આખરે દિલની વાત હોઠો પર આવીઃ અજિત પવારે આ રીતે વ્યક્ત કરી CM બનવાની ઈચ્છા
મુંબઈઃ વર્ષ 2014 પહેલાથી જ તત્કાલીન એનસીપીના નેતા અજિત પવારની મહારાષ્ટ્રની ધૂરા સંભાળવાની એટલે કે રાજ્યના મુખ્ય પ્રધાન બનવાની ખેવના કોઈથી છુપી નથી. કૉંગ્રેસના તે સમયના મુખ્ય પ્રધાન પૃથ્વીરાજ ચવ્હાણે સિંચાઈ કૌભાંડનો મુદ્દો ઉછાળી તેમની આ ઈચ્છાનો મૃત્યુઘંટ વગાડ્યો હતો, પરંતુ તે ઈચ્છા હવે ફરી જાગી છે. કાકા શરદ પવારનો સાથ છોડી 2022માં ભાજપ અને એકનાથ શિંદે સાથે મહાયુતિમાં સામેલ થઈ તેમણે નાયબ મુખ્ય પ્રધાનપદ મેળવ્યું તો છે, પરંતુ હજુ મનની ઈચ્છા ઉછાળા માર્યા કરે છે.
આજે અજિત પવારે મુખ્ય પ્રધાન એકનાથ શિંદેના જીવનચરિત્ર પર આધારિત પુસ્તક યોદ્ધા-કર્મયોગી, એકનાથ શંભાજી શિંદેના અનાવરણ સમયે શિંદે અને નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસની હાજરીમાં જ આ વાત કહી દીધી. તેમણે હળવી શૈલીમાં આ વાત કરી, પણ આખું રાજ્ય જાણે છે કે પવાર મુખ્ય પ્રધાનપદ માટે વર્ષોથી તરસી રહ્યા છે.
તેમણે જણાવ્યું કે ફડણવીસ અને શિંદે મારાથી જૂનિયર છે, હું તેમના પહેલા રાજકારણમાં આવ્યો છું, પણ બધા આગળ નીકળી ગયા અને હું પાછળ રહી ગયો. ફડણવીસ અને શિંદે અનુક્રમે 1999 અને 2004માં પહેલીવાર વિધાનસભ્ય બન્યા જ્યારે હું 1990માં વિધાનસભ્ય બન્યો હતો. તેમણે ભાજપ સામે આડકતરો ઈશારો કરતા જણાવ્યું કે જો તમે મને કહ્યું હોત કે આટલા વિધાનસભ્યો લઈને આવશો તો મુખ્ય પ્રધાન બનાવી દઈશું, તો હું આખી પાર્ટી લઈને આવ્યો હોત. તેમની આ વાત પર બધા હસ્યા અને ખુદ પવાર પણ મલકાયા, પરંતુ ત્યારબાદ તેમણે વાતને વાળતા એમ જણાવ્યું કે આ બધી મજાક-મસ્તીની વાતો છે, તમને તમારા નસીબનું જ મળે છે.
આ સમારંભમાં ફડણવીસે જણાવ્યું કે હું એક વિધાનસભાના કાર્યકાળમાં 2019-2024 સુધીમાં વિપક્ષનો નેતા અને પછી નાયબ મુખ્ય પ્રધાન બન્યો અને અજિત પવાર પણ આ બન્ને પદ પર પાંચ વર્ષમાં જ પહોંચ્યા.
જોકે અજિત પવારની મુખ્ય પ્રધાન બનવાની ઈચ્છા જો તેમની શરત બની જશે તો મહાયુતિ વિધાનસભાની આવનારી ચૂંટણી સાથે લડી શકશે કે કેમ તે મોટો સવાલ બનશે.
Also Read –