ઈન્ટરવલ

ચોવક કહે છે: ભેખ ધર્યા પછી પણ મોહ છૂટવો મુશ્કેલ છે!

કચ્છી ચોવક -કિશોર વ્યાસ

એક ચોવક છે: “બાવો વિઠો જપે, નેં જુકો અચે સે ખપે ભેખધારી થયા પછી પણ સંસારિક વસ્તુઓનો મોહ ત્યાગવો ઘણો કઠિન છે. અહીં મૂકેલી ચોવકનો અર્થ એ જ થાય છે કે: મોહ ન છૂટવો. ભેખ ધારણ કર્યા પછી પણ ‘જે આવે તેનો ઉપભોગ કરવો’. અહીં જે ‘વિઠો’ શબ્દ છે તેનો અર્થ થાય છે: બેઠો. ‘જપે’ એટલે જપ કરે કે માળા ફેરવે. ‘નેં’ એટલે અને. ‘જુકો’નો અર્થ થાય છે: ‘જે’ (વસ્તુ) ‘અચે’ એટલે આવે, ‘સે’ એટલે તે કે એ અને ‘ખપે’નો અર્થ થાય છે જોઈએ, અહીં સ્વીકારી લેવું કે ઉપભોગ માટે રાખવી એવો અર્થ પણ થઈ શકે!

મુંબઈ સમાચારમાં દર અડવાડિયે પ્રકાશિત થતી ‘કચ્છી ચોવક’ કોલમ અને મુંબઈ સમાચારના પ્રભાવની વાત કરવાનું હું રોકી શકતો નથી. સૂરત રહેતા સુજ્ઞ ચોવક પ્રેમી કાર્તિક ભાનુશાલીએ મુંબઈ સમાચારમાં આવતી કચ્છી ચોવકોનું એક સોશિયલ ગ્રૂપ બનાવ્યું છે, અને સમગ્ર દેશ અને વિદેશમાં વસતા કચ્છી ચોવકોના પ્રેમીઓને તેના સભ્ય બનાવ્યા. એ ગ્રૂપ બનતાં જ નવી નવી ચોવકોનો વરસાદ વરસવા લાગ્યો અને સૌ સભ્યો પોતાની સમજ મુજબ તેના અર્થ જણાવે છે, કેટલાક તો વિદ્વતાપૂર્વક તેનો રસાસ્વાદ પણ કરાવે છે. ચોવકોને યોગ્ય મંચ આપવા માટે કેટલાકે મુંબઈ સમાચારનો આભાર પણ માન્યો છે. એમાં આવેલી કેટલીક ચોવકોને સ્થાન આપું છું.

શ્રી સાંઈ… નામથી આવેલી એક ચોવક છે: “સિજ ઓડો ને પંથ લમૂં ‘સિજ’ પહેલો શબ્દ છે, જેવો અર્થ થાય છે: સૂરજ. ‘ઓડો’ એટલે નજીક ‘પંથ’નો અર્થ થાય છે: રસ્તો કે માર્ગ. ‘લમૂં’ એટલે લાંબો. આપણે કોઈ પણ સ્થળથી સૂરજને જોઈએ તો એ સરખા અંતરે જ અને નજીક જ લાગે, પણ ખરેખર સૂર્ય પૃથ્વીથી ઘણો દૂર હોય છે. ‘સિજ ઓડો’ એટલે સૂર્ય નજીક અને ‘પંથ લમૂં’નો અર્થ છે, રસ્તો લાંબો. અહીં સૂરજને પ્રતીક બનાવીને ચોવક કહેવા એમ માગે છે કે: કોઈ પણ કાર્ય પૂરું કરવું આસાન નથી હોતું. એમ લાગે કે, અરે! એમાં શું! એ તો ચપટી વગાડતાં પૂરું થઈ જશે પણ એ શક્ય નથી હોતું. આભાર દોસ્ત, મુંબઈ સમાચાર વાંચતા અને વંચાવતા રહેજો.

હરેશ ગડા નામના ચોવક રસિકે એક નવી જ ચોવક મોકલી છે: “કુંભાર બાય઼ડી સેં ન પૂજે ત ગડોડીની કન વાટે. ‘બાય઼ડી’નો અર્થ થાય છે: પત્ની. ‘ન પૂજે’ એ બે શબ્દોનો સમૂહનો અર્થ થાય છે: ન પહોંચે (અહીં કાંઈ કહી ન શકે તેવા અર્થમાં) ‘ત’ એટલે ત્યારે અને ‘ગડો઼ડી’ એટલે ગધેડી, ‘ની’ એટલે ‘ના’, ‘કન’નો અર્થ થાય છે: કાન અને ‘વાટે’ એટલે આમળે! આપણે ઘણી વાર બોલતા હોઈએ છીએં કે, ‘એકના ખાર બીજા પર કાઢવા’! બસ એવું જ આ ચોવકના કુંભારનું સમજવું! એ જ્યારે પત્નીને કંઈ કહી ન શકે ત્યારે તેના ખાર ગધેડી કે ગધેડાના કાન આમળીને ગુસ્સો કાઢે!

એક બહુ જ બોધદાયક ચોવક છે: “વિઈ કે વા ય ન આપ઼ડે સીધો અર્થ થાય છે: જે પળ વિતી ગઈ તે પાછી નથી આવતી. ‘વિઈ’ એટલે થઈ અને ‘કે’ એટલે ને. ‘વા’ એટલે પવન. ‘પ’નો અર્થ છે: પણ, ‘આપ઼ડ’ એટલે આંબી શકે. જે ક્ષણ સરી ગઈ હોય તેને તો પવન પણ ન આંબી શકે!

એવું ઘણી ચોવકોમાં જોવા મળે છે કે, કહેવું કંઈક હોય અને તેનાં પ્રતીક જુદાં જ હોય! લો, આ ચોવક માણજો મિત્રો, ચોવક છે: “વાણીયેં જો વેશ, ભવાઈયો કઢે. અહીં ચતુર વાણિયા જ્ઞાતિને પ્રતીક બનાવાયું છે. શબ્દાર્થ તો સરળ છે: વાણિયાનો વેશ ભવાઈયો નાખે (ધરે)! પણ તેનો ભાવાર્થ તો વળી જુદો જ છે. અહીં દરેક શબ્દના અર્થ બતાવવાની મને જરૂર નથી લાગતી પણ ભવાઈયો જે જુદા જુદા વેશ નાખતો હોય તેમ એ વાણિયાનો વેશ નાખે છે તેવો સળંગ અર્થ છે. ચોવકને ખરેખર કહેવું એમ છે કે, “મોટા માણસોની નકલ કોઈ નાનો માણસ કરે! લાખ પ્રયત્ને પણ ભવાઈયો અસલી વાણિયો નથી બની શકતો તેમ મોટા માણસોની નકલ કોઈ કરે… એ માત્ર નકલ જ હોય છે.. અસલિયતથી ખૂબ જ દૂર..!!

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button