તરોતાઝા

એડજસ્ટમેન્ટ ડિસઑર્ડર:આ તે વળી કઇ બલાનું નામ છે?

આરોગ્ય -નિધી ભટ્ટ

અશોક (નામ બદલ્યું છે) હમણાં હમણાંનો ઘણો જ બદલાયેલો લાગતો હતો. તેના દિવસની શરૂઆત જ ચીડિયાપણાથી થતી હતી. પૂરો દિવસ જાણે સાવ નિરાશામાં પસાર થતો હતો. ઓફિસમાંથી ઘરે આવીને મોબાઇલ સ્વિચ ઑફ કરી પડ્યો રહેતો હતો. તેના મા-બાપે પણ ઘણી વાર આ બાબતે પૂછ્યું હતું. પરંતુ ખાસ કંઇ નથી એમ કહીને તે તેમની પૃચ્છાને ટાળતો હતો. તેના માબાપને હવે ખરેખર ચિંતા થવા લાગી હતી.

ઘરની જેમ ઑફિસમાં પણ એ સાવ અબોલ-શાંત બની રહેતો. તેને જાણે દરેક વાતે કંટાળો આવતો હતો. તે એના સહયોગી કર્મચારીઓને પણ ટાળતો હતો. ડૅસ્ક પર જ ડબ્બો ખાઇ લેવાનો અને પાછું કામમાં ખૂંપી જવાનું. કામમાંય જોઇએ એવું ધ્યાન નહોતો આપી શકતો. સમય પસાર કરવા અને બિઝી રહેવા એ લૅપટોપમાં માથું ઘાલીને બેસી રહેતો.

અશોકની બાબતે હજી એક ઘટના બનતી રહેતી હતી. તેને મોબાઇલથી ખૂબ ડર લાગવા લાગ્યો હતો. એક વાર તો એણે તણાવમાં આવી જઇને મોબાઇલને જમીન પર પટક્યો પણ હતો, પરંતુ બાદમાં પસ્તાવો થતાં રિપેર કરાવી લીધો હતો. આવી તાણભરી પરિસ્થિતિ વધતી જતી હતી એટલે તેણે છેવટે કોઇ કાઉન્સેલરને મળવાનું નક્કી કર્યું.

પહેલા સેશનમાં રોહને પોતાના વિશે માહિતી આપી. ત્યારબાદ પોતાની તાણ વિશે, મોબાઇલના ડર વિશે બોલવાની શરૂઆત કરી.

‘તને મોબાઇલનો આટલો ડર કેમ લાગવા લાગ્યો છે?’ એવું પૂછતાં જ તેણે તરત જ જવાબ આપ્યો. ‘ડર કરતાંય મને એક પ્રકારની બેચેનીનો અનુભવ થતો હતો. મોબાઇલનો મેસેજ કે વૉટ્સઅપ ટૉન વાગે તો મને ટેન્શન આવે. એક જાતની ચીડ ચઢે. મોબાઇલ સામે જોવાનું પણ મન ન થાય.

‘ તને બધા જ મેસેજ જોવાનું નથી ગમતું? ’
‘ના, એવું નથી.’ આવું બોલીને અશોક થોડી વાર શાંત બેઠો. ‘ મને મારી ભાવિ પત્નીના મેસેજ કે કૉલ્સ આવે તો તાણ વધવા લાગે છે.’ આટલું બોલીને તેણે તાણનું કારણ કહેવાની શરૂઆત કરી.

હકીકતમાં અશોકની સગાઇ થઇ હતી અને ત્રણ મહિનામાં તો એ લગ્ન કરવાનો હતો, પણ લગ્ન નક્કી થયા બાદ એ ખૂબ તણાવ ભરી સ્થિતિમાં અને બેચેન રહેવા લાગ્યો, કારણ કે તેની ભાવિ પત્નીને લગ્ન બાદ અલગ રહેવાની ઇચ્છા હતી. જોકે, અશોકને પોતાના માબાપ જોેડે રહેવાની ઇચ્છા હતી.

‘ તો તેં એને સ્પષ્ટ કેમ ન કહ્યું કે તારે તારા વડીલ જોડે રહેવું છે.’ કાઉન્સેલરે કહ્યું.

