ગુજરાતમાં વાનરોનો ત્રાસ યથાવત, ખેડાના ગામમાં 20 જણને લોહીલુહાણ કર્યા
ખેડાઃ જિલ્લામાં વસો તાલુકાના બામરોલી ગામમાં ફરી વખત છેલ્લા ચાર પાંચ દિવસથી વાનરો તોફાને ચડયા છે. અહીં વાનરોએ ૨૦ જેટલા લોકોને બચકા ભરતા લોહી લુહાણ થઈ ગયા હતા. નાનકડા ગામમાં તોફાની વાનરના આતંકથી લોકો ઘરની બહાર નીકળતા ફફડી રહ્યા છે. ત્યારે લોકોએ આ તોફાની વાનરોને વન વિભાગ દ્વારા પાંજરે પૂરવા માંગણી ઉઠી છે.
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ જિલ્લામાં વસો તાલુકાના બામરોલી ગામમાં અગાઉ તોફાની વાનરે આતંક મચાવતા વન વિભાગની ટીમે પાંચ જેટલા વાનરોને પકડી દૂરના સ્થળે છોડી આવ્યા હતા. ત્યારે છેલ્લા ચાર પાંચ દિવસથી ફરીથી વાનરો તોફાને ચડયા છે. આ વાનરે ૧૫થી ૨૦ જેટલા લોકોને બચકા ભરતા લોહી લુહાણ થઈ ગયા હતા. હુમલાનો ભોગ બનેલા લોકોને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, પલાણા તેમજ નજીકના દવાખાનામાં સારવાર કરાવવામાં આવી છે.
આ અંગે ગ્રામજનોએ જણાવ્યું છે કે, તોફાની વાનર ગામમાંથી ખેતરમાં જતા કે શાળામાં જતા બાળકો પર હુમલા કરી દે છે. ગામની શાળાથી મોટી કેનાલ વચ્ચેના વિસ્તારમાં આવતા જતા લોકોને તોફાની વાનર નિશાન બનાવે છે. ગામમાં વાનરો આવતા જતા લોકો પર હુમલા કરતો હોવાથી લોકો ખેતરમાં તેમજ શાળામાં જતા બાળકોની સલામતી સામે જોખમ ઊભું થયું છે. ત્યારે વન વિભાગની ટીમ દ્વારા તોફાની વાનરને પકડી પાંજરે પૂરવા ગ્રામજનો માંગણી કરી રહ્યા છે.