ધર્મતેજ

વેર- વિખેર -પ્રકરણ ૨૮

દરેક શ્રીમંત માણસની જેમ તમને પણ બીજાને ‘મદદ’ કરવાનું વ્યસનદ છે અને તમારી મદદનો અસ્વીકાર થાય ત્યારે તમે પણ અકળાઈ જાઓ છો કે કેમ કે તમારું અભિમાન ઘવાય છે… ખરું ને… ?!

કિરણ રાયવડેરા

‘ગાયત્રી, હવે ઘડિયાળ જોવાનું બંધ કર. બબલુ, આપણને વારંવાર સમયનું ભાન કરાવ્યા કરશે.’ ગાયત્રીએ જગમોહનને શાંત પાડ્યા બાદ જગમોહને ગાયત્રી સમક્ષ ઓફર મૂકી હતી.
‘ગાયત્રી, હું તને બધા અધિકાર આપવા તૈયાર છું. હું તને પાવર ઑફ એટર્ની આપવા તૈયાર છું, જેથી આજ પછી તું પણ માલિક બની જઈશ.’
જગમોહનની ઓફર સાંભળ્યા બાદ ગાયત્રી અવાક થઈ ગઈ હતી, પણ એણે જવાબ આપવાનું ટાળ્યું હતું.

‘કેમ ગાયત્રી, તું ચૂપ છે?’ શું હજી તને તારું સ્વમાન આડું આવે છે?’ ગાયત્રીની ચૂપકીદીથી એ કદાચ અકળાઈ ગયો હતો.
‘કાકુ, તમે જીદ કરો છો એટલે કહું છું. મારા પિતા ઘણી વાર કહેતા : માણસે પોતાના અધિકાર કરતાં વધુની અપેક્ષા ન રાખવી જોઈએ. કાકુ, હું મારો હક શું છે એ જાણું છું. તમે જે મને આપવા ઈચ્છો છો એ મારા હક કરતાં ઘણું વધુ છે એટલે હું એનો સ્વીકાર ન કરી શકું!’ વાત કરતી વખતે જગમોહન સામે એણે જોવાનું ટાળ્યું.
જગમોહન ઓછપાઈ ગયો.

વારંવાર ગાયત્રીનો નનૈયો સાંભળીને એ થોડો ચિડાઈ પણ ગયો હતો. એ કંઈ કહેવા જતો હતો પણ પછી અટકી ગયો.
‘બોલો…. કાકુ…. બોલો, અટકી કેમ ગયા? કદાચ તમને લાગતું હશે કે આપણાથી નીચા માણસો આપણી વાતને ઠુકરાવી કેવી રીતે શકે? કોઈ તમારી પાસે માગે તો પણ તમારો અહંકાર ઘવાય, કોઈ તમારી ભેટનો અસ્વીકાર કરે તો પણ તમારો અહમ્ ઘવાય… કાકુ, તમારે ‘ના’ સાંભળવાની ટેવ તો પાડવી પડશે.’
જગમોહનનાં ભવાં વંકાયાં, ચહેરાની રેખાઓ ઝડપથી બદલાઈ, આંખમાં લાલાશ ઊપસી આવી. એ કંઈક બોલવા જતો હતો પણ પછી ગાયત્રીના ચહેરા પર ફેલાયેલું સૌમ્ય સ્મિત જોઈને એની હિંમત ઓસરી ગઈ. એ ક્ષોભપૂર્વક હસી પડ્યો.

‘ગાયત્રી, ઈચ્છા તો એવી થાય છે કે એક લાફો મારી દઉં, પણ તારો ચહેરો જોઈને બધો ગુસ્સો વરાળ થઈને ઊડી જાય છે. ગાયત્રી, તું મને અભિમાની કહે છે, પણ તને નથી લાગતું કે મારા કરતાં તો તું વધુ અહંકારી છો? મારી ઓફરને લાત મારીને મને કોઈ ખરીદી ન શકે એવાં તારા મિથ્યાભિમાનને સંતોષવા માગે છે?’
જગમોહનના ચહેરા પર હાસ્ય રમતું હતું. પણ અવાજમાં છુપાયેલો ડંખ ગાયત્રી અનુભવી શકી.

