હવે ભારતને આ કુસ્તીબાજે ઑલિમ્પિક્સના મેડલની આશા અપાવી
પૅરિસ: ઑલિમ્પિક ગેમ્સમાં એક તરફ ભારતની કેટલીક મહિલા કુસ્તીબાજો પર પનોતી બેઠી છે ત્યાં એક પુરુષ રેસલરે દેશમાં ખુશીની લહેર ફેલાવી છે.
વિનેશ ફોગાટને બુધવારે 50 કિલો વર્ગમાં ફાઇનલ પહેલાંના વજન દરમ્યાન 100 ગ્રામ વધુ વજન હોવાને કારણે ડિસ્ક્વૉલિફાય કરવામાં આવી અને પછી ગુરુવારે તેણે રિટાયરમેન્ટ જાહેર કરી દીધું અને બીજી મહિલા રેસલર અંતિમ પંઘાલ 53 કિલો કૅટેગરીમાં હારી ગયા પછી ગેરવર્તન બદલ પૅરિસમાંથી પાછા ચાલ્યા જવા કહેવામાં આવ્યું ત્યાં બીજી તરફ અમન સેહરાવતે 57 કિલો ફ્રીસ્ટાઇલની ક્વૉર્ટર ફાઇનલમાં પહોંચી ગઈ હતી.
21 વર્ષના એશિયન ચૅમ્પિયનશિપ ગોલ્ડ મેડલિસ્ટે પ્રી-ક્વૉર્ટર ફાઇનલમાં નોર્થ મેસડોનિયાના વ્લાદિમીર ઇગોરોવને 10-0થી હરાવી દીધો હતો.
આ મુકાબલામાં અમને શરૂઆતથી જ ઇગોરોવ પર પ્રભુત્વ જમાવ્યું હતું અને છેક સુધી જાળવી રાખ્યું હતું.
પહેલા રાઉન્ડ પછી ઇગોરોવ ખૂબ ચિંતામાં હતો. અમનના સતત આક્રમણને કારણે તેને ઘૂંટણમાં દુખાવો થયો હતો જેને લીધે તેણે તબીબી સારવાર લેવી પડી હતી.
જોકે પછીના રાઉન્ડમાં અમને આક્રમણ ચાલુ રાખ્યું હતું અને ઇગોરોવને પોતાના પર કાબૂ નહોતો લેવા દીધો. મુકાબલાની બે મિનિટ બાકી હતી ત્યારે અમન 10-0થી આગળ હતો.