હોંગઝોઉઃ એશિયન ગેમ્સ 2023માં નેપાળ અને મંગોલિયા વચ્ચે રમાઈ રહેલી મેચમાં અનેક રેકોર્ડ તૂટ્યા હતા. પહેલા બેટિંગ કરીને નેપાળની ટીમે અનેક રેકોર્ડ તોડી નાખ્યા હતા. દરમિયાન નેપાળના બેટ્સમેન દીપેન્દ્ર સિંહ એરીએ ટી-20 ઈન્ટરનેશનલમાં સૌથી ઝડપી અડધી સદી ફટકારીને ભૂતપૂર્વ ભારતીય દિગ્ગજ યુવરાજ સિંહનો રેકોર્ડ તોડી નાખ્યો હતો. યુવરાજ સિંહે ઇગ્લેન્ડ સામે 12 બોલમાં અડધી સદી પૂરી કરી હતી, પરંતુ દીપેન્દ્રએ માત્ર 9 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી હતી. આ સિવાય નેપાળે ઘણા રેકોર્ડ બનાવ્યા હતા.
આ સિવાય કુશલ મલ્લાએ ટીમ માટે 274ના સ્ટ્રાઇક રેટથી 50 બોલમાં અણનમ 137 રનની ઇનિંગ રમી હતી. કુશાલની આ ઇનિંગમાં 8 ફોર અને 12 સિક્સ સામેલ હતી. કુશલ ટી-20 ઈન્ટરનેશનલમાં સૌથી ઝડપી સદી ફટકારનાર બેટ્સમેન બન્યો હતો. તેણે માત્ર 34 બોલમાં પોતાની સદી પૂરી કરી હતી. આ પહેલા સૌથી ઝડપી સદી ફટકારવાનો રેકોર્ડ દક્ષિણ આફ્રિકાના ડેવિડ મિલરના નામે હતો, જેણે 35 બોલમાં સદી પૂરી કરી હતી. નેપાળે ઇનિંગ્સમાં કુલ 26 સિક્સર ફટકારી હતી.
નેપાળ ટી-20 ઈન્ટરનેશનલમાં 300 રનનો આંકડો પાર કરનારી પ્રથમ ટીમ બની છે. ટીમે 20 ઓવરમાં 3 વિકેટે 314 રન બનાવ્યા હતા. અગાઉ એક ઇનિંગમાં સૌથી વધુ રનનો રેકોર્ડ અફઘાનિસ્તાનના નામે હતો તેણે 278 રન બનાવ્યા હતા.
Taboola Feed