આવા સંખ્યાબંધ વિવાદનો અંત કયારે આવશે?
અનેક પ્રાચીન મંદિર-મસ્જિદ કે ઐતિહાસિાક સ્મારકોના વાદ-વિવાદમાંથી એકાદ માંડ શાંત પડે ત્યાં દેશના બીજા કોઈ ખૂણેથી જૂનો વિખવાદ નવા સ્વરૂપે આળસ મરડીને બેઠો થઈ જાય છે,જેને પ્રથમ ધાર્મિક ને પછી રાજકીય રંગ લાગી જાય છે.
ક્લોઝ અપ – ભરત ઘેલાણી
કેટલાક ભવ્ય કહેવાતા ભૂતકાળ, ભવ્યને બદલે ભય પમાડનાર વધુ હોય છે. ગૌરવ લઈ શકવાને બદલે વાદ-વિવાદ વધુ સર્જે એવા
હોય છે.
આપણે ત્યાં કેટલાંય વર્ષોથી અનેક ઐતિહાસિક સ્મારકોથી લઈને આપણાં વારસારૂપ આસ્થાનાં પ્રતીક એવાં પ્રાચીન મંદિર-મસ્જિદોના વાદ-વિવાદ અને વિખવાદની કડવાશ ભયજનક રીતે જે રીતે વધતી જાય છે એ ખરેખર ચિંતા પ્રેરક છે.
આગ્રાનો તાજમહેલ-દિલ્હીનો કુતૂબ મિનાર-લાલ કિલ્લો કે વિવાદગ્રસ્ત અયોધ્યાની બાબરી મસ્જિદ કે પછી રામજન્મભૂમિ જેવાં આપણાં અનેક ઐતિહાસિક બાંધકામ-સ્મારક અનેક જાતના વિવાદોમાં સદાય સંડોવાયેલાં જ રહે છે.
પાડ માનો રામજીનો કે દાયકાઓ જૂનો અયોધ્યા બાબરી-રામમંદિરનો એક પ્રચંડ વિવાદ માંડ માંડ શાંત પડ્યો. વર્ષોની કાયદા-કાનૂનની લડત પછી હવે તો સર્વોચ્ચ અદાલતના આખરી ચુકાદા પછી ત્યાં બાબરી મંદિરના સ્થાને નવા રામમંદિરનું નિર્માણ થયું અને વાજતાં-ગાતાં હિંદુ આસ્થાળુઓ ત્યાં રામલલ્લાના દર્શન કરતાં થઈ ગયા છે.
જો કે, આવો એકાદ વિવાદ માંડ શાંત પડે ત્યાં દેશના બીજા કોઈ ખૂણેથી જૂનો વિખવાદ નવા સ્વરૂપે આળસ મરડીને બેઠો થઈ જાય છે.પછી એ ઐતિહાસિક વિવાદને પ્રથમ ધાર્મિક ને પછી રાજકીય રંગ લાગી જાય..
આમ તો એક સાથે ચાર વિભિન્ન ધાર્મિક સ્થળે આવા વિવાદ કોર્ટે ચઢ્યા છે અને સુનાવણીના વિભિન્ન તબક્કામાં છે. આમાં એક છે કાશીની જ્ઞાનવાપી મસ્જિદ. થોડા મહિના અગાઉ ઐતિહાસિક જ્ઞાનવાપી’ મંદિર – મસ્જિદની ઈમારતના સંપૂણ વિજ્ઞાનિક સર્વે માટે સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યા પછી ત્યાંથી જે જે પુરાવા-પ્રમાણ મળી રહ્યા છે એનાથી નિર્વિવાદ સાબિત થઈ રહ્યું છે કે ‘જ્ઞાનવાપી’ મૂળ એક હિન્દુ મંદિર હતું, જેને મોગલ બાદશાહ ઔરંગઝેબના શાસન વખતે ધ્વંસ કરીને એક મસ્જિદ ખડી કરવામાં આવી, જે એ જમાનાથી આજ સુધી ‘જ્ઞાનવાપી મસ્જિદ’ તરીકે જાણીતી છે.
