આમચી મુંબઈમહારાષ્ટ્ર

જાતીવાદ અને આરક્ષણ મુદ્દે રાજ ઠાકરેએ કોના પર કર્યા પ્રહાર?

મુંબઈઃ મહારાષ્ટ્રના રાજકારણમાં પોતાના અસ્તિત્વ માટે લડાઈ લડતી રાજ ઠાકરેની મહારાષ્ટ્ર નવનિર્માણ સેના આવનારી વિધાનસભાની ચૂંટણીમાં 200થી વધારે જગ્યા લડવાની હોવાની જાહેરાત કર્યા બાદ પક્ષના અધ્યક્ષ રાજ ઠાકરે મહારાષ્ટ્રના પ્રવાસે નીકળ્યા છે ત્યારે સોલાપુર ખાતે તેમણે પત્રકારો સાથે વાતચીત કરી હતી.

આ દરમિયાન મહારાષ્ટ્રમાં ચાલી રહેલા મરાઠા આરક્ષણના મુદ્દાને પણ તેમણે ઉઠાવ્યો હતો. ઠાકરેએ કહ્યું કે ચૂંટણીને ધ્યાનમાં રાખી અમે દરેક મતવિસ્તારની ચકાસણી, સ્થિતિની સમીક્ષા કરી રહ્યા છે. તેમણે કહ્યું કે રાજ્યમાં સાંપ્રદાયિક વાતાવરણ છે, મરાઠવાડા વધુ સાંપ્રદાયિક છે તેવા પ્રશ્ન પર રાજ ઠાકરેએ કહ્યું કે, મૂળભૂત રીતે આ મુદ્દો શિક્ષણ અને રોજગારનો છે. મહારાષ્ટ્રમાં ભૂમિપુત્રોને નોકરી, સારું શિક્ષણ મળવું જોઈએ. તે ક્યાંથી આવે છે? તો પછી તે ઓબીસી હોય કે મરાઠા. મહારાષ્ટ્રમાં કોઈપણ જાતિના છોકરાઓ અને છોકરીઓને સારું શિક્ષણ, રોજગાર મળવો જોઈએ.

મહારાષ્ટ્ર દેશમાં એક આધુનિક રાજ્ય છે. મને નથી લાગતું કે મહારાષ્ટ્રમાં જેટલી નોકરીઓ ઉપલબ્ધ છે જેટલી અન્ય રાજ્યમાં છે. ખાનગી સંસ્થાઓ છે, ત્યાં કોઈ અનામત છે? ખરેખર કેટલી અનામત છે, કેટલી જ્ઞાતિઓને મળશે? કેટલી નોકરીઓ ઉપલબ્ધ થશે? શું આપણે આ પણ તપાસવાના છીએ? રાજ ઠાકરેએ કહ્યું કે ઉશ્કેરણી કરીને મત મેળવવાનો જ ઉદ્યોગ છે. આ બધું રાજકારણ કોઈના ખભા પર બંદૂક રાખીને ચાલે છે. ઓબાસી, મરાઠા છોકરાઓ અને છોકરીઓના મત મેળવવાની ઈચ્છા સિવાય બીજું કઈ નથી. આમ કહી તેમણે એનસીપીના અધ્યક્ષ શરદ પવારને ટોણો માર્યો હતો. જરાંગે પાટીલ દ્વારા રાજ્યમાં ચાલતા મરાઠા અનામત આંદોલન પાછળ શરદ પવારનું પીઠબળ હોવાનું પણ કહેવાય છે.

રાજ ઠાકરેએ ફરી પરપ્રાંતિયોનો મુદ્દો ઉછાળ્યો હતો. તેમણે કહ્યું હતું કે બહારથી છોકરા-છોકરી આવી અહીં સ્થાનિકોની નોકરીઓ હડપી લે છે. મહારાષ્ટ્રના યુવાનો શિક્ષણ-રોજગાર વિના રહે છે, મહારાષ્ટ્રે દેશને દિશા આપી, તે રાજ્ય જાતિવાદમાં પડવું જોઈએ નહીં.

તેમણે શરદ પવારને કહ્યું હતું કે મહારાષ્ટ્રનું મણિપુર ન બને તેની કાળજી તેમણે પણ રાખવી જોઈએ. અમે મહારાષ્ટ્રને મણિપુર બનવા દેશું નહીં.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button