ગાંધીનગર

ગુજરાતમાં આવતીકાલથી શરુ થશે ‘હર ઘર તિરંગા અભિયાન’

રાજ્યની ગ્રામ પંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકામાં થશે તિરંગા યાત્રાની ઉજવણી

ગાંધીનગર: કેન્દ્ર સરકાર દ્વારા તારીખ 8 ઓગસ્ટથી 15 ઓગષ્ટ દરમ્યાન સમગ્ર દેશમાં હર ઘર તિરંગા અભિયાનની ઉજવણી કરવામાં આવનાર છે. તે દરમિયાન ગુજરાત સરકાર દ્વારા પણ સમગ્ર રાજ્યમાં 78માં સ્વાતંત્ર્ય દિનની ઉજવણી કરવામાં આવશે. જેની વિગતો પત્રકાર પરિષદ યોજીને રમતગમત અને યુવક સેવા મંત્રી હર્ષ સંઘવીએ આપી હતી.

મંત્રી હર્ષ સંઘવીએ વધુ વિગતો આપતા કહ્યું હતું કે, આ અભિયાન અંતર્ગત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં રાજ્યના મુખ્ય ચાર શહેરો રાજકોટ, સુરત, વડોદરા અને અમદાવાદ ખાતે ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમા તા: 10 ઓગસ્ટના રોજ રાજકોટ, 11 ઓગસ્ટે સુરત, 12 ઓગસ્ટે વડોદરા અને 13 ઓગસ્ટે અમદાવાદ ખાતે તિરંગા યાત્રા યોજાશે. આ પ્રોગ્રામ ઉપરાંત રાજ્યની મહાનગરપાલિકાઓ, નગરપાલિકાઓ અને 14,292 ગ્રામ પંચાયતોમાં પણ આ તિરંગા યાત્રાની ઉજવણી થશે. આ યાત્રામાં રાજ્યભરની અંદાજે 2200થી વધુ સંસ્થાઓ સહભાગી થશે.

આ પણ વાંચો: ગુજરાતમાં હર ઘર તિરંગા અભિયાનઃ સુરતમાં બેઠક યોજી હર્ષ સંઘવીએ આપ્યા સૂચનો

આ ઉપરાંત રાજ્યના મુખ્ય 75 આઇકોનિક સ્થળોએ પણ આ પર્વની ઉજવણી થશે. શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યની શૈક્ષણિક સંસ્થાઓ દેશ ભક્તિની થીમ ઉપર ફેન્સી ડ્રેસ સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા તથા રંગોળી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. આ સ્પર્ધામાં વિજેતા વિદ્યાર્થીને પુરસ્કારથી સન્માનિત કરાશે. શિક્ષણ વિભાગ દ્વારા બાળકોને આઝાદી તેમજ તિરંગાનું સન્માન જળવાય તે અંગેની વધુ સમજ પણ આપવામાં આવશે

રાજ્યના તમામ જિલ્લાઓમાં 50 લાખથી વધુ તિરંગાઓનું વિતરણ કરવામાં આવશે. ટ્રાફિક પોલીસ દ્વારા વિવિધ શહેરોના ચાર રસ્તાઓ ઉપર નાગરીકોને તિરંગાનું વિતરણ પણ કરવામાં આવશે. ટ્રાન્સપોર્ટ વિભાગ દ્વારા રાજ્યની એસ.ટી. બસોમાં પણ મુસાફરોને તિરંગાનું વિતરણ કરવામાં આવશે.

ચાર મહાનગરોમાં અંદાજે 2 કિલોમીટરના રૂટ પર ત્રિરંગા યાત્રા યોજાશે. જેમાં સુરત અને અમદાવાદ ખાતે અંદાજે 1 લાખથી વધુ જ્યારે રાજકોટ અને વડોદરા ખાતે 50 થી 70 હજાર નાગરીકો સહભાગી થશે. આ કાર્યક્રમ અંતર્ગત સશસ્ત્ર દળોનું બેન્ડ, પોલીસ બેન્ડ, સ્કૂલ બેન્ડ અને અન્ય ખાનગી બેન્ડ દ્વારા દેશ ભક્તિ આધારીત ધૂન રજૂ કરવામાં આવશે. રાજ્યના વિવિધ સાંસ્કૃતિક વૃંદો દ્વારા વિવિધ સ્થળે જાણિતા નૃત્ય અને સાંસ્કૃતિક કાર્યક્રમોની રજૂઆત કરવામાં આવશે. રાજ્ય સરકારના વિવિધ વિભાગ દ્વારા અંદાજે ૯ ટેબ્લો પ્રદર્શિત કરવામાં આવશે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button