ધર્મતેજ

અક્ષરબ્રહ્મની પ્રતિષ્ઠા

ગીતા મહિમા -સારંગપ્રીત

ગત અંકમાં પ્રકૃતિથી પર થવાની ચાવી બતાવીને હવે ભગવાન કૃષ્ણ એક તાત્ત્વિક સ્પષ્ટતા કરે છે તેને સમજીએ.
ભગવાન ગીતાના આ અધ્યાયના અંતમાં કહે છે કે “બ્રહ્મણો હિ પ્રતિષ્ઠા અહં (૧૪/૨૭), એટલે કે “અક્ષરબ્રહ્મની પ્રતિષ્ઠા હું છું. આમ અહીં એક સિદ્ધાંતની વાત સ્પષ્ટ કરે છે કે પાંચ અનાદિ તત્ત્વોમાં માયાથી પર અક્ષરબ્રહ્મ છે તેનાથી પણ પરબ્રહ્મ પર અને અક્ષરના પણ આધાર છે.

જોકે શાસ્ત્રમાં તો માયા પર અક્ષરનો મહિમા પણ અપરંપાર કહ્યો છે. જેનો આદિ નથી અને અંત નથી તે એટલે કે જે નિત્ય છે તે આ અક્ષરબ્રહ્મ! આ અક્ષરબ્રહ્મ અનાદિ છે તેનો ઉદ્ભવ નથી અને નાશ પણ નથી. પરંતુ ભગવાન કહે છે-
“હું પુરુષોત્તમ પરમાત્મા જ, સ્વરૂપ સ્વભાવ, ગુણ અને ઐશ્ર્વર્ય વગેરેથી અક્ષરથી શ્રેષ્ઠ અને પર છું. એટલે કે અક્ષર પણ દાસભાવ પૂર્વક પરમાત્માની ભકિત પરાયણ છે.

અક્ષરબ્રહ્મને વેદો અને અન્ય શાસ્ત્રોમાં પરમાત્માથી ભિન્ન કહ્યા છે. ગુણ ઐશ્ર્વર્ય વગેરેથી જેને જીવ-દેવથી મોટા કહ્યા છે. તેના નિયામક તેના વ્યાપક અને તેના આધારભૂત કહ્યા છે. વગેરેથી પ્રથમ કહ્યા તે અક્ષરબ્રહ્મ. અહીં જ આગળ . ‘હું(પરમાત્મા) જેનાથી પર છે તે.’ એવું કહેવાથી અક્ષર અને પુરુષોત્તમનો ભેદ સ્પષ્ટ થાય છે. પુરુષોત્તમની અક્ષરથી શ્રેષ્ઠતા પણ સિદ્ધ થાય છે.

આ અક્ષરબ્રહ્મ સત્ પણ નથી ને અસત્ પણ નથી. સત્ એટલે કાર્યરૂપ માયા. અસત્ એટલે કારણરૂપ માયા. જે સત્ અને અસત્થી જુદું છે.

એવો પ્રશ્ર્ન થઈ શકે કે અક્ષરનાં એવા કેટલાક લક્ષણો આવે છે જે પરબ્રહ્મ સિવાય, બીજા કોઈના ન હોય શકે. જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલય વગેરે લક્ષણો તો પરબ્રહ્મ સિવાય કોના હોય શકે? તેથી કેટલાક શ્રદ્ધાળુઓ બ્રહ્મ તરીકે પરબ્રહ્મને લે છે. પરંતુ અહીં તો ‘પટ્ટક્ષફપ્’ કહીને તો પરમાત્માને બ્રહ્મથી જુદા બતાવ્યા છે. તેથી જો બ્રહ્મ એટલે પરબ્રહ્મ લઈએ તો ‘પટ્ટક્ષફપ્’ શબ્દનો અન્વય ન થઈ શકે.

