શેખ હસીનાએ દેશ છોડ્યા બાદ પણ બાંગ્લાદેશમાં હિસાનો દોર ચાલુ
શેખ હસીનાએ પીએમ પદેથી રાજીનામું આપી દેશ છોડ્યા પછી પણ બાંગ્લાદેશમાં હિંસા અટકી નથી, છેલ્લા 24 કલાકમાં સમગ્ર બાંગ્લાદેશમાં ફેલાયેલી હિંસામાં 100થી વધુ લોકો માર્યા ગયા છે. સ્થાનિક મીડિયાના અહેવાલો અનુસાર શેખ હસીનાએ દેશ છોડ્યા બાદ ઢાકામાં વાતાવરણ ખૂબ જ ખરાબ રહ્યું હતું અને ઘણી જગ્યાએ આગજનીની ઘટનાઓ બની હતી. નેતાઓ, અધિકારીઓ અને ઘણી સંસ્થાઓ પર હુમલા થયા હતા. હિન્દુ મંદિરોને પણ નિશાન બનાવવામાં આવ્યા હતા.
બાંગ્લાદેશમાં શેખ હસીનાના પક્ષ અવામી લીગના ઘણા નેતાઓના ઘરો પર હુમલા કરવામાં આવ્યા છે. ઉપદ્રવીઓ વડા પ્રધાનના નિવાસસ્થાનમાં ઘૂસ્યા હતા તેમ જ રાજધાની ઢાકા અને બહારના વિસ્તારોમાં હસીનાની અવામી લીગ સરકારના પ્રધાનો, પાર્ટીના સાંસદો અને નેતાઓના રહેઠાણો અને વ્યવસાયિક સંસ્થાઓ પર પણ હુમલા કરવામાં આવ્યા હતા. અનેક સરકારી ઓફિસોને આગ ચાંપી દેવામાં આવી હતી. સ્થાનિક મીડિયાના અહેવાલો અનુસાર, રાજધાનીમાં અને હિંદુ મંદિરો પર હુમલા અને મોટા પાયે લૂંટ સહિતની હિંસામાં લગભગ 100 લોકો માર્યા ગયા હતા.
શેખ હસીનાના રાજીનામા પહેલા જ બાંગ્લાદેશમાં 24 કલાકમાં 100થી વધુ લોકોના મોત થયા હતા. આ પછી ઉપદ્રવીઓના ટોળાએ પીએમ આવાસ તરફ કૂચ કરી હતી. એક રિપોર્ટ અનુસાર બાંગ્લાદેશમાં 16 જુલાઈથી અત્યાર સુધીમાં લગભગ 500 લોકોની હત્યા કરવામાં આવી છે. મોટાભાગના લોકોને ગોળી વાગી છે. હજારો લોકો ઘાયલ થયા હોવાનું કહેવાય છે. ઢાકાની બહાર પણ હિંસા થઈ રહી છે. અહીં થયેલા ગોળીબારમાં દસ લોકો માર્યા ગયા હતા. બીજી તરફ, રાષ્ટ્રપતિ મોહમ્મદ શહાબુદ્દીને તમામ રાજકીય પક્ષોને દેશમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને સામાન્ય બનાવવા કહ્યું છે અને સશસ્ત્ર દળોને લોકોના જીવન અને સંપત્તિ અને રાજ્યની સંપત્તિની સુરક્ષા માટે કડક પગલાં લેવાનો નિર્દેશ આપ્યો છે.
આ પણ વાંચો : વાંચો .. Bangladesh માં શેખ હસીના સરકારને ઉથલાવવાની ઇનસાઇડ સ્ટોરી
ચાલી રહેલી હિંસા વચ્ચે બાંગ્લાદેશમાંથી કેટલાક રાહતના સમાચાર પણ આવ્યા છે. લાંબા સમયથી બંધ રહ્યા બાદ મંગળવારે ઢાકામાં શૈક્ષણિક સંસ્થાઓ ચાલુ થઇ ગયા હતા. જોકે, સ્કૂલોમાં વિદ્યાર્થીઓની હાજરી ઘણી પાંખી જોવા મળતી હતી. જોકે, એક ગર્લ્સ સ્કૂલ દ્વારા જારી કરાયેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે વિદ્યાર્થીઓની હાજરી ઓછી છે પરંતુ ધીમે ધીમે સ્થિતિ સામાન્ય થઈ જશે.
બળવા અને હિંસા બાદ બાંગ્લાદેશ ચર્ચામાં આવી ગયું છે. બાંગ્લાદેશમાં હિંસા અને આગજની વચ્ચે ઉપદ્રવીઓએ હવે લઘુમતી હિન્દુઓને નિશાન બનાવવાનું શરૂ કર્યું છે. હિન્દુઓના ઘર અને દુકાનોને આગ લગાડવામાં આવી રહી છે, બાંગ્લાદેશમાં બનેલા હિન્દુ મંદિરો પણ હવે આ હિંસાનો શિકાર બન્યા છે. બાંગ્લાદેશના મહેરપુર ઈસ્કોન મંદિરમાં પણ આગ લગાવવામાં આવી છે. જો કે, આ પહેલીવાર નથી કે જ્યારે હિન્દુ મંદિરોને નિશાન બનાવવામાં આવ્યા હોય, અગાઉ 2021, 2022 અને હવે 2024માં બાંગ્લાદેશના ઈસ્કોન મંદિર પર ત્રણ હુમલા થઈ ચૂક્યા છે.
બાંગ્લા દેશમાં વર્ષોથી હિંદુઓ પર અત્યાચાર થઇ રહ્યા છે. બાંગ્લાદેશની વસ્તીમાં હિંદુઓનો હિસ્સો 1951માં 22 ટકા હતો જે ઘટીને 2022માં 8 ટકાથી પણ ઓછો થઈ ગયો છે, જ્યારે મુસ્લિમોની વસ્તી 1951માં 76 ટકાથી વધીને 91 ટકાથી વધુ થઈ ગઈ છે.