૪૭ વરસનો સફળ ઉદ્યોગપતિ જિંદગીમાં પોતાનું ધાર્યું ન થાય તો કેટલો છટપટી શકે એ ગાયત્રી જોઈ રહી હતી. જેને કોઈની ‘ના’ સાંભળવાની આદત ન હોય એ માણસ પોતાની ભેટનો અસ્વીકાર થાય એ જ વાત માનવા તૈયાર ન થાય. જગમોહનનો તરફડાટ એના વર્તનમાં છલકતો હતો. જગમોહનના ચહેરા પર ભલે હાસ્ય રમતું હોય પણ અત્યારે કંઈ કહેવાથી બળતામાં ઘી નાખવા જેવું થશે એ વિચારીને ગાયત્રીએ હોઠ ભીડી રાખ્યા, જાણે શબ્દો એની પરવાનગી વગર નીકળી જશે એવો એને ડર હોય.

‘ગાયત્રી, હું જાણું છું કે આ તબક્કે જ્યારે બબલુના માણસો આપણા ઘરની ચોતરફ ફેલાઈને આપણી હિલચાલ પર નજર રાખતા હોય ત્યારે આવી ચર્ચા કરવી નિરર્થક ગણાય. બટ લેટ મી ટેલ યુ કે મને ખૂબ જ ખરાબ લાગ્યું છે. સિદ્ધાંતોને એટલી હદ સુધી ન પાળવા જોઈએ કે બીમારીનું સ્વરૂપ લઈ લે.’
‘કાકુ, આપણે બીજી વાત કરીએ?’ અવાજમાં પોતાની અસ્વસ્થતા દેખાઈ ન જાય એની તકેદારી લેતાં ગાયત્રી પૂછયું.

‘કંઈ વાત કરશું ગાયત્રી? હિન્દી ફિલ્મોની? તારી હિન્દી ફિલ્મોમાં પણ આવું જ તો બને છે. કોઈ ગરીબ હીરોઈન શ્રીમંત હીરોને ઓફરને ઠોકરે ચડાવે છે ત્યારે કેવા તાળીના ગડગડાટ સંભળાય છે… ખરું ને? તારે પણ એવા જ તાળીના ગડગડાટ સાંભળવા છે. રાધર, તું પોતે જ તાળી પાડીને ખુદને બિરદાવવા માગે છે કે જુઓ, મારામાં એટલી ક્ષમતા છે કે હું એક કરોડપતિની ઓફરને પણ ઠુકરાવી શકું છું… રાઈટ ગાયત્રી?’
ગાયત્રીની આંખો છલકાઈ ઊઠી. એ ઝડપથી પોતાની જગ્યાએથી ઊઠીને આંસુને ખાળવાનો પ્રયત્ન કરતાં કરતાં બીજા કમરામાં દોડી ગઈ.
કમરામાં એકલા પડ્યા બાદ જાણે કોઈએ આકાશમાંથી નીચે ફેંક્યો હોય એવી લાગણી જગમોહનને થઈ આવી. ગાયત્રી જાણે પોતાની સાથે રૂમમાંથી ‘જીવન’ નામનું તત્ત્વ પણ ખેંચીને લઈ ગઈ હોય એવો અનુભવ થતો હતો. તો પછી એ શા માટે ગાયત્રીને આહત કર્યા કરતો હતો?

શા માટે કબૂતર જેવી નિર્દોષ છોકરી પર એ શબ્દોના પ્રહાર કર્યે જતો હતો?

