વાહ, સ્વિમરોએ મારી ‘તાલ’ ફિલ્મના તાલે પર્ફોર્મ કર્યું: સુભાષ ઘાઈ
મુંબઈ: ખેલકૂદની મોટી સ્પર્ધા સાથે બૉલીવૂડનો બહુ જૂનો નાતો છે. 1999ની સુપરહિટ ફિલ્મ ‘તાલ’ના ગીતની મ્યૂઝિકલ થીમને આધારે એક મોટી સ્વિંમિંગ સ્પર્ધામાં સ્પર્ધકોએ પર્ફોર્મ કર્યું એ વિશે એ ફિલ્મના નિર્માતા સુભાષ ઘઈએ સોમવારે આનંદિત પ્રતિક્રિયા વ્યક્ત કરી એના પરથી યાદ આવ્યું કે 26મી જુલાઈએ પૅરિસ ઑલિમ્પિક્સમાં સવાચાર કલાકની જે યાદગાર ઓપનિંગ સેરેમની યોજાઈ હતી એના એક ડાન્સ પર્ફોર્મન્સમાં ‘મૈંને પ્યાર કિયા’ ફિલ્મના એસપી બાલાસુબ્રણ્યમના ગીત ‘મેરે રંગ મેં રંગને વાલી…મેરે સવાલોં કા જવાબ દો…’ ગીતની ધૂન સંભળાઈ હતી.
ફેબ્રુઆરી, 2024ની દોહા ખાતેની વર્લ્ડ ઍક્વેટિક્સ ચૅમ્પિયનશિપ્સમાં અમેરિકાની સ્વિમર્સની ટીમે ‘તાલ’ ફિલ્મના ‘તાલ સે તાલ મિલા…’ ગીતની ધૂન પર પર્ફોર્મ કર્યું હતું. એ ફિલ્મનું સંગીત એ.આર. રહમાનનું હતું અને ‘તાલ’નું ટાઇટલ સૉન્ગ અલકા યાજ્ઞિક તથા ઉદિત નારાયણના કંઠે ગવાયું હતું અને ગીતના રચયિતા આનંદ બક્ષી હતા. એ ફિલ્મનાં મુખ્ય ઍક્ટર્સમાં ઐશ્ર્વર્યા રાય બચ્ચન, અક્ષય ખન્ના અને અનિલ કપૂરનો સમાવેશ હતો.
79 વર્ષના ડિરેકટર-પ્રૉડ્યુસર સુભાષ ઘઈએ સોમવારે એક્સ (ટ્વિટર) પર છ મહિના પહેલાંના વીડિયોનો ફરી ઉલ્લેખ કરતા લખ્યું છે, ‘મારી તાલ ફિલ્મનું સંગીત આઇકૉનિક બની ગયું હતું. કોઈ હિન્દી ફિલ્મના થીમ-મ્યૂઝિક પર આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં પર્ફોર્મ કરવામાં આવે એવું જવલ્લે જ બનતું હોય છે. મારી તાલ ફિલ્મની મ્યૂઝિકલ થીમનો સ્વિમિંગની હરીફાઈમાં ઉપયોગ થયો હતો એ વાત મને અત્યારે ઑલિમ્પિક્સ વખતે યાદ આવી ગઈ. હું ગર્વ અનુભવી રહ્યો છું. થૅન્ક્યૂ ઑલ.’