લાડકી

વેર-વિખેર – પ્રકરણ-૩૧

અરે, આ લબાડ - ચારસો વીસ માણસ છે. એ તો જેલમાં જશે, પપ્પાને પણ લેતો જશે…!

કિરણ રાયવડેરા

જગમોહન ફ્લેટની બહાર જ્વા ઉતાવળો થયો હતો ત્યારે ત્યાં હાજર રહેલો ઘવાયેલો ઈન્સપેકટર શિંદે અને ગાયત્રી એને બહાર ન જવા સમજાવી રહ્યા હતા,પણ જગમોહન જિદે ચઢ્યો હતો અને એ જ ક્ષણે જગમોહનનો મોબાઈલ રણકી ઊઠ્યો. નંબર અજાણ્યો હતો.
‘હેલ્લો’ જગમોહન બોલ્યો.

‘કહેવાની જરૂર છે કે હવે ફક્ત ૧૮ કલાક જ બચ્યા છે ?’

સામેથી બોલતી વ્યક્તિનો અવાજ જાણે ગળામાંથી છોલાઈને આવતો હોય એમ ઘસાતો હતો.

‘૧૮ કલાક બચે કે અઢાર મિનિટ, બબલુ, તું મારું કંઈ જ બગાડી નહીં શકે. તેં મારા મહેમાન પર ગોળી છોડી છે એની કિંમત તો તારે ચૂકવવી જ પડશે. અને સાંભળ, હું હમણાં નીચે ઊતરું છુંહિંમત હોય તો મારા પર હુમલો કરજે. અને હા, ઈરફાન અને બબલુ હવે કોઈ નહીં છોડાવી શકે. જા, તારાથી થાય એ કરી લેજે.’ બોલતાં બોલતાં જગમોહનનો અવાજ ઉત્તેજનાથી કાંપી રહ્યો હતો.

‘અઢાર કલાક, જગમોહન દીવાન, અઢાર કલાક. પછી તમારે કાંઈ કરવાનું નથી. અમારે જે પણ કરવું હશે એ પેલી છોકરી સાથે કરશું.ઓ.કે. બાય.’ સામે છેડેથી લાઈન કપાઈ ગઈ.

જગમોહન ક્યાંય સુધી સેલફોનને તાકતો રહ્યો. શિંદે અને ગાયત્રીને પૂછવાની જરૂર નહોતી કે જગમોહન કોની સાથે ફોનમાં વાત કરતો હતો.

‘સર, તમે પોલીસ ફોર્સમાં જોડાયા હોત તો તમારા જેવા માણસની જરૂર છે અમને’ શિંદેએ વાતાવરણને હળવું બનાવવાનો પ્રયાસ કર્યો.

‘અરે બાપ રે’ ગાયત્રીએ ટાપશી પૂરી, તો તો અબ તક છપન નહીં, અબ તક છપનસો’ નામની ફિલ્મ બનત.’

જગમોહન હસ્યો નહીં. એ મુખ્ય દરવાજા તરફ આગળ વધ્યો.

‘ધ્યાન રાખજો, કાકુ.’ ગાયત્રીનો સ્વર ભીનો થઈ ગયો હતો.

‘ટેક કેર, દીવાનસાબ એ લોકો બહુ જ ખતરનાક છે. વાતો કરવાને બદલે સીધેસીધી ગોળી છોડવા માંડે એવા ખતરનાક!’

‘વાત તો શિંદે, હું પણ નથી કરતો. બટ ડોન્ટ વરી, હું પાછો આવીશ. હવે જ્યારે મારે જીવવું છે ત્યારે કોઈ મને મારી નહીં શકે.’ કહીને જગમોહન સડસડાટ રૂમની બહાર નીકળી ગયો.
આજે એને વોર્ડરોબમાં રાખેલી જર્મન મેકની રિવોલ્વર યાદ આવતી હતી.


‘મમ્મી, વ્હોટ ઈઝ ધીસ આ માણસ અહીં શું કરે છે અને એ પણ મારા બેડરૂમમાં ?’ કરણ પાછો ફર્યો ત્યારે પ્રભાએ એને જમાઈરાજના આ નવા પરાક્ર્મની વાત કરી.

