કેલ એક એવી ભાજી જેમાં એક સાથે ૬ વિટામિનનો ખજાનો
સ્વાસ્થ્ય સુધા -શ્રીલેખા યાજ્ઞિક
ગાંધી બાપુ હંમેશાં કહેતાં કે ‘સોનું કે ચાંદી નહીં પરંતુ તંદુરસ્ત સ્વાસ્થ્ય વ્યક્તિની સાચી સંપત્તિ છે’. નિષ્ણાત ડૉક્ટર, આયુર્વેદાચાર્ય કે પછી આહારશાસ્ત્રી હોય પ્રત્યેક વ્યક્તિ શરીરને પૂરતું પોષણ મળી રહે તે માટે વિવિધ વિટામિનનો આહારમાં સમાવેશ કરવાનું સૂચવતાં હોય છે. શું આપને ખ્યાલ છે કે શરીરના પ્રત્યેક અંગો માટે વિટામિન અગત્યની ભૂમિકા ભજવે છે. જેને કારણે વ્યક્તિ રોજબરોજનું કામ સરળતાથી કરી શકે છે. જો શરીરમાં કોઈ એક વિટામિનની ઊણપ સર્જાય તો નબળાઈ વર્તાવા લાગે. ઊંઘ ના આવતી હોય તો શરીરમાં મેગ્નેશિયમ ઓછું હોય તેમ બની શકે. મીઠાવાળા હૂંફાળા પાણીમાં પગ બોળી રાખવાથી ગાઢ નિંદર આવી જશે. સાથે સાથે નિષ્ણાત ડૉક્ટરની સલાહ લેવી આવશ્યક બની જાય છે. અનેક વખત શરીરમાં નબળાઈ વર્તાય ત્યારે લોહીમાં હિમોગ્લોબીનનું પ્રમાણ ઘટી ગયું હોય તેમ બની શકે. તે માટે આયર્નયુક્ત આહાર લેવો જોઈએ. પેટની તકલીફથી બચવા માટે ફાઈબરયુક્ત ખોરાક લેવો જોઈએ. તો હવેથી વિટામિનયુક્ત આહાર અપનાવીને સ્વની તેમજ કુટુંબીજનોની તંદુરસ્તી જાળવજો. ફાસ્ટફૂડ, તૈયાર પેકેટ ફૂડ, તળેલું, મેંદો-કૉર્નસ્ટાર્ચનો ઉપયોગ મર્યાદિત માત્રામાં કરવાની આદત પાડવી જોઈએ.
રોજ સવાર પડે ને પ્રત્યેક ભારતીય ગૃહિણીને એક સવાલ અચૂક ઊભો થાય કે આજે ક્યું શાક બનાવવું? કે આજે સલાડમાં શું બનાવું? આજે આપણે જે ભાજીની વાત કરવાના છીએ તેને ‘લીફ કૈબેજ’ તરીકે ઓળખવામાં આવે છે. પત્તા કોબી, ફ્લાવર તેમજ બ્રોકલીના પરિવારની ગણવામાં આવે છે. સામાન્ય રીતે મોસમી શાકભાજીનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. કેલ કાલે કે કરમસાગ તરીકે ઓળખાતી ભાજીની વાત કરીશું. જેમાં એક સાથે છ વિટામિન્સનો ખજાનો સમાયેલો છે. આ ભાજી માટે એવું કહેવાય છે કે તેના ઉપયોગ દ્વારા વ્યક્તિ અનેક બીમારીથી બચી શકે છે.
તંદુરસ્ત સ્વાસ્થ્ય માટે વિટામિન્સની યોગ્ય માત્રા જળવાઈ રહે તે આવશ્યક છે. વિટામિન શરીરમાં વિવિધ એન્ઝાઈમ, હાર્મોન, તેમજ રક્ત બનાવવામાં મદદ કરે છે. રક્તકોશિકાની મજબૂતાઈ જાળવી રાખવામાં ઉપયોગી બને છે. મુખ્યત્વે ૧૩ વિટામિન્સ હોય છે. બધા જ વિટામિનના ગુણો એક જ ભાજીમાં સમાયેલાં હોય તેવું અશ્કય છે. કેટલાંક શાકભાજી એવા છે જેમાં એક સાથે ૬-૬ વિટામિન્સના ગુણો સમાયેલાં જોવા મળે છે. તેમાં કેલ ભાજીનો સમાવેશ થાય છે. કેલની ભાજી બ્રોકલી કુળનો છોડ ગણાય છે. તેનો ઉપયોગ સલાડ તરીકે જ્યૂસ તેમજ પકાવીને કરી શકાય છે. કોબીના પાન જેવા દેખાય છે. લીલા તેમજ જાંબુડી રંગની જોવા મળે છે.