કેટલાક બ્રહ્મ તરીકે જીવાત્મા લે છે કે જીવ તો પરમાત્માથી જુદો છે. તેથી મા તે અન્વય યોગ્ય બને છે. પરંતુ પાછળ જે જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલય કરવો વગેરે જેવાં લક્ષણો આવે છે. જે જીવાત્મા માટે શક્ય નથી. તેથી બ્રહ્મ તરીકે જીવાત્મા લેવા તે પણ યોગ્ય નથી.

અહીં “બ્રહ્મણો હિ પ્રતિષ્ઠા અહં (૧૪/૨૭) ભગવાન સ્વયં બ્રહ્મથી પર છે તેવું સ્પષ્ટ નિરૂપતાં હોવાથી બ્રહ્મ તરીકે અક્ષરબ્રહ્મ તત્ત્વ જ ઉચિત છે તેવો ગીતાનો મત છે. વળી, પૂર્વે તેરમા અધ્યાયમાં અક્ષરબ્રહ્મનું સ્વરૂપને વિસ્તારથી જણાવતાં શ્રીકૃષ્ણ ભગવાને કહ્યું હતું-
“તે અક્ષરબ્રહ્મ વ્યાપક હોવાથી દૂર પણ છે અને નજીક પણ છે. અથવા જેઓમાં બ્રહ્મરૂપપણાના ગુણો નથી તેવા માટે દૂર છે. અને જેઓમાં બ્રહ્મરૂપપણાનો ગુણ છે તેઓ માટે નજીક છે. એટલે જ ભગવાન સ્વામિનારાયણ વ.ચ.ગ.મ.૩૩મા કહે છે, “એક નિષ્કામી વર્તમાન દૃઢ હોય તો તેને આ લોકમાં તથા પરલોકમાં કોઈ ઠેકાણે ભગવાનથી છેટું રહે નહીં અને અમારે પણ તે ઉપરથી કોઈ દિવસ હેત ઓછું થાય નહીં. અને અમે અહીંયાં ટક્યા છીએ તે પણ અહીંયાંના હરિભક્તને અતિ નિષ્કામી વર્તમાનનો દૃઢાવ દેખીને ટક્યા છીએ. અને જેને નિષ્કામી વર્તમાન દૃઢ હોય તો તે થકી અમે હજાર ગાઉ છેટે જઈએ તો પણ તેની પાસે જ છીએ; અને જેને તે નિષ્કામી વર્તમાનમાં કાચ્યપ છે ને તે જો અમારી પાસે રહે છે તોય પણ તે લાખ ગાઉ છેટે છે.

આ જ્ઞાન દ્વારા એટલે કે અક્ષરબ્રહ્મસ્વરૂપગુરૂના પ્રસંગ અને ઉપદેશ વગેરે દ્વારા પરબ્રહ્મ જ્ઞેય છે એટલે કે સાક્ષાત્કાર કરવા માટે શક્ય છે. ભગવાન સ્વામિનારાયણ ગ.અં.૨૭માં વચનામૃતમાં કહે છે, શાસ્ત્રે કહ્યાં જે નિષ્કામ, નિર્લોભ, નિર્માન, નિ:સ્વાદ, નિ:સ્નેહ ઇત્યાદિક સંતનાં લક્ષણ તેને સાંભળીને એવાં લક્ષણ જ્યાં દેખાય એવા જે સંત તેને ને ભગવાનને સાક્ષાત્ સંબંધ હોય; માટે એવા સંતનાં વચને કરીને ભગવાનનો નિશ્ર્ચય કરવો ને તેના વચનમાં દૃઢ વિશ્ર્વાસ કરવો તેને નિશ્ર્ચય કહીએ.

માટે ભગવાનને પામવા તથા જાણવા માટેની રીત એ જ છે કે જ્યારે ભગવાનના એકાંતિક સાધુના વચનને વિષે વિશ્ર્વાસ લાવીને નિષ્કપટભાવે કરીને ભગવાનના ચરણકમળને ભક્ત ભજે છે ત્યારે એની માયિક દૃષ્ટિ મટે છે; તે પછી એની એ જે ભગવાનની મૂર્તિ તેને પરમ ચૈતન્ય સત્-ચિદ્-આનંદમય જાણે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button