એક તો કોલેજમાં કૈલાશે જે રીતે મિત્રો સમક્ષ એનું અપમાન કર્યું ત્યારથી કરણ ગિન્નાયો હતો. રૂપા પણ માનવા તૈયાર જ નહોતી. એ બેવકૂફ છોકરી એમ સમજી બેઠી કે એણે અને જીજાજીએ સાથે જ ફિલ્મ પ્રોડક્શનનો પ્રોજેક્ટ હાથમાં લીધો છે.

એક કલાકની મથામણ અને સમજાવટ બાદ રૂપાને વાત સમજાઈ કે કૈલાશ મિત્રોની સામે કરણને હાંસીપાત્ર બનાવવા માગતો હતો.

એક વાર દિમાગમાં સાચી વાત ઘૂસી પછી તો રૂપા વારંવાર પોતાની ભૂલની માફી માગતી રહી ત્યારે કરણને વિચાર આવતો હતો: ‘શું બધી છોકરીઓ આટલી, અણસમજુ અને ઉતાવળિયો નિર્ણય લેનારી હોય છે ?’

જો એણે રૂપાને સમજાવવા-મનાવવાની તસ્દી ન લીધી હોત તો રૂપા હજી સુધી જ ખલનાયક સમજતી હોત.

પ્રેમમાં વિશ્ર્વાસ અને શ્રદ્ધાની તો બધા વાત કરતાં હોય છે પણ જ્યારે એની જરૂર પડે છે ત્યારે કેમ અણસમજ અને અપરિપક્વતા દિમાગની આડે પડદો બની જાય છે !

આવા બધા વિચારો કરીને થાકીને કરણ ઘરે આવ્યો કે મમ્મીએ એને જતીનકુમારના આગમનના ખબર આપ્યા. એટલું જ નહીં, જમાઈરાજે પૂછ્યાગાછ્યા વગર એના બેડરૂમ પર કબજો કરી લીધો હતો એટલે એ વધુ ગિન્નાયો હતો .

‘જવા દે, દીકરા, તું તો સમજુ છે તું જતું કર. બીજા રૂમ તો છે ને તું કોઈ પણ રૂમમાં શિફ્ટ થઈ જા.’ પ્રભા એના નાના દીકરાને સમજાવવાની કોશિશ કરતી હતી.

‘મમ્મી, તમે ધારો છો એટલી સરળ વાત નથી આ. અંદર જે માણસ મારા પલંગ પર સૂતો છે ને એ એક નંબરનો બદમાશ, લબાડી ને સ્વાર્થી છે.’ કરણ ગુસ્સાથી ધ્રૂજતો હતો.

‘એવું ન બોલાય દીકરા, ગમે તેમ પણ એ આપણી રેવતીનો વર છે. તારા બનેવી છે.’ પ્રભાએ કરણને ઠંડો પાડવા કહ્યું.

‘અરે, આ ચારસો વીસ માણસ છે. એ તો જેલમાં જશે, પપ્પાને પણ લેતો જશે. તું જોઈ રાખજે. મારા ફ્રેન્ડ કૈલાશના પપ્પાને કહે કે એ કોઈ ફિલ્મ બનાવવાના છે અને એટલે એને ફાઈનાન્સની જરૂર છે. આવા માણસને તો પોલીસના હવાલે કરી દેવા જોઈએ.’

પ્રભા જાણતી હતી કે કરણનો એક એક શબ્દ સાચો છે પણ એ શું કરે ? હવે તો જગમોહન ન આવે ત્યાં સુધી કોઈ ઉકેલ શક્ય નથી.

‘જો મને એક ખૂન માફ કરવામાં આવે ને તો આપણા લબાડી જતીનકુમારનું ખૂન પહેલાં કરું મમ્મી, મને માફ કરજે. બટ આઈ મીન ઈટ.’ બોલતો કરણ બીજા કમરામાં ચાલ્યો ગયો.

પ્રભા હત્પ્રભ થઈને ઊભી રહી. કરણ શું બોલી ગયો. એ પોતાના કમરામાં જવા ફરી કે કરણના બેડરૂમનો દરવાજો ખૂલ્યો અને જતીનકુમાર ડોલતા ડોલતા બહાર આવ્યા.

‘શું, સાસુમા, કરણભાઈ નારાજ લાગતા હતા ?’