કેલને વિટામિન્સનું પાવરહાઉસ ગણવામાં આવે છે. કેલમાં વિવિધ પ્રકારના વિટામિન બીનું પ્રમાણ જોવા મળે છે. જેમ કે વિટામિન બી-૬ (પાઈરિડોક્સિન), બી-૯(ફૉલેટ), વિટામિન બી-૨(રાઈબોફ્લેવિન). શરીરમાં લાલરક્તકણો બનાવવા માટે વિટામિન બી -૯ તથા વિટામિન બી-૧૨ એકસાથે કામ કરે છે. જેથી શરીરમાં લોહીની ઊણપ થાય નહીં. વળી વિટામિન એ, વિટામિન સી, વિટામિન કે નું પ્રમાણ સમાયેલું જોવા મળે છે. વિટામિન સી શરીર માટે રોગપ્રતિકારક શક્તિની ખાણ ગણાય છે. તેની માત્રા શરીરમાં જળવાઈ રહેવાથી વ્યક્તિ ચેપી રોગની બીમારીથી બચી શકે છે.
કાર્બોહાઈડ્રેટસ, ફાઈબર, મેંગેનિઝ, કૅલ્શિયમ, પોટેશિયમ, મેગ્નેશિયમ તેમજ આયર્ન જેવા પોષક સત્ત્વો સમાયેલાં
હોય છે.
વળી લીલા શાકભાજીમાં ઍન્ટિ-ઓક્સિડન્ટનું પ્રમાણ ભરપૂર જોવા મળે છે. જેને કારણે મોટી બીમારી જેવી કે હૃદયરોગ, કૅન્સર, ડાયાબિટીસ વગેરેના જોખમથી બચી શકાય છે. વિટામિન સીમાં રહેલું કૉલેજન સિંથેસિસમાં વૃદ્ધિ કરે છે જેને કારણે ત્વચાની નીચે મુલાયમ કમ્પાઉન્ડ ભરાઈ જાય છે. જેને કારણે ત્વચા ચમકીલી બને છે.
વિટામિન કેનો ખજાનો
ફૂડ ડેટા સેન્ટ્રલમાં દર્શાવવામાં આવેલાં આંકડા મુજબ વિટામિન કે ન્યૂટ્રિઍન્ટસ્ બ્લડ ક્લૉટિંગ કરીને ઘાને રૂઝ આવવામાં મદદ કરે છે. વળી હાડકાંની મજબૂતાઈ જાળવી રાખવામાં ઉપયોગી ગણાય છે, કૅલ્શિયમનો સાચો દોસ્ત ગણાય છે.
વિટામિન એ
વિટામિન એ બીજું સૌથી વધુ અગત્યનું વિટામિન ગણાય છે. આંખોની તંદુરસ્તી જાળવવામાં મદદ કરે છે. વળી ત્વચાને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. રોગના સંક્રમણથી બચાવે છે.
વિટામિન ઈ
વિટામિન ઈ પાચનતંત્ર, ત્વચા, આંખ, મગજનું કાર્ય સુચારૂ રીતે ચાલે તે માટે આવશ્યક છે. જે સૂકામેવામાં મળી રહે છે. કેટલાંક લોકોને સૂકામેવાથી એલર્જી થાય છે. તો અનેક લોકોને તેની કિંમત પરવડતી નથી. આવા સંજોગોમાં કેલ કે કરમસાગનું સેવન કરવાથી લાભ મળે છે.
વિટામિન સી
રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય, ત્વચા કે વાળ સંબંધિત સમસ્યા હોય, વાગ્યા બાદ ઝડપથી રૂઝ ન આવતી હોય તો આવા સંજોગોમાં વિટામિન સીની ઊણપ શરીરમાં હોઈ શકે છે. કેલની ગણના વિટામિન સીથી ભરપૂર ભાજીમાં થાય છે. જે શરીરની રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવવામાં મદદ કરે છે.