જોકે, અહીં છેલ્લે છેલ્લે થયેલાં વૈજ્ઞનાનિક સર્વે તેમજ ત્યાંથી ક્રમશ: મળી રહેલા સંખ્યાબંધ ઐતિહાસિક પુરાવા બાદ ચોક્કસપણે દેખાઈ આવે છે કે એ સ્થળ મૂળ આસ્થાળુ હિન્દુનું ધર્મસ્થાન જ હતું.
જ્ઞાનવાપી પછી વિવાદ નંબર બે છે તાજમહાલના કહેવાતા ભેદી ૨૨ ખંડનાં દ્વાર ખોલવાનો..ત્રીજા નંબરનો વિવાદ છે મથુરાના શ્રીકૃષ્ણ જન્મભૂમિનો અને ચોથો વિવાદ ચાલી રહ્યો છે મધ્ય પ્રદેશના ધારમાં આવેલી ભોજશાળાને લઈને.
આમાંથી પખવાડિયા પહેલાં ફરી સમાચારમાં જોર-શોરથી વધુ ગાજી છે મધ્ય પ્રદેશની ભોજશાળા!
એના વિશે વિગતવાર વાત કરીએ એ પહેલાં થોડાંક ઐતિહાસિક મંદિર-મસ્જિદ-સ્મારકોના વિવાદો વિશે એક ઝલક જોઈ જઈએ, જેમકે.
૩૭૯ પગથિયાં ધરાવતા ૨૩૮ ફૂટ ઊંચાં-અટારીઓ સાથે પાંચ માળી કુતૂબ મિનાર મૂળ હિન્દુ સ્થાપત્ય હતું. પાછળથી મુસ્લિમ શાસકોએ એની દીવાલો પર કુરાનની આયાતો લખીને એને ઈસ્લામ ધર્મનું સ્મારક બનાવી દીધું એનો વિવાદ વર્ષોથી ચાલે છે. જોકે, બે વર્ષે પહેલાં એનો પણ વિખવાદ ફરી જામ્યો. કેટલાંક હિન્દુ સંગઠનોએ માગણી કરી છે કે આ મુસ્લિમ નામી મિનારનું નામ બદલીને એનું સત્તાવાર નામ ‘વિષ્ણુ સ્તંભ’ કરવામાં આવે અમુક ઐતિહાસિક પુરાવા ટાંકીને એવી દલીલ કરવામાં આવી છે કે આ વિસ્તારના ૨૭ જેટલાં જૈન તેમજ અન્ય હિન્દુ મંદિરોનો ધ્વંસ કરીને મુસ્લિમ બાદશાહ કુતૂબુદીન ઐબકે દિલ્હીના હિન્દુ રાજાને પરાજિત કરીને એની ઉજવણી રૂપે ૧૧૯૩માં આ ‘વિજય સ્તંભ’ બાંધ્યો હતો. જો કે, એક લોકવાયકા એવી પણ છે કે આ કહેવાતો વિજય સ્તંભ બંધાયો એ પહેલાં પૃથ્વીરાજની દીકરી આ મિનાર પર ચઢીને રોજ સૂર્યોદય વખતે જમના નદીનાં દર્શન કરતી હતી!
એક તરફ, પાટનગર દિલ્હીમાં કુતૂબ મિનારનું નામ ‘વિષ્ણુ સ્તંભ’ કરવા માટે મામલો કોર્ટમાં ચાલુ છે ત્યાં પાટનગર નજીકના આગ્રામાં પણ એક જૂના વિવાદે પણ નવા સ્વરૂપે આકાર લીધો.
અલ્હાબાદ હાઈ કોર્ટને અરજી મળી કે મુમતાઝ બેગમની જ્યાં કબર છે એની નીચે આવેલા તાજમહાલના જે બાવીસ ખંડ છે એ વર્ષોથી કોઈ કારણસર હંમેશાં બંધ રાખવામાં આવે છે એને અદાલતે ખોલાવીને તપાસ કરાવવી જોઈએ, કારણ કે ત્યાં હિન્દુ દેવી-દેવતાઓનાં અનેક શિલ્પ તથા શિલાલેખો ખડકવામાં આવ્યાં છે!