‘ના ના, આ તો એના પપ્પા હજી આવ્યા નથી એટલે મને પૂછતો હતો.પ્રભાએ જવા માટે ઉતાવળે પગ ઉપાડ્યા.

‘સાસુમા, એક વાત કહેવાની રહી ગઈ. રેવતી નથી એટલે કરું છું,ખાનગી રાખજો.’ પછી આજુબાજુ જોઈને ઝીણી આંખ કરીને ખંધાઈથી હથેળી હોટને આડે રાખીને જતીનકુમાર બોલ્યા :
‘સાસુમા, આ તો તમારું દાઝે છે એટલે તમને કહું છું. તમારા દીકરા જેવો છું એટલે પેટમાં બળે છે, બાકી મારે શું ? સાસુમા, તમે સાચવજો, મારા ગ્રેટ ગ્રેટ સસરાજીએ એમના વસિયતનામામાં મારા ઉપરાંત તમારા માટે પણ કોઈ જોગવાઈ નથી કરી.’


ગાયત્રીના ઘરેથી નીકળીને જગમોહન ફૂટપાથ પર આવ્યો ત્યારે કોઈ શંકાસ્પદ વ્યક્તિ નજરે ન પડી. એને ખાતરી હતી કે નીચે કોઈ ઊભું નહીં હોય. થોડી વાર પહેલાં શિંદે પર ગોળીબાર કરીને એ લોકો આ જ ફૂટપાથ પર આંટા મારતા રહે એવા મૂરખ નથી.

જગમોહન ધારત તો ઉપરથી જ ફોન કરીને પોતાના ફેમિલી ડોક્ટર પટેલને બોલાવી શકત, પણ એમ કરવાથી બબલુને થાત કે એ ડરી ગયો છે.

જગમોહનની વાતમાં તર્ક હતો. બાબુ, ઈરફાનને છોડાવ્યા વિના એ લોકો જગમોહન પર તો હુમલો કરવાની બેવ્કૂફી તો નહીં કરે.

જગમોહન ફૂટપાથ પર થોડે દૂર સુધી ચાલ્યો અને પછી પાછળ જોયું. કોઈ પીછો કરતું હોય એવું લાગ્યું નહીં. એણે સેલ કાઢીને ડો. પટેલને ફોન જોડ્યો, પૂરી ઘટના સમજાવી અને તુરત જ આવી જવા કહ્યું : ‘હું નીચે તમારી રાહ જોતો ઊભો હોઈશ’
ડોકટર સાથે વાત કર્યા પછી જગમોહનને.

એક વાર ઈચ્છા થઈ કે ઈન્સ્પેક્ટર પરમારને ફોન કરીને ગાયત્રીના ઘરની આસપાસ પોલીસ બંદોબસ્તની વ્યવસ્થા કરપણ પછી વિચાર માંડી વાળ્યો. ગાયત્રી અસ્વસ્થ થઈ જશે. હજી તો શિંદેની પણ સલાહ લેવાની બાકી છે.

જગમોહને ફરી ગાયત્રીના મકાન તરફ ચાલવાનું શરૂ કર્યું. ડોક્ટર પટેલ માટે મકાનની નીચે જ એણે રાહ જોવાની હતી. ત્યારે જગમોહનને ખબર નહોતી કે પાસેના બિલ્ડિંગની બારીમાંથી એક માણસ સતત એની હિલચાલ પર નજર રાખી રહ્યો હતો.


કરણે થાકીને પલંગ પર પડતું મૂક્યું. પોતાના બેડરૂમ પર કોઈ માલિકી જમાવી લે તો એવું લાગે જાણે આપણી ગર્લફ્રેન્ડ પર કોઈએ અધિકાર જમાવી લીધો હોય.આવા જ વિચ્વારોમાં કરણને ખબર પણ ન પડી કે એને ક્યારે ઝોકું આવી ગયું.

અચાનક બહાર કંઈક અવાજ થતાં એની ઊંઘ. તૂટી ગઈ. એ સફાળો બેસી ગયો. કોઈએ બારણું બંધ કર્યું એવો અવાજ હતો.

કરણ ઊભો થયો. જમ જેવા જમાઈરાજ ઘરમાં શું રમત રમે છે એ જાણવું જરૂરી છે. એણે આસ્તેથી બારણું ખોલ્યું.પૂજાભાભી એના કમરાની બહાર ઊભાં હતાં :

બાપ રે, આ પૂજાભાભી સવાર, બપોર, રાત ઊંઘમાં ચાલે છે કે શું ?

