સ્પોર્ટસ

એશિયન ગેમ્સમાં મનુ ભાકર, ઇશા સિંહ અને રિધમ સાંગવાનની ટીમે રચ્યો ઈતિહાસ

હોંગઝોઉઃ એશિયન ગેમ્સમાં શૂટિંગમાં ભારતીય ખેલાડીઓનું પ્રદર્શન સારુ રહ્યું હતુ. ભારતીય મહિલા શૂટરો મનુ ભાકર, ઈશા સિંહ અને રિધમ સાંગવાનની ટીમે 25 મીટર પિસ્તોલ ટીમ ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. તેઓએ ચીનને ત્રણ પોઈન્ટથી હરાવ્યું હતું. ભાકરે બે પોઈન્ટની લીડ સાથે રાઉન્ડની શરૂઆત કરી અને રાઉન્ડ આગળ વધતા તેને ત્રણ પોઈન્ટ સુધી લંબાવી હતી.

25 મીટર પિસ્તોલ ઈવેન્ટમાં મનુ ભાકર, ઈશા સિંહ અને રિધમ સાંગવાને 1759 પોઈન્ટ હાંસલ કર્યા હતા. યજમાન ચીનની ટીમ 1756 પોઈન્ટ સાથે બીજા ક્રમે રહી હતી. ચીને સિલ્વર જીત્યો હતો. જ્યારે દક્ષિણ કોરિયાની ટીમ 1742 પોઈન્ટ સાથે ત્રીજા ક્રમે રહી હતી. ભારતે ટીમ ઈવેન્ટમાં મહિલાઓની 50 મીટર રાઈફલ 3 પોઝિશનમાં સિલ્વર મેડલ પણ જીત્યો હતો.

હરિયાણાની રહેવાસી મનુ ભાકર બોક્સર બનવા માંગતી હતી, પરંતુ આંખમાં ઈજાના કારણે બોક્સિંગ છોડી દીધું હતું. 14 વર્ષની ઉંમરે તેણે શૂટિંગમાં રસ દાખવ્યો હતો. ઓગસ્ટ 2020 માં મનુ ભાકરને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દ્વારા અર્જુન એવોર્ડથી સન્માનિત કરવામાં આવી હતી.

ઈશા સિંહ માત્ર 18 વર્ષની છે અને તેણે નવ વર્ષની ઉંમરથી શૂટિંગની ટ્રેનિંગ લેવાનું શરૂ કર્યું હતું. વર્ષ તેણે વર્ષ 2018માં નેશનલ શૂટિંગ ચેમ્પિયનશિપનો ખિતાબ જીત્યો હતો. માત્ર 13 વર્ષની ઉંમરે ઈશાએ ઘણા ઈન્ટરનેશનલ એવોર્ડ જીત્યા હતા.
રિધમ સાંગવાને અત્યાર સુધીમાં શૂટિંગ વર્લ્ડ કપ સહિત અન્ય આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓમાં 10 ગોલ્ડ મેડલ જીત્યા છે. રિધમના પિતા નરેન્દ્ર સાંગવાન હરિયાણા પોલીસમાં ડીએસપીના પદ પર છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button