આ વિવાદ શરૂ થયો ત્યાં જયપુર રાજવી પરિવારના એક સભ્ય અને ભાજપના એક અગ્રણી રાજકારણી દિયાકુમારીએ એવો દાવો કર્યો કે ‘તાજમહેલ બન્યો એ સ્થળે તો અમારા રાજવી પરિવારનો એક મહેલ હતો. એ જગ્યા-જમીન-મહેલ પર મુમતાઝના ખાવિંદ બાદશાહ શાહજહાંએ કશું વળતર આપ્યા વગર બળજબરી કબજો કરી લીધો હતો! એમનાં કહેવાં અને દાવા મુજબ તાજમહેલ અમારી સંપત્તિ છે એને લગતાં બધાં જ અધિકૃત દસ્તાવેજો અમારા ટ્રસ્ટના પોથી-ખાનામાં મોજૂદ છે!’
અમુક ઐતિહાસિક પુરાવો સાથે એવી પણ લોકકથા જાણીતી છે કે તાજમહેલનું જ્યાં નિર્માણ થયું ત્યાં એક પ્રાચીન શિવ મંદિર હતું,જે ‘તેજો મહાલય’ તરીકે જાણીતું હતું. એનો ધ્વંસ કરીને બેગમ મુમતાઝની કબર પર એની યાદરૂપે બાદશાહ શાહજહાંએ તાજમહેલ ખડો કર્યો હતો..
હા, આવા દાવા વચ્ચે પુરાતત્ત્વ વિભાગે જાહેર કર્યું છે કે પેલાં કહેવાતાં ૨૨ ખંડ ક્યારેય સીલ નહોતાં. એ આજે પણ ખુલ્લા છે અને એમાં કોઈ જ હિન્દુ દેવી-દેવતાની પ્રતિમાઓ કે શિલાલેખો એમાં નથી!
આમ હાલપૂરતો તો આ તાજમહેલ પ્રકરણ પર પડદો પડી ગયો છે તો બીજી તરફ પણ શ્રીકૃષ્ણ જન્મભૂમિ અને શાહી ઈદગાહ મસ્જિદ વિવાદના ઉકેલ માટે હાઈકોર્ટે પાડેલી તારીખને લીધે એ મોરચે પણ હમણાં કામચલાઉ શાંતિ છે…
જો કે તાજેતરના આ બધા જ વાદ-વિવાદ અને વિખવાદ વચ્ચે લોકોનું જે વિશેષ ધ્યાન ખેંચાયું હોય તો એ છે મધ્ય પ્રદેશની ઐતિહાસિક ભોજશાળ અન્ય ઐતિહાસિક સ્મારકોની સરખામણીએ મધ્ય પ્રદેશના ઘર નગરની ભોજશાળા વિશે ખાસ લખાયું નથી, પણ તાજેતરના સમાચાર પછી એના વિશે વધુ વિગતો પ્રકાશમાં આવી રહી છે.
આજે વિવાદમાં સપડાયેલી મધ્ય પ્રદેશના ધાર શહેરમાં આવેલી ભોજશાળા હકીકતમાં એક મહાવિદ્યાલય હતી, જે રાજા ભોજા (ઈ.સ.૧૦૦૦-૧૦૫૫ ) દ્વારા એના રાજ્યકાળમાં સ્થાપવામાં આવી હતી. પરમાર વંશના આ પ્રજાપ્રિય રાજા પોતાના રાજ્યમાં વધુ ને વધુ શિક્ષણના પ્રસારણની સાથેસાથ એ કવિ-લેખક-સંગીતકારોનું હંમેશાં બહુમાન કરી એમને રાજ્ય આશ્રય પણ આપતા. રાજ ભોજની મહાશાળામાં દૂર-દૂરથી વિદ્યાર્થીઓ એમની બૌદ્ધિક તરસ છીપાવવા માટે ઊમટી પડતા. આ ભોજશાળાને હિન્દુઓ સરસ્વતી મંદિર માનતા, જ્યારે કાળક્રમે દિલ્હી સલ્તનતના સુબા દિલાવર ખાને ત્યાં બંધાવેલી ઈમારત આજે ‘કમાલ મૌલા મસ્જિદ’ તરીકે ઓળખાય છે.