‘મેડમ, તેણે અલગ રહેવા માટે હઠ ન હોતી કરી. ફક્ત તેણે તેની અપેક્ષા જણાવી હતી અને મેં ઑકે કહી દીધું. આને લઇને જ હવે હું ખૂબ તાણ અનુભવું છું. કારણ કે એકનો એક હોવાથી મારે મારાં માબાપ જોડે જ રહેવું છે. જે તેને હું સ્પષ્ટપણે કહી શકતો નથી.’ આટલું કહેતા તેનો ચહેરો રડવા જેવો થઇ ગયો.

‘ મેં તેની સાથે આ બાબત કબૂલ કરી લીધી છે, પણ હવે વિચાર કર્યા બાદ લાગે છે કે આ કબૂલાત કરવામાં મેં ઉતાવળ કરી. તે સ્વભાવની ખૂબ સારી છે. તેના સ્વભાવમાં ખૂલ્લાપણું છે. મને મળતી વખતે અને ફોન પર ખૂબ મોકળાશથી વાત કરતી હોય છે. અમારા ભાવિ સંસાર વિશે તેની કોઇ મોટી અપેક્ષાઓ કે મહત્ત્વાકાંક્ષાઓ નથી, પણ જે કંઇ છે તેનાથી મન બેચેન રહે છે.’ અશોકે મન મૂકીને વાત કરી.
કેવી બેચેની?

‘એ જ કે તેને જિંદગીમાં સુખી રાખી શકીશ કે નહીં?’

અશોકની આ મૂંઝવણ મોબાઇલને કારણે ન હોતી, પણ ભાવિ ઘટનાઓ આકાર લેવાની હતી તેને લીધે હતી જેના માટે તે માનસિક રીતે તૈયાર નહોતો. લગ્ન નક્કી થયા પછી તેને દૃષ્ટિકોણ જાણે નકારાત્મક થવા લાગ્યો હતો.

હવે આવી જ સ્થિતિ લાંબો સમય રહે તો તબીબી ભાષામાં ‘એડજસ્ટમેન્ટ ડિસઑર્ડર’ નામની બીમારીમાં પરિવર્તિત થઇ શકે છે.

આ અવસ્થાનું મૂળ લક્ષણ જ તણાવ અથવા નિરાશા છે. આ પરિસ્થિતિમાં માણસ નેગેટિવ વિચારો ધરાવતો અને અસ્વસ્થ બની જાય છે. તે સ્વભાવે ચીડિયો બની જાય છે. આ સ્થિતિમાં માણસ કોઇ અઘટિત પગલું પણ ભરી શકે છે.

અશોકનો ઉછેર તો અતિશય શિસ્તપ્રિય ઘરમાં થયો હતો. તેનાં માબાપ બન્ને શિક્ષક હતાં. તેની આસપાસના સગાસંબંધીઓ પણ કર્મઠ વૃત્તિના હતા. જેને લઇને તે પણ ધાકમાં અને શિસ્તમાં રહ્યો.આથી ઊલટું તેની ભાવિ પત્ની મોકળા વાતાવરણમાં ઉછરી હતી. એટલે તેનામાં વધુ ખુલ્લાપણું હતું. બન્નેના સ્વભાવમાં ભિન્નતા હોવા છતાં બન્ને એકમેકના પૂરક હોવાથી લગ્ન કરવાનો નિર્ણય લીધો હતો.

કાઉન્સેલરે અશોકને થોડા સમય માટે લગ્નના કોઇ પણ જાતના વિચાર ન કરવાનું કહ્યું. આ સમયમાં એ અત્યંત મુશ્કેલ એવા સ્વપરિવર્તનના દોરમાં જઇ રહ્યો હતો. અશોકની આ સારવાર બે મહિના ચાલી. જેમાં તેણે સંપૂર્ણ આત્મવિશ્ર્વાસ સાથે કામ કર્યા. પોતાના વિચારોને સ્પષ્ટતાપૂર્વક રજૂ કરવાનું શીખ્યો. પોતાના વિચાર વધુને વધુ સકારાત્મક અને તર્કશુદ્ધ કેમ કરવા એ પ્રત્યે જ ધ્યાન કેન્દ્રિત કર્યું. કારણ કે તેને જીવનમાં મહત્ત્વના પરિવર્તનને ઉત્સાહ અને આનંદથી સ્વીકારવું હતું. અંતે તેને આ બાબતમાં સફળતા મળીને જ રહી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button