ઈન્ટરવલ

અજબ ગજબની દુનિયા

હેન્રી શાસ્ત્રી

કચરો ફેંદી કંચન કાઢે
ગ્રીક પુરાણમાં દૈવી – જાદુઈ સ્પર્શથી દરેક વસ્તુને સોનામાં ફેરવી નાખતા મિડાસ નામના રાજાની વાત જાણીતી છે. એના પરથી અંગ્રેજીમાં રૂઢિપ્રયોગનો જન્મ થયો છે – ‘મિડાસ ટચ’ મતલબ કે ફાઇનાન્સને લગતા દરેક નિર્ણયને સફળતા મળવી.
આ વાતનો સાક્ષાત્કાર ટેક્સસમાં રહેતી ૩૪ વર્ષીય મહિલા ટિફની બટલરને અનોખી રીતે થયો છે. વિદેશમાં વાપર્યા વિનાની અથવા નકામી કે જરૂરિયાત વગરની ચીજવસ્તુઓ ‘ડમ્પસ્ટર’ તરીકે ઓળખાતા કચરા ભરવાના મોટા ક્ધટેનરમાં નાખવાનો શિરસ્તો છે. જે લોકો આ ડમ્પસ્ટર ફેંદી એમાંથી પોતાને કામ લાગે એવી વસ્તુ વીણી કાઢેએ લોકો ‘ડમ્પસ્ટર ડાઈવર’ તરીકે ઓળખાય છે. કોઈને કથીર હાથ લાગે તો કોઈને કંચન, જેવી જેની મહેનત ને જેવા જેના નસીબ.

ટિફની બટલર અઠવાડિયામાં ત્રણેક દિવસ કચરો ફેંદવાનું કામ કરી બે પૈસા રળી લે છે. એક દિવસ હિસાબ કરવા બેઠીતો મેડમને ખ્યાલ આવ્યો કે છેલ્લા બે વર્ષમાં કચરો વીણી મેળવેલી વસ્તુના વેચાણમાંથી એંસી હજાર ડોલર (આશરે ૬૬ લાખ ૫૦ હજાર રૂપિયા) ઉપજ્યા છે. મળેલી વસ્તુ દમદાર હોય તો સોશિયલ મીડિયા પર મૂકે છે , જ્યાં એના ૩૦ લાખ ફોલોઅર્સમાંથી કોઈને કોઈ તગડી રકમ આપી વસ્તુ ખરીદી લે છે.

ટૂંકમાં કથીર ફેંદી કંચન મેળવી રહી છે.
‘જે કર ઝુલાવે પારણું તે જગત પર શાસન કરે’નીજેમ ‘જે કર ફેંદે કચરો તે કરે વકરો ઘણો’ એમ કોઈ કહે તો નવાઈ ન લાગવી જોઈએ.

હે! પટનાની ઝેરોક્સ લંડનમાં?
ઘરથી પણ દૂર એક ઘર હોય એવી ભાવનામાં વિશ્ર્વાસ ધરાવતા લોકો જન્મભૂમિથી દૂર કર્મભૂમિમાં એકલતા નથી અનુભવતા. સાવ નાનકડા ગામમાં જન્મી – ઉછરી ગમ્મે એટલા મોટા કે આલીશાન શહેરમાં સ્થાયી થયેલી વ્યક્તિને પોતાના ગામની એક નાનકડી ઝલક પણ નજરે પડે તો આનંદ આનંદ થઈ જતો હોય છે. બિહારના નિવૃત્ત ડીજીપી ગુપ્તેશ્ર્વર પાંડે થોડા દિવસ પહેલા સ્કોટલેન્ડ ગયા હતા. સફર દરમિયાન એક ગામમાં પહોંચતા જ એમનું હૈયું હિલોળા લેવા લાગ્યું, માટીમાંથી ખુશ્બૂ આવવા લાગી અને ચિતચોર ફિલ્મનું ‘ગોરીતેરા ગાંવ બડા પ્યારા’ ગણગણવા લાગ્યા. આવું થવાનું કારણ એ હતું કે સ્કોટલેન્ડના એ ગામનું નામ ‘પટના’ હતું અને પાંડેજી પટનાના છે.