કરણ રુમની બહાર નીકળ્યો. પૂજા કિચન તરફ ગઈ અને ફરી પાછી વળી.કરણે બૂમ પાડી :
‘સાંભળો ભાભી’ પણ પૂજા ઊભી ન રહી.

પોતાના કમરાની બહાર આવીને એ ક્ષણભર અટકી. કરણ ઠીક એની પાછળ આવીને ઊભો રહી ગયો.

અચાનક પૂજા ફરી. એમનો ચહેરો સાવ સપાટ હતો જાણે કોઈએ એમના ચહેરા પરથી બધું નૂર હણી લીધું હોય.પૂજાના હોઠ ફફડ્યા :
‘પપ્પા કોઈ મુશ્કેલીમાં છે.’


ડો. પટેલની કાર આવતી જોઈને જોઈને જગમોહન દીવાને હાથ હલાવ્યો. કારમાંથી ઊતરી પાસે આવ્યા.બંનેએ એકબીજા સાથે હાથ મિલાવ્યા :

‘જગ્યા શોધવામાં તકલીફ નહોતી પડી ને?’ ડો. પટેલને ગાયત્રીના મકાન તરફ દોરતાં જગમોહને પૂછ્યું.

‘ના ના આ એરિયાથી હું પરિચિત છું.’

‘પણ તમે મારાથી પરિચિત નથી’ જગમોહનને લાગ્યું કે કોઈ એની પીઠ પાછળ રિવોલ્વર અડાડીને કોઈ બોલી રહ્યું છે :

‘મિસ્ટર જગમોહન દીવાન, તમે તમારી જાતને સ્માર્ટ સમજો છો. બહાર નીકળીને તમે
એમ કહેવા માગો છો કે તમને મારાથી ડર નથી લાગતો પણ દીવાન, આજે તમે ભૂલ કરી બેઠા છો !


‘સાસુમા, તમે સાચવજો, મારા ગ્રેટ ગ્રેટ સસરાજીએ એમના વસિયતનામામાં મારા ઉપરાંત તમારા માટે પણ કોઈ જોગવાઈ નથી કરી.’ પ્રભાના કાનમાં જતીનકુમારના શબ્દો પડઘાઈ રહ્યા. એ વખતે તો એણે જમાઈને કોઈ પણ પ્રતિક્રિયા આપવાનું ટાળ્યું. એક વાર તો જમાઈની વાતને અવગણીને જોઈએ, એવો વિચાર પણ આવી ગયો. પણ માણસનું મગજ શેતાનનું કારખાનું છે. જે વિચારને અવગણવાની ઈચ્છા રાખીએ એ જ વારંવાર મગજ પર વાઈરસની જેમ ઍટેક કરે.

પોતાના રૂમમાં આવી ત્યાં સુધી તો પ્રભા શિથિલ પડી ચૂકી હતી. જતીનકુમારના શબ્દો એનો પીછો છોડતા નહોતા. ‘સસરાજીએ વસિયતનામામાં તમારા માટે કોઈ જોગવાઈ નથી કરી.’ એવું બની શકે? જગમોહન આટલો ક્રૂર બની શકે ખરો? અત્યાર સુધી એને કેમ જગમોહનના વસિયતનામા બાબત વિચાર ન આવ્યો? જગમોહને પણ કોઈ દિવસ પોતાના વિલનો ઉલ્લેખ નહોતો કર્યો. ક્યાંથી કરે? વસિયતનામામાં પોતાના માટે વિચાર કર્યો હોય તો એની વાત ઉચ્ચારે ને!

હવે જતીનકુમારે વિષનું એવું બીજ પ્રભાના દિમાગમાં રોપી દીધું હતું કે જેમાંથી થોડા કલાકોમાં જ છોડ ઊગી નીકળવાનો હતો. જગમોહનને એના તરફ નફરત હતી, એ પ્રભા જાણતી હતી, પણ શું નફરતને કારણે પ્રભાને એટલી હદ સુધી તરછોડી દે કે એની વૃદ્ધાવસ્થાનો સુધ્ધાં ખ્યાલ ન રાખે?

