માંડવીના ભાજપના નગરસેવક અને અખિલ કચ્છ ઓઢેજા સમાજના પ્રમુખ પર સરાજાહેર જીવલેણ હુમલો
ભુજઃ સીમાવર્તી જિલ્લા કચ્છમાં જાણે ગેંગવોર, હુમલા, સરાજાહેર હત્યા જેવા બનાવો બનવા એક આમ વાત બની ચૂકી છે તેવામાં ભુજ-માંડવી રાજ્ય ધોરીમાર્ગ પર આવતા નાના આસંબીયા ગામ પાસે કેટલાક હથિયારધારી શખ્સો દ્વારા જાહેરમાં માંડવી નગરપાલિકાના કાઉન્સિલર પર જાનલેવા હુમલો કરવામાં આવતાં બૃહદ કચ્છમાં ભારે ચકચાર મચી છે.
બનાવ જાણવા મળેલી વિગતો અનુસાર, માંડવીના વોર્ડ નંબર-૩ના ભાજપના નગરસેવક અને અખિલ કચ્છ ઓઢેજા સમાજના પ્રમુખ એવા અબ્દુલા આદમ ઓઢેજા તેમની પુત્રીને લઇને સરલી ગામેથી માંડવી કાળા રંગની મહિન્દ્રા સ્કોર્પિઓ ક્લાસિક જીપકારમાં પરત આવી રહ્યા હતા ત્યારે બુધવારની સાંજના આઠેક વાગ્યાના અરસામાં નાના આસંબીયા ગામની નજીક પહોંચ્યા ત્યારે અચાનક એક ઇકો ગાડી ઓવરટેક કરીને ઓઢેજાની જીપકારને અંતરીને ઉભી રહી હતી.
ઇકોમાંથી હાથમાં ધારિયું લઈને માંડવીનો આરોપી ઇમરાન ઉર્ફે ઇમલો સાલેમામદ ઓઢેજા તથા તેની સાથે અન્ય અજાણ્યા ત્રણ શખ્સો હાથમાં તલવાર, લાકડાના ધોકા જેવા મારક હથિયારો સાથે આવી ચડ્યા હતા અને નગરસેવકને તેની જીપમાંથી નીચે ઉતરવાનો ઈશારો કર્યો હતો.
આ પણ વાંચો : સુરતના માંડવીમાં દીપડાએ વૃદ્ધાને ફાડી ખાધી, ડ્રોનથી દીપડાની શોધ શરૂ
ઓઢેજાને અને તેની પુત્રીને જાનનું જોખમ હોવાથી સ્કોર્પીયોને અંદરથી લોક કરી દેતા આરોપીઓએ સાઇડના અરીસા, આગળના કાચ અને બોનેટ પર ધોકા વડે ફટકા મારી જીપમાં નુકશાન પહોંચાડયું હતું. આગળનો કાચ તૂટી જતાં નગરસેવકને સામાન્ય ઈજાઓ પહોંચી હતી.
‘આજે તું બચી ગયો છે પણ બીજીવાર મળીશ તો તને જાનથી મારી નાખશું’ એવી ધમકી આપી હુમલાખોરો ચાલ્યા ગયા હતા.અંદરથી લોક મારી દેતા જીવલેણ હુમલામાં બંને બાપ-દીકરીનો આબાદ બચાવ થયો હતો.
અગાઉના પારિવારિક વિખવાદનું મનદુઃખ રાખી આ હુમલો કરાયો હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે તેમ કોડાય પોલીસે જણાવ્યું છે.