સ્કોટલેન્ડમાં પટના? ટાઢા પહોરના ગપ્પા એવું તમે બોલો એ પહેલા જાણી લો કે ૧૭૪૪ – ૧૭૬૬ દરમિયાન વિલિયમ ફુલરટન નામના સ્કોટિશ સર્જનનું પોસ્ટિંગ પટનામાં થયું હતું. ૧૭૬૩માં થયેલા પટના હત્યાકાંડમાં મિસ્ટર વિલિયમ ઊગરી ગયા હતા. ૧૯મી સદીના પ્રારંભમાં એ સ્વદેશ પાછા ફર્યા અને પટના પ્રત્યે પોતાનો સ્નેહ પ્રગટ કરવા પોતે વસાવેલા ગામનું નામ પણ પટના પાડ્યું હતું. અહીંની સ્કૂલોમાં બાળકોને પટના વિશે એક પાઠ પણ ભણવામાં આવે છે. ૭૦૦૦ કિલોમીટરના અંતરે ઘરથી દૂર ઘર જોઈ પાંડેજી રાજીના રેડ થઈ ગયા અને એનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થતા પટના સાથે કનેક્શન ધરાવતા લોકો હરખાઈ રહ્યા છે !

હોસ્પિટલમાંથી ૫૦૦૦ કિલોમીટર દૂર દર્દીની સર્જરી
આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સના ગુણગાન ગવાય છે એના કરતાં અનેકગણી ટીકા પણ થઈ રહી છે એ વાતાવરણમાં ચીનનો રોબોટિક સર્જરીનો કિસ્સો પલડું AI ની તરફેણમાં નમાવવામાં સફળ રહ્યો છે.

ચીનના પ્રમુખ શહેર શાંઘાઈની હોસ્પિટલમાં બેસી સર્જને ૫૦૦૦ કિલોમીટર દૂરના વિસ્તારમાં બીમાર દર્દીના ફેફસાંમાંથી ગાંઠ (ટ્યુમર) દૂર કરવામાં સફળતા મેળવી છે. ચીનમાં જ તૈયાર કરવામાં આવેલા ૫જી સર્જિકલ રોબોટની મદદથી આ ઓપરેશન પાર પાડ્યું હતું. આધુનિક ટેકનોલોજીના કારણે દર્દીએ ગામ કે પ્રાંતથી બીજિંગ કે શાંઘાઈ જેવા મોટા શહેર સુધી લાંબા નહીં થવું પડે. શાંઘાઇની હૉસ્પિટલમાં ૩૨ ઈંચનું મોનિટર અને થ્રીડી વિઝનની સહાયથી ૫૦૦૦ કિલોમીટર દૂરના પ્રાંતની નાનકડા નર્સિંગ હોમમાં રોબોટ રાખી સર્જરી કરી હતી. સર્જનનાં સાધનો સાથે એક સેફટી કેમેરા પણ જોડાયેલો હતો, જે ડોક્ટરની હાજરી પર નજર રાખે છે. ડોકટરની નજર દર્દી પરથી હટે તો તો સર્જરી આપોઆપ અટકી જાય. આપણા દેશમાં પણ રોબોટિક સર્જરી થઈ રહી છે. ગુડગાંવના એક ડોક્ટરે બાવન કિલોમીટર દૂર દિલ્હીની એક હોસ્પિટલના દર્દીનીઆવી સફળ સર્જરી કરી હતી.

પ્રસાદમાં પરદેશાગમન
૧૯૭૦ – ૮૦ના દાયકામાં ગુજરાતીઓ અભ્યાસાર્થે વિદેશ (ખાસ કરીને અમેરિકા) જવા રવાના થાય ત્યારે પરિવારજનો એ વ્યક્તિનો ફોટોગ્રાફ નામ અને બીજી વિગતો સાથે ‘પરદેશગમન’ મથાળા સાથે છાપામાં છપાવતા. આમ કરવા પાછળ મુખ્યત્વે બે હેતુ હતા: એક નાણાકીય સધ્ધરતા સાથે સોશિયલ સ્ટેટસ ઊંચું બનાવી દેવાનો અને બીજો હેતુ એ મુરતિયાની માર્કેટ મજબૂત બનાવવાનો. જોકે, પૈસાનો પાવર હવે ભગવાનને ધરાવવામાં આવતા પ્રસાદ સુધી પહોંચી ગયો છે. સંતાન વિદેશમાં સેટલ થયા પછી એકાદ બે ચક્કર લગાવ્યા પછી પેરન્ટ્સને પણ વિદેશી રંગ ચડી જતો હોય છે. કપડામાં, રહેણી કરણીમાં અને ભોજનમાં સુધ્ધાં વિદેશી વાતાવરણ લાવી વટ પાડવાની કોશિશ થાય છે. એવોકાડો તરીકે ઓળખાતું એક ફ્રૂટ વટ પાડવા ભારતમાં અનેક લોકો ખાતા થયા છે. અહીં સુધી જાણે કે સમજ્યા, પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી એક તસવીરમાં તો પ્રભુને પ્રસાદ તરીકે એવોકાડો ધર્યું હોવાની ધૃષ્ટતા જોવા મળી છે. સાથે લખવામાં આવ્યું છે કે ‘પ્રસાદનું સ્તર ઊંચું લાવવામાં આવ્યું છે, કેળાની બદલે એવોકાડો ધરવામાં આવ્યા છે.’ આશ્ર્ચર્યની વાત તો એ છે કે આ પ્રયાસની ટીકા થવા ઉપરાંત એની પ્રશંસા કરનારા પણ છે. ભગવાન ભાવના ભૂખ્યા છે એ વાત સાચી પણ ભાવનો ભાવાર્થ બદલાવી નાખવાની વાત સદંતર ખોટી.