કેલનું શાક
સામગ્રી: ૧ મોટી ઝૂડી કેલ, દોઢ ચમચી તેલ, ૧ નાની ચમચી જીરું, ચપટી હિંગ, ૨ નંગ સૂકા લાલ મરચાં, ૧ નંગ લીલું મરચું ઝીણું સમારેલું, ૧ ચમચી આદુંની કતરણ,અડધી ચમચી આમચૂર પાઉડર, ૧ ચમચી કૂટેલા આખા ધાણા, સ્વાદાનુસાર મીઠું
બનાવવાની રીત : કેલને બરાબર સાફ કરીને ચારણીમાં રાખવી. પાણી બરાબર નીતરી જાય તે જોવું. ઝીણી સમારી લેવી. એક કડાઈમાં તેલ લેવું. તેમાં જીરું, આખા લાલ મરચાં, હિંગ નાખીને થોડું સાંતળવું. કેલની ભાજી ભેળવીને ધીમા તાપે ૨ મિનિટ સાંતળવું. મીઠું, ધાણા, આમચૂર પાઉડર ભેળવીને થોડું પાણી છંટકારીને ૫ મિનિટ માટે પકાવવું. બાઉલમાં કેલની ભાજી કાઢીને લેવી. ગરમાગરમ રોટલી કે પરાઠા સાથે તેનો સ્વાદ માણી શકાય છે.
પાચનતંત્રને મજબૂત બનાવે
કેલનું પ્રમાણભાન રાખીને નિયમિત સેવન કરવાથી પાચન સંબંધિત પ્રશ્ર્નોનો ઝડપી ઉકેલ મળે છે. પ્રોબાયોટિક્સથી ભરપૂર હોવાને કારણે તેમજ ફાઈબરની માત્રા વધુ હોવાને કારણે પાચનતંત્રની ગરબડને ઝડપથી સુધારે છે.
આયર્નનું મુખ્ય સ્ત્રોત
મહિલાઓને પિરિયડસ્ દરમિયાન શરીરમાં નબળાઈ વર્તાય છે. તેનાથી બચવા માટે કેલનું સેવન શ્રેષ્ઠ ગણાય છે. તેને કારણે શરીરમાં હિમોગ્લોબીન તેમજ એન્ઝાઈમના નિર્માણમાં મદદ મળે છે.શરીરમાં આયર્નની માત્રા વધે છે.
હૃદયની તંદુરસ્તી માટે લાભકારી
કેલનું સેવન કરવાથી કૉલેસ્ટ્રોલને નિયંત્રણમાં રાખવામાં મદદ મળે છે. એક અધ્યયન મુજબ કેલનો જ્યૂસ પીવાથી લોહીમાં સારું કૉલેસ્ટ્રોલ (એચડીએલ)ની માત્રા વધે છે. કોરોનરી આર્ટરી ડિસીઝના ખતરાથી બચી શકાય છે. હૃદયની તંદુરસ્તી માટે કેલનો ઉપયોગ આહારમાં લાભકારક બને છે. પોટેશિયમની માત્રા સારા પ્રમાણમાં હોવાથી બ્લડ પ્રેશરને નિયંત્રણમાં રાખવામાં મદદ કરે છે.
આંખના સ્વાસ્થ્ય માટે લાભકારી
નાનાં બાળકોથી લઈને વડીલ વર્ગને આંખોની કોઈને કોઈ સમસ્યા જોવા મળે છે. તે માટે સતત ટી.વી, મોબાઈલ, કૉમ્પ્યુટર વગેરેનો અમર્યાદિત ઉપયોગ જવાબદાર ગણાય છે. તેમજ બહારની ચટપટી વાનગીઓની સાથે સૉસ-ચટણી વારંવાર ખવાતાં હોય છે. બિન-પોષણયુક્ત હોવાને કારણે જે લાંબે ગાળે આંખોની તકલીફને નિમંત્રણ આપે છે. નાની વયમાં ચશ્માં, ઓછું દેખાવાની સમસ્યા સર્જાય છે. તેનાથી બચવા માટે લીલા પત્તેદાર શાકભાજીનો સમાવેશ આહારમાં જરૂરી બની જાય છે. કેલનો ઉપયોગ કરવાથી આંખોની તંદુરસ્તીમાં સુધાર આવે છે. તેનું મુખ્ય કારણ તેમાં વિટામિન એની સાથે તેમાં લ્યૂટેન જિજૈન્થિનની માત્રા ભરપૂર સમાયેલી છે. જે આંખોના સ્વાસ્થ્ય માટે લાભકારક ગણાય છે.
સ્વાસ્થ્યવર્ધક ગુણો
વજન ઘટાડવામાં મદદરૂપ : કેલમાં પોષક તત્ત્વોની માત્રા ભરપૂર છે. તેનું પ્રમાણભાન રાખીને સેવન કરવાથી વજનને ઘટાડવામાં મદદ મળે છે. પ્રોટીન તેમજ ફાઈબરની સાથે ઓછી માત્રામાં એનર્જી ડેંસિટી હોય છે. જેને કારણે કેલનું સેવન ર્ક્યા બાદ લાંબા સમય સુધી ભૂખ લાગતી નથી.