સુનિતા વિલિયમ્સ પૃથ્વી પર ક્યારે પરત ફરશે? નાસાએ કરી ચોંકાવનારી જાહેરાત

બે મહિના પહેલા આઠ દિવસની અવકાશયાત્રાએ ગયેલા સુનિતા વિલિયમ્સ (Sunita Williams) અને બૂચ વિલમોર (Butch Willmore) આવકાશમાં ફસાઈ ગયા છે. તેઓ 60 દિવસથી વધુ સમયથી અવકાશમાં જ છે, એવામાં એક ચોંકાવનારો અહેવાલ મળ્યો છે. અહેવાલ મુજબ તેઓ બંને 2025ની શરૂઆત સુધી પૃથ્વી પર પરત નહીં ફરી શકે.
નાસા(NASA)એ બુધવારે જાહેરાત કરી હતી કે બંને અવકાશયાત્રીઓને પૃથ્વી પર પરત લાવવા વિલંબ થશે. નાસાએ જણાવ્યું હતું કે તે હવે સ્પેસએક્સ(Space X)ના ક્રૂ-9 મિશનનો ઉપયોગ કરીને વૈકલ્પિક યોજના પર વિચાર કરી રહી છે.
નાસાના કોમર્શિયલ ક્રૂ પ્રોગ્રામ મેનેજર સ્ટીવ સ્ટિચે જણાવ્યું હતું કે જો બોઇંગ સ્ટારલાઇનરનો ઉપયોગ ખૂબ જોખમી સાબિત થાય, તો અવકાશયાત્રીઓ પાસે ફેબ્રુઆરી 2025માં ક્રૂ-9ની રિટર્ન ફ્લાઇટ લેવા સિવાય કોઈ વિકલ્પ રહેશે નહીં.
સ્ટીવ સ્ટિચે કહ્યું અમે સ્પેસએક્સ સાથે કામ કરી રહ્યા છીએ, અમે સંભવતઃ ઑગસ્ટના મધ્યમાં, એક અથવા બીજા માર્ગે આગળ વધવા નિર્ણય કરીશું, આ ઉપરાંત ક્રૂ-9ને નિર્ધારિત તારીખે લોન્ચ કરવા અંગેની તૈયારીઓ અંગે નિરક્ષણ કરવામાં આવશે.
સ્પેસએક્સનું મિશન 18 ઓગસ્ટના રોજ લોન્ચ થવાનું હતું, તે હવે 24 સપ્ટેમ્બર સુધી ડીલે કરવામાં આવ્યું છે. ક્રૂ-9 મિશન એ નિયમિત ફ્લાઇટ છે જે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (ISS) પર સવાર ક્રૂ-8 ટીમના સભ્યોનું સ્થાન લેનારા ચાર અવકાશયાત્રીઓ સાથે લોન્ચ થશે.
સુનિતા વિલિયમ્સ અને બૂચ વિલમોર 6 જૂને બોઇંગ સ્ટારલાઇનર મારફતે અવકાશમાં ગયા બાદ માત્ર આઠ દિવસ પસાર કરવાના હતા. પરંતુ ક્રૂને અવકાશમાં હિલીયમ લીક અને થ્રસ્ટરમાં ખામીઓની જાણ થઇ હતી. જેણે કારણે નાસા અને બોઇંગને બંને અવકાશયાત્રીઓને પૃથ્વી પર લાવવા સંઘર્ષ કરવો પડી રહ્યો છે.