Bangladesh થી એર-ઈન્ડિયાના વિમાનથી પરત ફર્યા ભારતીય દૂતાવાસના 190 કર્મચારીઓ
નવી દિલ્હી : બાંગ્લાદેશમાં(Bangladesh)હિંસા અને રાજકીય ઉથલપાથલ વચ્ચે ભારતીય દૂતાવાસના 190 કર્મચારીઓ ભારત પરત ફર્યા છે. આ કર્મચારીઓને એર ઈન્ડિયાના વિમાન દ્વારા ભારત લાવવામાં આવ્યા છે. તે જ સમયે, લગભગ 20 થી 30 વરિષ્ઠ કર્મચારીઓ હવે માત્ર ઢાકામાં છે.
દૂતાવાસ ભારતીયોના સંપર્કમાં
બાંગ્લાદેશમાં ચાલી રહેલી હિંસાને ધ્યાનમાં રાખીને ભારતે ઢાકામાં પોતાના દૂતાવાસનો સ્ટાફ ઘટાડ્યો છે. ઘણા કર્મચારીઓને પાછા બોલાવવામાં આવી રહ્યા છે.જેઓ ખૂબ જ મહત્વપૂર્ણ કામમાં રોકાયેલા ન હતા. આ લોકો તેમના પરિવાર સાથે પાછા આવ્યા છે. જો કે, બાંગ્લાદેશમાં તમામ ભારતીય કોન્સ્યુલેટ્સમાં સામાન્ય કામગીરી ચાલુ રહેશે. કારણ કે હાલમાં લગભગ 12000 ભારતીયો બાંગ્લાદેશમાં છે. દૂતાવાસ તેમના સંપર્કમાં છે અને જો કોઈ પ્રકારની મદદની જરૂર હોય તો તેમને મદદ કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો : બાંગ્લાદેશની હિંસાએ બે કલાકારનો ભોગ લીધો, બંગાળી ફિલ્મો સાથે પણ હતો નાતો
શેખ હસીના યુરોપના કોઈ દેશમાં આશરો લઈ શકે
વાસ્તવમાં શેખ હસીના બાંગ્લાદેશના વડાપ્રધાન પદેથી રાજીનામું આપીને ભારત આવ્યા છે. તેમને હિંડન એરબેઝના સેફ હાઉસમાં રાખવામાં આવ્યા છે. અત્યારે એ નક્કી નથી કે શેખ હસીના કોઈ બીજા દેશમાં આશરો લેશે કે પછી તે ભારતમાં લાંબો સમય વિતાવશે. જો કે એવી અટકળો છે કે શેખ હસીના યુરોપના કોઈ દેશમાં આશરો લઈ શકે છે.
સરકાર ચલાવવા 15 લોકોની યાદી તૈયાર કરી
બાંગ્લાદેશમાં વચગાળાની સરકારની રૂપરેખા નક્કી કરવામાં આવી છે. નોબેલ પુરસ્કાર વિજેતા મોહમ્મદ યુનુસને વચગાળાની સરકારના વડા તરીકે પસંદ કરવામાં આવ્યા છે. તેમને આંદોલનકારી વિદ્યાર્થીઓનું સમર્થન પણ છે. કહેવામાં આવી રહ્યું છે કે મોહમ્મદ યુનુસે બાંગ્લાદેશમાં વચગાળાની સરકાર ચલાવવા માટે 10 થી 15 લોકોની યાદી તૈયાર કરી છે. જો કે આ યાદી રાજકીય પક્ષો સાથે ચર્ચા કર્યા બાદ ફાઈનલ કરવામાં આવશે