જેના વગર આપણને એક મિનિટ ન ચાલવાનું હોય એને દુ:ખી શા માટે કરવા જોઈએ?

જગમોહનનું મન ગ્લાનિ અનુભવી રહ્યું.
ઘણીવાર આપણી વ્યક્તિ પર પોતાનો સંપૂર્ણ અધિકાર સિદ્ધ કરવા એના પર પ્રહાર કરવામાં એક પાશવી આનંદ મળે છે. જ્યારે ગમતી વ્યક્તિ હાજર હોય ત્યારે એને ઈજા પહોંચાડીને આનંદ લેવાનો અને જેવી એ વ્યક્તિ દૂર થાય કે એની હાજરી માટે ઝૂરતા રહેવાનું.

આ ઉમરે હવે જગમોહન દીવાનને લાગ્યું કે આ ડેન્જરસ ગેમ વીસ-પચ્ચીસ વરસના જુવાનિયાઓ રમે. આ ઉંમરે રિસામણાં – મનામણાંની રમત ન પોષાય્.
જગમોહનને અફસોસ થયો. પોતાની વર્તણૂક પર એ ક્ષોભની લાગણી અનુભવી રહ્યો.

બીજા કમરામાં જઈને ગાયત્રીને મનાવીને બોલાવવાનું વિચારે એ પહેલાં જ એણે જોયું કે ગાયત્રી હસતાં હસતાં ખંડમાં દાખલ થઈ રહી હતી.
જેને તકલીફ પહોંચાડી હોય એ વ્યક્તિના ચહેરા પર હાસ્ય જોઈને થોડો અપરાધબોધ ઓછો જરૂર થાય. જગમોહન પણ મનોમન હળવાશ અનુભવી રહ્યો.
‘ગુડ મોર્નિંગ…’ જગમોહને વાતાવરણની ગંભીરતા તોડવા કહ્યું.
‘સોરી, કાકુ, મન ભરાઈ આવ્યું એટલે જરા…’
રુમ એની હાજરીથી ફરી રૂમ મઘમઘી ઊઠ્યો હતો, જાણે કોઈ નિર્જીવ શરીરમાં ‘જીવન’ એ પ્રવેશ કર્યો હોય. જગમોહન એને એકીટશે જોતો રહ્યો. જ્યારે ગાયત્રીએ ‘શું વિચારો છો?’ પ્રશ્ન કર્યો ત્યારે એ છોભીલો પડી ગયો.

‘ના… ના… કંઈ નહીં, હું વિચારતો હતો કે મેં તને નાહકની દુ:ખી કરી.’ કંઈ ન સૂઝતાં જગમોહને કહી દીધું.
‘કાકુ, તમે ગઈકાલથી અત્યાર સુધીની ઘટનાઓને અને તમારી મનોસ્થિતિને યાદ કરો. તમને લાગે છે કે ગઈ કાલે મેટ્રો સ્ટેશન પર કે પછી બપોરે હોસ્પિટલમાં કે પછી રાતના કિડનેપરના અડ્ડા પર તમે આ શબ્દો કહી શક્યા હોત?’ ગાયત્રી હવે પોતાની અસલી મિજાજમાં આવી રહી હતી.

‘એ જ કે આજે થોડી વાર પહેલાં તમે જે મને કહ્યું એ તમે મને કાલે કહી શક્યા હોત?’ ગાયત્રીએ એ જ પ્રશ્ન થોડો બદલાવીને પૂછયો.
‘ખબર નહીં. ડોન્ટ નો..પણ કાલે મેં તને ક્યાં કોઈ ઓફર કરી હતી કે આવું કહેવાનો વારો આવે?’

‘એની વે, કાકુ, ગઈકાલે તમે મરવા માગતા હતા. આખી દુનિયા તમારી દુશ્મન હોય એવું લાગતું હતું. એ વખતે હું ભટકાઈ ગઈ. આજે તમે જીવવા માગો છો અને અધૂરામાં પૂરું, તમારા લાડકા દીકરાએ તમને ફોન કર્યો એટલે તમે નોર્મલ થઈ ગયા અને તમને મારામાં ત્રુટિઓ દેખાવા લાગી.’