આમ તો આ સંકુલ મુસ્લિમોનો છે કે હિન્દુઓનો એને લઈને છેક ૧૯૯૫થી વિવાદ શરૂ થયો પછી અહીં હિન્દુઓને પૂજા કરવાની પરવાનગી મળી અને મુસ્લિમ બિરાદરો અહીં દર શુક્રવારે નમાઝ પઢી શકે એવી પરવાનગી મળી. આ પછી નાના-નાના વિવાદ થતા રહ્યાં, પણ એકંદરે અહીં એકંદરે શાંતિ હતી. જોકે, પાછળથી રામમંદિરનો વિવાદ પરાકાષ્ઠાએ પહોંચ્યો ત્યારે ભોજશાળા સંકુલ સંપૂર્ણપણે હિન્દુઓને સોંપી દેવાની અરજી મધ્ય પ્રદેશ હાઈ કોર્ટમાં થઈ.
આના પગલે આ સ્થળની મૂળ માલિકી નક્કી કરવા હાઈ કોર્ટે ત્યાં વૈજ્ઞાનિક સર્વે કરવાનો આદેશ આપ્યો. તાજેતરમાં ૯૮ દિવસના એ સર્વે પછી સરકારના પુરાતત્ત્વખાતાએ જે તારણ રજૂ કર્યા છે એ હિન્દુ આસ્થાળુની તરફેણમાં જાય એવું પ્રાથમિક હેવાલ પરથી લાગી રહ્યું છે.
આર્કોલોજિકલ સર્વે અનુસાર આ સંકુલમાં આવેલી સદીઓ પૂર્વની ભોજશાળા-વિદ્યાલય મૂળ તો મંદિરનો એક ભાગ જ હતો. અહીં ખોદકામ દરમિયાન હિન્દુ દેવી-દેવતાની ૯૪ જેટલી ક્ષતિગ્રસ્ત મૂર્તિ-પરિસરની ચારે દિશામાં ૧૦૬ સ્તંભ અને ૮૦થી વધુ ભીતચિત્ર છે. એટલું જ નહીં, અહીંથી ૧૦મી સદીથી લઈને ૧૬મી સદી સુધીના ૩૧ સિક્કા પણ મળી આવ્યા છે…
પુરાતત્ત્વ ખાતાની આવી બધી શોધ-સંશોધનના સમાચાર આવી રહ્યા છે ત્યાં ભોજશાળાના મંદિર-મસ્જિદ વિવાદમાં હવે એક નવો વળાંક આવ્યો છે.
મધ્ય પ્રદેશના જૈન સમુદાયના તરફથી મધ્ય પ્રદેશ હાઈ કોર્ટમાં રિટ પિટિશન દ્વારા એવો દાવો કરવામાં આવ્યો છે કે આ વિવાદિત સંકુલમા એક જૈન ગુરુકુળ અને જૈન મંદિર હતું અને અહીં વિદ્યાર્થીઓને જૈન સાધુઓ અને વિદ્વાનો શિક્ષણ આપતા હતા. આ સંકુલમાં સંસ્કૃત, પ્રાકૃત અને અન્ય ભાષાઓમાં ગ્રંથોના અનુવાદનું કામ પણ થતું એટલે જેમ હિન્દુ-મુસ્લિમોને જેમ ભોજશાળામાં પૂજા અને નમાઝ પઢવાની પરવાનગી મળી છે તેમ જૈન આસ્થાળુઓને પણ અહીં પૂજા-પાઠ કરવાનો અધિકાર મળવો જોઈએ!
આ સાથે જૈનો દ્વારા એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે ભોજશાળા સંકુલની મૂર્તિ, જેને હિન્દુ સમુદાય વાગદેવી (દેવી સરસ્વતી)ની મૂર્તિ તરીકે ઓળખાવે છે એ હકીકતમાં જૈન સમુદાયની દેવી અંબિકા (જૈન યક્ષિણી)ની મૂર્તિ છે!
આમ તો પુરાતત્ત્વ ખાતાએ એના વૈજ્ઞાનિક સંશોધનનો અહેવાલ મધ્ય પ્રદેશ હાઈ કોર્ટને સુપરત કરી દીધો છે, પણ રાજા ભોજની આ મહાશાળા હકીકતમાં મંદિર છે કે મસ્જિદ એનો અંતિમ ચુકાદો દેશની સર્વોચ્ચ ન્યાયાલય આપશે એવું નક્કી થયું છે.(સંપૂર્ણ)