ભાજપના નેતા રાવસાહેબ દાનવેએ મનોજ જરાંગેને પડકાર ફેંક્યો
જાલના: મરાઠા કાર્યકર્તા મનોજ જરાંગેએ મરાઠાઓને આગામી મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી માટે તૈયારી કરવા કહ્યું તે પછી ભાજપના નેતા અને ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન રાવસાહેબ દાનવેએ તેમને પડકાર આપ્યો કે જો તેઓ તેમના સમુદાયને આપવામાં આવેલી અનામતથી સંતુષ્ટ ન હોય તો 288 મરાઠા ઉમેદવારોને ચૂંટણીમાં ઉતારે.
મંગળવારે સાંજે એક પત્રકાર પરિષદને સંબોધતા તેમણે કહ્યું કે રાજ્ય સરકારે મરાઠા સમુદાયને પહેલાથી જ 10 ટકા આરક્ષણ પ્રદાન કર્યું છે.
કાયદા મુજબ અમે આરક્ષણ આપ્યું છે, પરંતુ જો જરાંગે સંતુષ્ટ ન હોય તો તેમણે રાજ્યની તમામ 288 વિધાનસભા મતવિસ્તારોમાં પોતાના ઉમેદવારો ઊભા રાખવા જોઈએ એમ દાનવેએ જણાવ્યું હતું.
આ પણ વાંચો : મરાઠા અનામત: મનોજ જરાંગેએ બેમુદત ઉપવાસ મોકૂફ રાખ્યા
મંગળવારે જાલના જિલ્લામાં તેમના વતન અંતરવાલી સરાટી ગામમાં બોલતા જરાંગેએ મરાઠા સમુદાયને આગામી વિધાનસભા ચૂંટણી લડવા માટે તૈયાર થવા કહ્યું અને કહ્યું હતું કે જો તેમને સરકારી નોકરી અને શિક્ષણમાં અનામત જોઈતી હોય તો રાજકીય સત્તા મેળવવા સિવાય તેની પાસે કોઈ વિકલ્પ નથી.
ઓક્ટોબરમાં યોજાનારી ચૂંટણીઓ પછી મરાઠાઓ રાજ્યમાં સત્તા પર આવશે તેવો વિશ્ર્વાસ વ્યક્ત કરતાં તેમણે કહ્યું કે મરાઠાઓ, મુસ્લિમો અને દલિતો નોંધપાત્ર પરિવર્તન લાવશે.
ઓબીસી શ્રેણી હેઠળ મરાઠા સમુદાય માટે જરાંગે અનામતની માંગ કરી રહ્યા છે, જોકે રાજ્ય સરકારે ફેબ્રુઆરીમાં એક કાયદો ઘડ્યો હતો જેથી તેમને અલગ શ્રેણી હેઠળ 10 ટકા અનામત મળે. જો કે, કેબિનેટ મંત્રી છગન ભુજબળ સહિત ઓબીસી નેતાઓએ પછાત સમુદાયો માટેના હાલના ક્વોટાને ઘટાડવાનો વિરોધ કર્યો છે.
દાનવેએ વધુમાં કહ્યું હતું કે અમારો પણ એવો અભિપ્રાય છે કે મરાઠા સમુદાયને આરક્ષણ મળવું જોઈએ, પરંતુ તે અન્ય સમાજના ક્વોટાના ભોગે ન આપવું જોઈએ.
તેમણે વિપક્ષ મહા વિકાસ આઘાડી (એમવીએ)ના નેતાઓ પર આકરા પ્રહારો કર્યા હતા અને તેમના પર ચૂંટણીના ફાયદા માટે મરાઠા આરક્ષણ મુદ્દાનું રાજનીતિકરણ કરવાનો આરોપ લગાવ્યો હતો. (પીટીઆઈ)