શું ફરક પડે છે? આમેય જગમોહન સાથેનું દામ્પત્યજીવન નામશેષ થઈ ચૂક્યું હતું. શું ફરક પડે છે જગમોહન એના માટે સંપત્તિનો હિસ્સો રાખી જાય કે નહીં? અને એવું શા માટે માની લેવું કે એ જગમોહન કરતાં લાંબુ જીવશે. બની શકે કે જગમોહન કરતાં પહેલાં ખુદ એ જ જતી રહે… પણ જતીનકુમારને કેવી રીતે જાણ થઈ ગઈ કે જગમોહને વિલમાં એના માટે કોઈ જોગવાઈ નથી કરી? જે વાતની એની થઈને એને પણ ખબર નથી પડી એ જમાઈબાબુને કેવી રીતે ખરબ પડી ગઈ?

જગમોહનના ડ્રોઅર તરફ પ્રભાએ એક નજર નાખી. જગમોહનનાં અગત્યના કાગળિયાં આ ડ્રોઅરમાં જ રહે છે. જો એમાં ન હોય તો ઉપરની કેબિનેટમાં રાખ્યાં હશે.
પ્રભાએ આજુબાજુ નજર નાખી. અત્યારે એના રૂમમાં કોણ આવવાનું છે એમ વિચારીને એ ટેબલ તરફ આગળ વધી. ધ્રૂજતા હાથે પ્રભાએ ડ્રોઅર ખોલ્યું. થોડાં કાગળિયાં ફેંદયા બાદ એને લાગ્યું કે વસિયતનામા જેવી મહત્ત્વની વસ્તુ જગમોહન ડ્રોઅરમાં ન જ રાખે.

પ્રભાની નજર ઉપર કેબિનેટ પર પડી. અહીં જ કોઈ ફાઈલમાં જગમોહનને વસિયતનામું રાખ્યું હશે. પ્રભાએ કેબિનેટ ખોલી અને સામે જ એક લાલ કલરની ફાઈલ નજરે પડી. એણે એ લાલ ફોલ્ડર બહાર કાઢયું. ‘મમ્મી, શું શોધે છે? હું મદદ કરું?’

વિક્રમ ક્યારે પાછળ આવીને ઊભો રહી ગયો એ એને ખબર જ ન પડી. પ્રભાના હાથમાંથી ફોલ્ડર પડતાં પડતાં રહી ગયું. વિક્રમ બપોરના શા માટે ઘરે આવી ગયો?

રૂમ અંદરથી બંધ કરીને એણે ફાઈલ જોવી જોઈએ. હવે વિક્રમ શું વિચારશે?

‘મમ્મી, તું પણ આખો દિવસ કામ જ કર્યા કરે છે. હવે પપ્પા નથી આવ્યા તો એમની ફાઈલો સાફ કરવા લાગી છો.’ વિક્રમ નિર્દોષભાવે બોલ્યો.

પ્રભાનો અધ્ધ શ્ર્વાસ હેઠો બેઠો. ટેન્શનમાં પ્રભા ભૂલી ગઈ હતી કે વિક્રમ એની માને કેટલું ચાહતો હતો કે એના પર શંકા કરી જ ન શકે.

‘ના… ના બેટા, આ તો થયું કે નવરી બેઠી છું તો તારા પપ્પાનું ટેલબ ઠીક કરી દઉં.’ કહીને પ્રભા ટેબલ પર કપડું ફેરવવા લાગી. ટેબલ પર જગમોહનની ખુલ્લી
પડેલી ડાયરીને એણે ખસેડીને ખૂણામાં મૂકી દીધી. (ક્રમશ:)

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
બિકિની નહીં પણ આ કપડાંમાં બોલ્ડ ફોટોશૂટ કરાવી અભિનેત્રીઓએ મચાવ્યો તહેલકો… શું તમે પણ પ્લાસ્ટિક ટૂથબ્રશ વાપરો છો? 38ની કમરને બનાવવી છે 28ની? બસ ફોલો કરો આ ધાસ્સુ ટિપ્સ… ઑલિમ્પિક્સમાં વિશ્ર્વના પાંચ ફાસ્ટેસ્ટ પુરુષ દોડવીરો કોણ? ચાલો ઝડપથી એક નજર કરી લઈએ..