ સુધી અનેક વાર આ બાબતે માધ્યમો અહેવાલ પ્રસારિત કરી ચૂક્યા છે જો કે તેમ છતા સરકાર તરફથી આ મામલે કોઇ જ આદેશ આપવામાં નહોતા આવ્યા પરંતુ જ્યારે નકલી સર્ટિફિકેટ રજૂ કરવાના કેસમાં કેન્દ્રીય લોક સેવા આયોગે પૂજા ખેડકરને દોષિત ઠેરવ્યા ત્યારબાદ ગુજરાત સરકારે પણ આવા અધિકારીઓની સામે તપાસના આદેશ આપ્યા છે.