આટલી ગંભીર વાત કરતી વખતે પણ ગાયત્રી કેવી રીતે હસી શકે છે એવો વિચાર જગમોહનના મનમાંથી પસાર થઈ ગયો, પણ ગાયત્રી જે પણ કહેતી હતી એમાં તથ્ય હતું. જગમોહન આજે સ્વસ્થ લાગતો હતો. એની ગઈકાલ અને આજની મનોસ્થિતિ વચ્ચે ઘણો ફરક હતો.

‘આઈ એમ સોરી, ગાયત્રી, આઈ થિંક યુ આર રાઈટ’ જગમોહનનો અવાજ થોથવાતો હતો.

‘અરે, તમને હજી લાગે છે હું સાચી છું મને તો ખાતરી છે કે હું સાચી છું. અને કાકુ, આ મારો અહંકાર નથી. મને તો ડર છે કે, તમે પ્રભા સાથે પણ આવું જ વર્તન કરતા હશો. હું જ સાચો એવું વલણ અપનાવતા હશો!’

‘ગાયત્રી, પ્લીઝ… પ્રભાનું નામ ન લે.’
‘શા માટે નહીં , કાકુ? આટઆટલું થયા બાદ પણ તમારું અભિમાન તમારા વ્યક્તિત્વ સાથે એવું વણાયેલું છે કે તમે એને ત્યાગી શકતા નથી. દરેક શ્રીમંત માણસની જેમ તમને પણ બીજાને ‘મદદ’ કરવાનું વ્યસનદ છે અને જ્યારે તમારી મદદનો અસ્વીકાર થાય ત્યારે તમે પણ અકળાઈ જાઓ છો કે કેમ કે તમારું અભિમાન ઘવાય છે… ખરું ને… કાકુ?’

‘ઠીક છે… ઠીક છે, ગાયત્રી, તેં બહુ લાંબું લેકચર દઈ દીધું.’ જગમોહન હસતાં હસતાં બોલ્યો,હવે સાંભળ, હું તારી મદદ કરવા નહીં, પણ તારું ‘નુકસાન’ કરવા તને બધા અધિકાર આપીને મારા ઘરમાં લાવવા માગું છું, જેથી મારા ઘરના લોકો સુધરે અને ઘરનું વાતાવરણ બદલાય. હવે કોઈ બીજી શરત છે, મિસ મહાજન?’ કહીને જગમોહને હાથ લંબાવ્યો.

‘ઘરના લોકોની મને ખબર નથી, પણ તમારે સૌ પહેલાં સુધરવાની જરૂર છે. એટલે હું જરૂર તમારી ઓફર પર વિચાર કરીશ.’ કહીને ગાયત્રીએ જગમોહનનો હાથ પકડી લીધો.
બંને ખડખડાટ હસી પડ્યા.

એ વખતે ઘરની ડોરબેલ રણકી ઊઠી. જગમોહન અને ગાયત્રીએ એક બીજા સામે જોયું. બંનેની આંખમાં એક જ પ્રશ્ન હતો: ‘અત્યારે કોણ હશે?’ (ક્રમશ:)

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
ભીંડાનું પાણી પીવાના ફાયદા ચહેરા પરની ચરબી ઓછી કરવી છે? સરસ મજાના મોન્સૂનના દિવસો ચાલી રહ્યા છે, મુંબઈ અને આસપાસના વિસ્તારમાં મેઘરાજા મહેર વરસાવી રહ્યા છે અમિતાભ બચ્ચને ઐશ્વર્યાને ક્યારે વહુ તરીકે નથી જોઈ, અમારા માટે અઘરું હતું સ્વીકારવું કે…