સ્ત્રી સન્માન ? અમદાવાદના સિંધુભવન રોડ પરની ઘટના હચમચાવી નાખશે તમને

તાજેતરમાં જ લોકસભા-રાજ્યસભામાં સ્ત્રીશક્તિ વંદન બિલ પસાર થયું. વડા પ્રદાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના બે દિવસીય પ્રવાસ દરમિયાન પણ સ્ત્રી સન્માનની વાત કરી. સ્ત્રીઓનું દરેક ક્ષેત્રમાં યોગદાન અમૂલ્ય હોવાની પણ વાતો થાય છે, પરંતુ લગભગ છાશવારે બનતી ઘટનાઓ આપણને એક જ વાત વિચારવા મજબૂર કરે છે કે શું આપણે ખરેખર સ્ત્રીઓ પ્રત્યે સન્માનની ભાવના રાખીએ છીએ. ગુજરાતના અમદાવાદના પૉશ ગણાતા સિંધુ ભવન વિસ્તારની એક ઘટના પણ આનું ઉદાહરણ છે.
અમદાવાદમાં એક તરફ મહિલાઓની સન્માનની વાતોમાં અનેક કાર્યક્રમો થઈ રહ્યા છે. ત્યારે અમદાવાદના સિંધુભવન રોડ પર આવેલા કોમ્પ્લેક્સમાં એક 24 વર્ષીય યુવતીને ઢસડી ઢસડીને માર મારવામાં આવી રહ્યો હોય તેવો વીડિયો બહાર આવ્યો છે. પ્રાથમિક માહિતી અનુસાર આ વીડિયો સ્પા ગર્લનો હોવાનું જાણવા મળી રહ્યું છે. યુવતી સાથે જે પ્રકારે વર્તન કરવામાં આવી રહ્યું છે તે ખૂબ આઘાત આપનારું છે. આખા વીડિયોની અંદર આસપાસ લોકો પણ દેખાય છે પણ યુવતીને યુવક મારી રહ્યો છે. આ સમગ્ર મામલે હજી સુધી પોલીસે કોઈ ફરિયાદ દાખલ કરી નથી અને સીસીટીવી મળ્યા બાદ આરોપીને શોધવાનો પ્રયાસ કરી રહ્યા છે.

આ અંગે બોડકદેવ પોલીસ સ્ટેશનના સૂત્રોના જણાવ્યા અનુસાર સીસીટીવી એનાલિસિસ કરીને સ્પાના સંચાલક અને માર મારતા યુવકની કડી શોધવાનો પ્રયાસ પોલીસ કરી રહી છે અને ટૂંક સમયમાં તેની ધરપકડ કરીને તેની સામે કાર્યવાહી કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. બીજી તરફ ભોગ બનનાર યુવતીને શોધવા માટે પણ પ્રયાસ શરૂ કર્યા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદના સિંધુ ભવન રોડ પર ચાલતા એક સ્પા બહારનો આ વીડિયો છે. આ વીડિયોમાં સ્પા પાસે યુવક એક યુવતીને ખૂબ જ ક્રૂરતાપૂર્વક માર મારી રહ્યો છે. યુવતીને એટલો માર મારવામાં આવે છે કે અંતે તો તેના ઉભા થવાના પણ હોશ રહેતા નથી.
મળતી માહિતી અનુસાર આ યુવતીને સ્પાનો સંચાલક જ મારી રહ્યો છે. તેને મારી તેના વાળ પકડી તેને દિવાલમાં ભટકાડવામાં આવે છે. એક જણ તેને બચાવવાની કોશિશ કરે છે, પણ યુવક યુવતીને છોડતો જ નથી. અત્રે ઉલ્લેખનીય છે કે શહેરોમાં સ્પાની આડમાં યુવતીઓ પાસે દેહવ્યાપાર કરવાના બનાવો બનતા રહે છે. ખાસ કરીને નેપાળથી લાવવામાં આવતી યુવતીઓનું શોષણ થાય છે. આ કેસમાં પણ આ પ્રકારનું કોઈ કારણ છે કે પછી બીજું કોઈ, તે યુવતી મળ્યા બાદ માલૂમ થશે, પરંતુ જે તસવીરો સામે આવી રહી છે તે હચમાચાવી દેનારી અને વિચારતા કરી મૂકે તેવી છે.