બાંગ્લાદેશ સત્તાપલટો : રાષ્ટ્રપતિ મોહમ્મદ શાહબુદ્દીને સંસદને કરી ભંગ
ઢાકા: ભારતના પાડોશી દેશ બાંગ્લાદેશમાં ઝડપભેર પરિસ્થિતીઓ બદલાઈ રહી છે. દેશમાં હિંસાના વાતાવરણ વચ્ચે રાષ્ટ્રપતિ મોહમ્મદ શાહબુદ્દીને સંસદ ભંગ કરી દીધી છે. આ સાથે દેશના પૂર્વ વડાપ્રધાન ખાલિદા જિયાને પણ જેલમાંથી મુક્ત કરવામાં આવી છે. બાંગ્લાદેશમાં વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓએ બપોરે 3 વાગ્યા સુધીમાં સંસદ ભંગ કરવાનું અલ્ટીમેટમ આપ્યું હતું. શેખ હસીનાએ સોમવારે બાંગ્લાદેશના વડા પ્રધાન પદેથી રાજીનામું આપીને દેશ છોડ્યા પછી સર્જાયેલી અરાજકતા વચ્ચે દેશભરમાં હિંસાની ઘટનાઓમાં 100 થી વધુ લોકોના મોત થયા છે.
પાડોશી દેશ બાંગ્લાદેશની સ્થિતિને લઈને ભારત સતત નજર રાખી રહ્યું છે. બાંગ્લાદેશમાં લઘુમતીઓ અંગેની પરિસ્થિતિ પર ભારતની નજર છે અને તેના રાજદ્વારી મિશન દ્વારા ત્યાંના ભારતીય સમુદાય સાથે “નજીક અને સતત” સંપર્કમાં છે. રાજ્યસભામાં એક નિવેદનમાં, વિદેશ પ્રધાન એસ જયશંકરે ભૂતપૂર્વ વડા પ્રધાન શેખ હસીનાની “અત્યંત ટૂંકી સૂચના” પર “હાલ માટે” ભારતની મુલાકાત લેવાની વિનંતી વિશે પણ માહિતી આપી હતી. તેમણે કહ્યું કે પડોશી દેશમાં આ જટિલ અને હજુ પણ અસ્થિર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ભારતે તેના સીમા સુરક્ષા દળોને સાવધ રહેવા સૂચના આપી છે.
આ પણ વાંચો :શેખ હસીનાએ દેશ છોડ્યા બાદ પણ બાંગ્લાદેશમાં હિસાનો દોર ચાલુ
એસ જયશંકરે કહ્યું, “સેનાના વડા જનરલ વકાર-ઉઝ-ઝમાને 5 ઓગસ્ટે રાષ્ટ્રને સંબોધન કર્યું હતું અને જવાબદારી સ્વીકારવા અને વચગાળાની સરકાર બનાવવાની વાત કરી હતી. ભારત તેના રાજદ્વારી મિશન દ્વારા બાંગ્લાદેશમાં ભારતીય સમુદાય સાથે ગાઢ અને સતત સંપર્કમાં છે. તેમણે કહ્યું કે ભારત લઘુમતીઓની સ્થિતિને લઈને પણ નજર રાખી રહ્યું છે. તેમણે કહ્યું કે ભારતના બાંગ્લાદેશ સાથે દાયકાઓથી ગાઢ સંબંધો છે, ત્યાંની સ્થિતિએ આપણી પણ ચિંતા વધારી છે.
બાંગ્લાદેશની પરિસ્થિતિને લઈને વાત કરતાં કહ્યું હતું કે ત્યાંની સ્થિતિ જૂનથી બગડવાની શરૂઆત થઈ હતી અને તે સિલસિલો અત્યાર સુધી ચાલુ છે. તેમણે કહ્યું કે પાડોશી દેશમાં જે કંઈ પણ થયું તેનો એક મુદ્દાનો એજન્ડા એ હતો કે વડા પ્રધાન શેખ હસીના રાજીનામું આપી દે. તેમણે કહ્યું કે બાંગ્લાદેશમાં હિંસા અને અસ્થિરતાની પરિસ્થિતિએ તમામ રાજકીય પક્ષોની ચિંતા વધારી છે.