જિમખાનામાં જતા યુવાનો બની રહ્યા છેબૉડી ઈમેજ ડિસઑર્ડરનો શિકાર
કવર સ્ટોરી -પ્રથમેશ મહેતા
મસલ ડિસ્મૉર્ફિયાથી પીડિત વ્યક્તિ કલાકો વ્યાયામ કરે છે, ડાયટિંગ કરે છે અને વારંવાર કેલેરી ગણે છે, ડિપ્રેશન અને હતાશાનો પણ અનુભવ કરે છે.
મસલ ડિસ્મૉર્ફિયા એક મેટલ ડિસઑર્ડર છે જેમાં વ્યક્તિને એમ લાગે છે કે તેની માંસપેશીઓ યોગ્ય રીતે વિકસી નથી. એક અભ્યાસ મુજબ જિમમાં જતા ૧૨ ટકા યુવાનો પોતાની બૉડીથી ખુશ નથી હોતા.
મસલ ડિસ્મૉર્ફિયા (બીડીડી) એક એવો મસલ ડિસઑર્ડર છે જેમાં ફિટ બૉડી ધરાવતી વ્યક્તિને પણ એમ થાય છે કે તે ફિટ નથી.
પોતાની ફિટનેસથી રહે છે નાખુશ:
બીડીડીથી પ્રભાવિત વ્યક્તિ પોતાની ફિટનેસને મામલે અસંતુષ્ટ રહે છે. સિક્સ પૅકથી લઈને ઍઈટ પૅક ઍબ્સ બનાવી લે છે છતાં તેને લાગે છે કે તેનાં મસલ્સ અન્ય કરતાં ઓછાં ડેવલપ છે.
દિલ્હીસ્થિત સી. કે. બિરલા હૉસ્પિટલમાં ઈન્ટરનલ મૅડિસિન ડૉક્ટર મનિષા અરોરાનું કહેવું છે કે આ ડિસઑર્ડરથી પીડિત વ્યક્તિ એ શારિરીક ઉણપોથી ચિંતિત રહે છે જે ખરેખર તેમનામાં હોતી નથી. ફિટનેસ સંબંધિત પોતાનું લક્ષ્ય પ્રાપ્ત કરી લીધું હોવા છતાં એ લોકો એ વાતથી પરેશાન રહેતા હોય છે કે તેમની માંસપેશીઓ પરફૅક્ટ નથી. પોતાની કલ્પના મુજબની કાયા પામવા એ લોકો જરૂરત કરતા વધુ સપ્લિમેન્ટસ લે છે અને હેવી વૅઈટ ઍક્સરસાઈઝ કરે છે. વારંવાર પોતાની બૉડીનો આકાર તપાસતા રહે છે અને અરીસાની સામે જતા ખચકાય છે. એટલે સુધી કે આ લોકો સામાજિક મેળવડાઓથી પણ દૂર રહે છે.
ગુરગ્રામસ્થિત મૈરિગો એશિયા હૉસ્પિટલમાં વરિષ્ઠ સલાહકાર-મનોવૈજ્ઞાનિક ડૉ. મુનિયા ભટ્ટાચાર્યનું કહેવું છે કે આ લોકો એટલા તણાવમાં રહે છે કે કેટલાક તો કોસ્મેટિક સર્જરીનો વિકલ્પ પણ અપનાવી લે છે. આ લોકોને સતત એવું લાગે છે કે મારી બૉડી અને મસલ્સ સારી રીતે ડેવલપ નથી થયા. આ લોકો જિમમાં કલાકો કસરત તો કરે જ છે, પરંતુ સાથેસાથે પ્રોટીન અને વિવિધ સપ્લિમેન્ટસ પણ લેવા માંડે છે અને તે તેમની રોજિંદી દિનચર્યા બની જાય છે.
ફિટનેસ ટ્રેનર પ્રભાત શુકલાનું કહેવું છે કે આવા લોકોને બૉડી બનાવવાની એવી ચાનક ચઢે છે કે તેઓ કોઈનું નથી સાંભળતા. તેમને કહો કે તમારું વજન પરફેક્ટ છે, મસલ્સનો ગ્રોથ પણ સારો છે તો પણ તેઓ વિશ્ર્વાસ નથી કરી શકતા. ઈન્ટરનેશનલ ઓસીડી ફાઉન્ડેશનના રિપોર્ટ મુજબ વિશ્ર્વમાં લગભગ ૧૨ ટકા પુરુષ મસલ્સ ડિસ્મોર્ફિયાનો શિકાર છે. બીબીસીના એક રિપોર્ટ મુજબ યુકેમાં જિમમાં જતી પ્રત્યેક દસ વ્યક્તિએ એક મસલ ડિસ્મોર્ફિયાનો શિકાર બને છે. સમગ્ર વિશ્ર્વમાં આ ડિસઑર્ડરનો શિકાર બનનારાંઓમાં ૯૯.૯૯ ટકા પુરુષો હોય છે.
શું છે લક્ષણ?
ફિઝિશિયન સંજય મહાજનનું કહેવું છે કે આ ડિસઑર્ડરથી પીડિત વ્યક્તિ પોતાનાં રૂપ અને શરીરનાં આકાર પર ખૂબ ધ્યાન આપે છે. કોઈ પણ ખામી જણાય તો તેઓ કોસ્મેટિક સર્જરીનો આસરો લેતાં પણ ખચકાતાં નથી. તેઓ તૈયાર થવામાં કલાકો વીતાવે છે. દિવસના અનેક કલાક તેઓ જિમમાં વીતાવે છે. ખૂબ કસરત કરે છે અને માંસપેશિઓને મજબૂત કરવા જરૂરિયાત કરતા વધારે પ્રોટીન લે છે. આ લોકોનું ધ્યાન પરિવાર અને નોકરીને બદલે બૉડી બનાવવા પર જ હોય છે.
કૉગ્નિટિવ બિહેવિયરલ થેરેપીથી કરવામાં આવે છે ઈલાજ
જે લોકોને આ સમસ્યા સતાવે છે એ લોકો એ સમજવા સક્ષમ નથી હોતા કે તેઓ કોઈ બીમારીથી પીડાઈ રહ્યા છે અને તેની સામે ઝઝૂમી રહ્યા છે. આ કારણે જ તેમની વાતો ધ્યાનથી સાંભળો અને ત્યાર બાદ જ ઈલાજ કરાવો. ડૉ. મનિષા અરોરાનું કહેવું છે કે આ સમસ્યાનો ઈલાજ કૉગ્નિટિવ બિહેવિયરલ થેરેપી (સીબીટી)થી કરવામાં આવે છે અને દવાઓ પણ આપવામાં આવે છે તો અન્ય એક ડૉ. મુનિયાનું કહેવું છે કે જ્યારે આ ડિસઑર્ડર તેની ચરમસીમાએ પહોંચે છે ત્યારે અમે દવા લેવાની સલાહ આપીએ છીએ.