શિવવિજ્ઞાન: શિવલિંગની આટલી મહત્તા શા માટે?
મુકેશ પંડ્યા
પવિત્ર શ્રાવણ માસ શરૂ થઇ ગયો છે. ૨૦૨૪માં આવેલા આ મહિનાની વિશેષતા એ છે કે ગઇ કાલે સોમવારથી શરૂ થયો અને મહિનાનો અંત પણ શ્રાવણિયા સોમવારથી થશે. આમ તો શ્રાવણ મહિનામાં ઘણા વ્રતો તહેવારો આવે છે, પણ શ્રાવણિયા સોમવારે તો ભગવાન શિવનું જ મહિમા મંડન થતું હોય છે. મંદિરોમાં શિવલિંગને પૂજવા વહેલી સવારથી ભક્તોની લાંબી લાઇનો લાગે છે. તેના પર જળાભિષેક અને દુગ્ધાભિષેક કરવામાં આવે છે. કેટલાક લોકો આ જાતના અભિષેકથી દૂધ વેડફાય છે તેવી ભાવનાથી પ્રેરાઇને તેનો વિરોધ પણ કરે છે. છતાંય ભક્તોનો શ્રાવણિયા સોમવારનો ઉત્સાહ થમતો નથી.
જોકે,હકીકત એ છે કે પહેલાંના સમયમાં ભારતમાં દૂધ-ઘીની નદીઓ વહેતી હતી. નાનામાં નાના માણસને આંગણે પણ ગાયો બંધાયેલી રહેતી. રાજાઓના મહેલોમાં પણ ગાયો પળાતી તો વનમાં ઋષિમુનિઓ પણ આશ્રમમાં ગાયો પાળીને રહેતા. એ વખતે દાળ-શાકનું ચલણ એટલું ન હોતું, પણ લોકો દૂધ-ઘી -છાશ સાથે પ્રેમપૂર્વક રોટલો ખાતાં અને બીજાને પણ ખવડાવતા. છાશ તો હજી હમણાં સુધી મફતમાં વેચાતી હતી. પોતે જે આરોગે એ ભગવાનને પણ ધરવું જોઇએ. પોતે સ્નાન કરે તેમ ભગવાનને પણ સ્નાન કરાવવું જોઇએ એવી દૃઢ માન્યતા હતી. આજે જ્યારે ગરીબો માટે દૂધ મોંઘુ થયું છે ત્યારે તેમને માટે દૂધની વ્યવસ્થા કરવી જોઇએ એ કબૂલ પણ એનો અર્થ એ નથી કે શિવલિંગ પર જળાભિષેક કે દુગ્ધાભિષેક ન કરવો. વસતિ વધી છે ત્યારે કોઇ એક મંદિરમાં ધસારો ન કરતાં અને દેખાવ કરવા વધું દૂધ ન વેડફતાં નાની લોટીમાં પણ શ્રદ્ધાપૂર્વક અભિષેક કરવો. મંદિરમાં ગીરદી ન કરતાં જ પોતાના ઘરે પણ યથાશક્તિ પાણી -દૂધથી ભગવાનને નવડાવી શકો છો.
સામાન્ય માણસ માટે તો પોતાને જેણે જીવન આપ્યું. ખોરાક પાણી આપ્યા તેમના માટે કૃતજ્ઞતા વ્યક્ત કરવા પ્રભુને આપણે સ્નાન કરાવવું. જમાડવું અને પછી આપણે જમવું એવો નિયમ હોઇ શકે, પરંતુ આજનું વિજ્ઞાન જેમ જેમ વિકસતું જાય છે તેમ તેમ જ્ઞાની વિજ્ઞાનીઓને પણ શિવ અને શિવલિંગ વિશે અદ્ભુત જ્ઞાન પ્રાપ્ત થયું છે અને થતું જાય છે. શિવલિંગ શું છે અને શા માટે આટલી પૂજા કરવામાં આવે છે? શંકરનાં કાર્યોને કેવી રીતે વ્યાકરણ, સંગીત, વિજ્ઞાન, નાદશાસ્ત્ર, અણુવિજ્ઞાન કે નૃત્યશાસ્ત્ર સાથે સંબંધ છે. શિવલિંગની ધાર્મિક રીતે અને વૈજ્ઞાનિક રીતે શું ભૂમિકા છે એ આબાલવૃદ્ધ સહુ કોઇ સરળતાથી સમજી શકે એ રીતે આપણે પૂરો શ્રાવણ મહિનો શિવમહિમાનું આજની દૃષ્ટિએ રસપાન કરીશું. (ક્રમશ:)