કેદારનાથ માટે હેલિકોપ્ટર સેવા શરૂ, ભાડામાં 25 ટકા ડિસ્કાઉન્ટની જાહેરાત
ઉત્તરાખંડના મુખ્ય પ્રધાન પુષ્કર સિંહ ધામીએ જાહેરાત કરી છે કે કેદારનાથ માટે હેલિકોપ્ટર સેવાઓ આજથી ફરી શરૂ કરી દેવામાં આવી છે અને યાત્રાળુઓને ભાડામાં 25 ટકા ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે.
સીએમ ધામીએ મંગળવારે રુદ્રપ્રયાગમાં વરિષ્ઠ અધિકારીઓ સાથે મુલાકાત કરી હતી અને વરસાદથી પ્રભાવિત કેદારનાથ યાત્રા માર્ગ પર રાહત અને બચાવ કામગીરીની સમીક્ષા કરી હતી. મુખ્ય પ્રધાને કહ્યું હતું કે , “વરસાદને કારણે મોટા પાયે નુકસાન થયું છે. ભૂસ્ખલનને કારણે 29 સ્થળોએ માર્ગ તૂટી ગયો છે. ટેલિકોમ્યુનિકેશન લાઈનો ખોરવાઈ જવા ઉપરાંત પાણી અને વીજ પુરવઠાની લાઈનોને પણ અસર થઈ છે.
આ પણ વાંચો : કેદારનાથથી આવ્યા માઠા સમાચાર, પદયાત્રાના માર્ગ પર ભૂસ્ખલન થતા 3ના મોત, અનેક ઘાયલ
યાત્રાળુઓ માટે વૈકલ્પિક માર્ગ તૈયાર કરવો જોઈએ અને નવા હેલિપેડ પણ બનાવવા જોઈએ. તેમણે લોકોને બચાવવામાં મદદરૂપ થનાર ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગ, જિલ્લા વહીવટીતંત્ર, એસડીઆરએફ, એનડીઆરએફ, પૂજારી સમુદાય અને જનપ્રતિનિધિઓની પ્રશંસા કરી હતી. ધામીએ એમ પણ કહ્યું હતું કે બચાવ કાર્ય લગભગ પૂર્ણ થઈ ગયું છે અને હવે હિમાલયના મંદિરના માર્ગમાં ક્ષતિગ્રસ્ત ઈન્ફ્રાસ્ટ્રક્ચરને રિપેર કરીને યાત્રા ફરી કેવી રીતે શરૂ કરવી તેના પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. જો કે, કેદારનાથ માટે હેલિકોપ્ટર સેવા બુધવારથી શરૂ થઈ રહી છે જેઓ હેલિકોપ્ટર દ્વારા મંદિરની મુલાકાત લેશે તેમને ટિકિટ પર 25 ટકા ડિસ્કાઉન્ટ મળશે