ફોન પર દરરોજ ૧૫૦૦ કપ ચાનું વેચાણ
પિઝા – બર્ગર અને કોડ ડ્રિન્ક સહિત વિવિધ ખાણીપીણીની આઈટમ તમે અનેક વાર ફોન પર ઓર્ડર કરી મંગાવી હશે. જોકે, મહારાષ્ટ્રના મરાઠવાડાના ધારાશિવ જિલ્લાના તેર નામના ગામમાં મહાદેવ નામના શખ્સે ઊંચાણવાળી જગ્યા પર ચાના સ્ટોલને શરૂ કરવાની અસાધારણ કલ્પના અમલમાં મૂકી છે. માત્ર એક ફોન કરી ખેતરના શેઢા પર પણ ચાનો કપ પહોંચાડવાની આ સેવાને ખાસ્સી નામના મળી છે. ગ્રામ્ય વિસ્તારોમાં ખેતરમાં ચા મળવી મુશ્કેલ છે, પરંતુ આ ચા ઠેઠ ખેતરમાં અનેક લોકોની તલપ પૂરી કરી રહી છે. વળી ચા છે પણ ખૂબ સસ્તી છે. ગ્રાહકને માત્ર ૫ રૂપિયામાં ગરમ ગરમ ચા મળે છે. ત્રીજું ધોરણ પાસ મહાદેવ માળી માત્ર ફોન પર જ ઓર્ડર લઈને દરરોજ ૧૫૦૦થી ૨૦૦૦ કપ ચાનું વેચાણ કરે છે. તડકો, પવન અને વરસાદની પરવા કર્યા વિના ઓર્ડર આવે ત્યારે મહાદેવ માળી ખેતરમાં પહોંચી ખેડૂતો, મજૂરો અને અન્ય કામ કરનારાઓને ચા પહોંચાડે છે. રસપ્રદ વાત એ છે કે મહાદેવ માળી ગ્રાહકોના અવાજથી એ હદે પરિચિત છે કે માત્ર અવાજ સાંભળી કયા ખેતરમાંથી કોણે ફોન કર્યો છે એ ઓળખી જાય છે. ફોન કરનારનું નામ પણ પૂછ્યા વિના તેને સમયસર ચા પહોંચાડી દે છે.

લ્યો કરો વાત!
વિશ્ર્વમાં નવ લાખ ટાપુ છે અને એમાંથી કેટલાક વિશિષ્ટ ઓળખ પણ ધરાવે છે. જાપાનમાં ૧૪૧૨૫ ટાપુ છે, જેમાંથી માત્ર ૨૬૦ ટાપુ પર માનવ વસ્તી છે. એઓશિમા નામના એક ટાપુની અજાયબી એવી છે કે અહીં મનુષ્ય કરતાં બિલાડીની સંખ્યા વધારે છે. ‘કેટ આઈલેન્ડ’ની ઓળખ ધરાવતા આ ટાપુ પર માનવ સંખ્યા માંડ ૨૦ છે , જ્યારે મ્યાઉં મ્યાઉંની વસતિ ૧૨૦ છે. મિની માસી માટે લગાવ ધરાવતા ભાણિયાઓ આ ટાપુની મુલાકાત લેવાનું ચૂકતા નથી અને ત્યાંથી વિદાય લેતી વખતે ‘સાયોનારા’ (આવજો – ગુડબાય માટે જાપાની શબ્દ) કરવાનું ભૂલતા નથી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button