આમચી મુંબઈમહારાષ્ટ્ર

ફડણવીસના ઈશારે પરમબીર સિંહે મારા પર આક્ષેપો કર્યા: અનિલ દેશમુખ

નાયબ મુખ્ય પ્રધાને આરોપો નકારી કાઢ્યા

મુંબઈ: મહારાષ્ટ્રના ભૂતપૂર્વ ગૃહ પ્રધાન અનિલ દેશમુખે સોમવારે એવો દાવો કર્યો હતો કે નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે મહાવિકાસ આઘાડીની સરકારને તોડી પાડવા માટે મુંબઈના ભૂતપૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહને દેશમુખ સામે આરોપો કરીને ધરપકડમાંથી બચાવવાનો પ્રયાસ કર્યો હતો.

ફડણવીસે જોકે, દેશમુખના આરોપો નકારી કાઢતાં તેને જુઠાણા ગણાવ્યા હતા, પરંતુ આ બાબતે વિસ્તૃત ખુલાસો કર્યો નહોતો.

આ પણ વાંચો: ફડણવીસ રાજકીય વેર લઈ રહ્યા છે: અનિલ દેશમુખ

ભાજપે કહ્યું હતું કે આ ફડણવીસને બદનામ કરવાની વ્યૂહરચના છે. તેમણે એવો સવાલ પણ કર્યો હતો કે વિપક્ષમાં રહેલો નેતા કેવી રીતે કોઈ પોલીસ અધિકારીને આવું કરવા માટે કહી શકે છે?

ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વ હેઠળની સરકાર રાજ્યમાં 2021માં હતી ત્યારે પરમબીર સિંહે બાર અને રેસ્ટોરન્ટ્સ પાસેથી રૂ. 100 કરોડ વસૂલ કરવાનું ટાર્ગેટ આપ્યાનો આક્ષેપ કર્યા બાદ એનસીપી (એસપી)ના નેતા દેશમુખે ગૃહ પ્રધાન તરીકે રાજીનામું આપ્યું હતું.

દેશમુખે એવો પણ દાવો કર્યો હતો કે બરતરફ કરાયેલા પોલીસ અધિકારી સચિન વાઝે તેમની સામે ફડણવીસના ઈશારે આક્ષેપો કરી રહ્યા છે.

આ પણ વાંચો: ભૂતપૂર્વ પોલીસ અધિકારી સચિન વાઝેએ અનિલ દેશમુખ સામેના લાંચના આરોપોનો પુનરોચ્ચાર કર્યોે, ફડણવીસે તપાસની ખાતરી આપી

નાગપુરમાં દેશમુખને પત્રકારોએ સોમવારે ફડણવીસની ટિપ્પણી અંગે સવાલો કર્યા હતા જેમાં કહેવાયું હતું કે પરમબીર સિંહ અને સચિન વાઝેની નિયુક્તિ દેશમુખ ગૃહ પ્રધાન બન્યા પછી કરવામાં આવી હતી.

જેનો જવાબ આપતાં દેશમુખે એવો દાવો કર્યો હતો કે જ્યારે હું ગૃહ પ્રધાન હતો ત્યારે અમને તપાસમાં એવું જાણવા મળ્યું હતું કે ત્યારના મુંબઈના ટોચના અધિકારી (કમિશનર) પરમબીર સિંહ એન્ટિલિયા નજીક સ્ફોટકો ભરેલી સ્કોર્પિયો મળી તેમાં સંડોવાયેલા હતા અને સ્કોર્પિયોના માલિકની હત્યામાં પણ તેઓ માસ્ટરમાઈન્ડ હતા. સિંહે પોતાના અન્ય સાથીદારની સાથે મળીને આ કર્યું હતું.

સિંહની ત્રણ વર્ષ પહેલાં ધરપકડ થવાની હતી અને તેમાંથી બચવા માટે તેણે પોતાની જાતને ફડણવીસ અને કેન્દ્ર સરકારને શરણે ધરી દીધી હતી, એમ દેશમુખે કહ્યું હતું.

આ પણ વાંચો: Fadnavis VS Deshmukh: અનિલ દેશમુખનું મગજ ફરી ગયું છે: સમિત કદમ

ફડણવીસે સિંહને એવી ખાતરી આપી હતી કે તેની ધરપકડ નહીં કરવામાં આવે, પરંતુ તેણે મહાવિકાસ આઘાડીની સરકારના પતન માટે મારી (દેશમુખ) વિરુદ્ધ આક્ષેપો કરવાના રહેશે. આથી જ પરમબીર સિંહે મારી સામે આક્ષેપો કર્યા હતા, એવો દાવો દેશમુખે કર્યો હતો.

તેમણે ફડણવીસને એવો પડકાર ફેંક્યો હતો કે ચાંદીવાલ સમિતિ દ્વારા રજૂ કરવામાં આવેલા અહેવાલને સાર્વજનિક કરવામાં આવે. તેમણે એવો દાવો કર્યો હતો કે પંચના અહેવાલમાં તેમને ક્લિન-ચીટ આપવામાં આવી હતી.

ફડણવીસે બીજી તરફ રવિવારે જ કહ્યું હતું કે ચાંદીવાલ સમિતિનો અહેવાલ મહાવિકાસ આઘાડીની સરકારના કાર્યકાળમાં જ રજૂ કરવામાં આવ્યો હતો આમ છતાં તેના પર કોઈ કાર્યવાહી કરવામાં આવી નહોતી.

આનો જવાબ આપતાં દેશમુખે સોમવારે કહ્યું હતું કે અહેવાલ મહાવિકાસ આઘાડીના કાર્યકાળમાં રજૂ કરવામાં આવ્યો હતો, પરંતુ ત્યારબાદ ગણતરીના દિવસોમાં જ મહાવિકાસ આઘાડી સરકારનું પતન થયું હતું અને તેથી જ આ અહેવાલને સાર્વજનિક કરી શકાયો નહોતો.

ત્યારબાદ મહાયુતિની સરકાર સત્તામાં આવી હતી અને ફડણવીસે છેલ્લા બે વર્ષથી આ અહેવાલ સાર્વજનિક કર્યો નથી. હું તેમને વારંવાર વિનંતી કરી રહ્યો છું કે અહેવાલને સાર્વજિનક કરવામાં આવે, પરંતુ ફડણવીસ દર વખતે આ અહેવાલ મહાવિકાસ આઘાડી સરકારને રજૂ કરવામાં આવ્યો હતો એમ જણાવીને વાતને આડે પાટે ચડાવી રહ્યા છે.

નાગપુરમાં તેમની બદનામી કરનારા બેનરો લગાવવામાં આવ્યા હોવા અંગે તેમણે કહ્યું હતું કે ભારતીય જનતા યુવા મોરચા દ્વારા આ હોર્ડિંગ ફડણવીસના આશીર્વાદથી લગાવવામાં આવ્યા છે. પોલીસે પગલાં લઈને તેમને હટાવ્યા છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
ઑલિમ્પિક્સમાં વિશ્ર્વના પાંચ ફાસ્ટેસ્ટ પુરુષ દોડવીરો કોણ? ચાલો ઝડપથી એક નજર કરી લઈએ.. રાત્રે કરવામાં આવતી આ ભૂલોને કારણે વધે છે વજન 100 વર્ષ બાદ આટલી બદલાઈ જશે Indian Railway, ફોટો જોઈને ચોંકી ઉઠશો ભીંડાનું પાણી પીવાના ફાયદા