મુંબઈમાં 36 સીટો માટે પડાપડી ઠાકરે 25, પવાર જૂથ 6, કોંગ્રેસનો 15 બેઠકોનો દાવો, કેવી રીતે થશે ગણિત?
મહાવિકાસ અઘાડીના ઘટક પક્ષોની માગણી મુજબ 46 બેઠકોની આવશ્યકતા: પાર્ટીઓ સ્વબળે લડશે કે કેમ તેવી ચર્ચા
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણીની તૈયારીઓએ જોર પકડ્યું છે. રાજ્યમાં મહાવિકાસ આઘાડી અને મહાયુતિ વચ્ચે મોટી લડાઈ થશે એવું માનવામાં આવી રહ્યું છે. લોકસભા ચૂંટણીમાં મળેલી હારને કારણે ભાજપના વરિષ્ઠ નેતાઓએ રાજ્યમાં ધ્યાન આપવાનું શરૂ કરી દીધું છે. સીટ ફાળવણીને કારણે આ બંને ગઠબંધનમાં મોટી સમસ્યા સર્જાવાની છે. તેથી છેલ્લી ઘડી સુધી ચૂંટણીની ચર્ચા કરવામાં આવશે. આર્થિક રાજધાની મુંબઈ તમામ પક્ષો માટે મહત્વપૂર્ણ છે. મુંબઈ માટે બંને મોરચાના પક્ષો મેદાનમાં ઉતર્યા છે. મુંબઈ શિવસેનાના ગઢ તરીકે ઓળખાય છે.
ઉદ્ધવ ઠાકરેનું ફોકસ 25 સીટો-
શિવસેના ઉદ્ધવ ઠાકરે જૂથ આગામી ચૂંટણી માટે મુંબઈની 36 વિધાનસભા મતવિસ્તારોમાંથી ઓછામાં ઓછી 25 બેઠકો પર ચૂંટણી લડવાની તૈયારી કરી રહ્યું છે. ઠાકરે જૂથે મુંબઈમાં તેમના ગઢ પર વધુ ધ્યાન કેન્દ્રિત કર્યું છે. બાળાસાહેબ ઠાકરેની આગેવાની હેઠળની શિવસેનાનું મુંબઈમાં હંમેશા પ્રભુત્વ રહ્યું છે અને ઉદ્ધવ ઠાકરે આ સ્થાનને મજબૂત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. બાંદ્રા ઈસ્ટ, દહિસર, અંધેરી ઈસ્ટ જેવી કેટલીક જગ્યાએ નવા ચહેરાઓને તક મળે તેવી શક્યતા છે.
કોંગ્રેસે 15 બેઠકોનો દાવો-
કોંગ્રેસ પાર્ટી પણ મુંબઈમાં મહત્વની ભૂમિકા ભજવવાની તૈયારી કરી રહી છે. 2019ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસના ચાર વિધાનસભ્યો ચૂંટાયા હતા. આ વર્ષે કોંગ્રેસ 13થી 15 સીટો પર દાવો કરી શકે છે. કોંગ્રેસે કોલાબા, મુંબા દેવી, ભાયખલા, વડાલા, સાયન-કોલીવાડા, ધારાવી, બાંદ્રા, અંધેરી પશ્ચિમ, વર્સોવા, મલાડ-વેસ્ટ અને જોગેશ્વરી સહિતની કેટલીક બેઠકો પર દાવો કર્યો છે.
આ પણ વાંચો : મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણી માટે Congress-AAP સજ્જ: કોંગ્રેસની આટલી બેઠક પર નજર
શરદ પવાર જૂથનો 6 બેઠકો પર દાવો-
એનસીપી શરદ પવાર જૂથ પણ આ વખતે મુંબઈમાં 6થી વધુ બેઠકો પર ચૂંટણી લડવાની તૈયારી કરી રહ્યું છે. પવાર જૂથ દ્વારા મલબાર હિલ, ભાયખલા, વિક્રોલી, સાયન-કોલીવાડા, અણુશક્તિ નગર-કુર્લા, દિંડોશી-વર્સોવા, અંધેરી પશ્ર્ચિમ, ઘાટકોપર પૂર્વ, ઘાટકોપર પશ્ર્ચિમ અને શિવાજીનગર-માનખુર્દ વિધાનસભા વિસ્તારનો દાવો કરવામાં આવ્યો છે.
મહાવિકાસ અઘાડીના ઘટક પક્ષોની માગણી સંતોષવા માટે 46 બેઠકોની આવશ્યકતા છેે. તેથી શહેરની 36 બેઠકોમાં આટલી બેઠકોની માગણીને કેવી રીતે સંતોષવામાં આવશે તે જોવાનું રહેશે. એક અંદાજ એવો બાંધવામાં આવી રહ્યો છે કે બેઠકોની વહેંચણીને મુદ્દે મહાવિકાસ આઘાડીમાં ભંગાણ પડી શકે અને દરેક પક્ષ અલગથી ચૂંટણી લડી શકે.
મુંબઈનું રાજકીય મહત્વ-
મહારાષ્ટ્રનું રાજકારણ મુંબઈથી ચાલે છે. રાજકારણીઓ મુંબઈની સત્તાને રાજ્યની સત્તા માને છે. ભાજપે મુંબઈ પર પણ ખાસ ધ્યાન આપ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહ મુંબઈ જીતવા ઈચ્છે છે. તેથી તેમની ટુર પણ ઘણી હદે વધી ગઈ છે. હવે જ્યારે શિવસેના બે જૂથોમાં વહેંચાઈ ગઈ છે, ત્યારે ભાજપ પૂરી તાકાત સાથે મેદાનમાં ઉતરશે. મુંબઈ આર્થિક દૃષ્ટિકોણથી પણ મહત્વનું છે, કારણ કે દેશની અર્થવ્યવસ્થા પણ મુંબઈ પર નિર્ભર છે.
મહાવિકાસ અઘાડીની રણનીતિમાં ઉદ્ધવ ઠાકરે જૂથ, કોંગ્રેસ અને એનસીપીના દાવા મહત્વના રહેશે. આગામી વિધાનસભાની ચૂંટણીમાં મુંબઈમાં બેઠકોનો સંઘર્ષ વધુ તેજ બને તેવી શક્યતા છે.