ધર્મતેજ

સત્ય માત્ર સત્ય છે

ચિંતન -હેમુ ભીખુ

સત્ય કે ક્યારેય સત્ય હોવાનો દાવો ન કરે. સત્ય સ્વયંસિદ્ધ છે. સત્ય સ્વયં આધારિત છે. સત્ય જ સત્યનું મૂળ છે. સત્યમાંથી જ સત્ય નીકળે છે અને અંતે તે સત્યમાં જ વિલય પામે છે. સત્યમાં કશું ઉમેરી શકાતું નથી કે સત્યમાંથી કશાની બાદબાકી થઈ શકતી નથી. સત્ય નથી કર્તા, નથી કર્મ કે નથી કાર્ય – અને સત્ય આ ત્રણેય છે. સત્ય આદિથી પણ આદિ અને અનાદિથી પણ અનાદિ છે. સત્ય અભેદ છે. તે અખંડતાના પર્યાય સમાન છે. સત્યમાં જ સમગ્રતા સમાયેલી છે.

સત્ય નિરાકાર છે. તે અરૂપ છે. સત્યની સૂક્ષ્મતા કલ્પી ન પણ શકાય એટલી હદે હોય છે. સાથે સાથે સત્યની ઘનતા પણ અકલ્પનીય છે. સત્ય દરેક પ્રકારની કલ્પનાના સીમાડાથી પણ અતિ દૂર છે અને સાથે સાથે તે બધે જ પ્રવર્તમાન છે. આવા સંજોગોમાં સત્યને જાણી ન શકાય માત્ર અનુભવી શકાય. સત્ય છે તો બધું જ છે, અર્થાત્ સર્વત્રનો આધાર સત્ય છે.

સત્યને કોઈ યોગી પામી શકે છે. ભક્તજનો સત્યને અનુભવી શકે છે. જ્ઞાની સત્યને વધુ નજીકથી સમજવાનો પ્રયત્ન કરી શકે છે. શુભ કર્મોમાં પ્રવૃત્ત રહેનાર પોતાની પ્રવૃત્તિને જ સત્ય માને છે. તપસ્વી તપ થકી સત્ય સુધી પહોંચવાનો પ્રયત્ન કરે છે. મીરા સત્યને પી જાય છે તો દ્રૌપદી સત્યને ધારણ કરે છે. સદગુરુ સત્ય સમજાવે છે, જેનાથી સમાજના ચોક્કસ વર્ગમાં સત્ય માટેની સમજ બંધાય છે.

અહંકાર, સ્વાર્થ, કામ, ક્રોધ, લોભ, મોહ જેવા દુશ્મનોને દૂર કરી પરિસ્થિતિને જેમ છે તેમ જોવાથી જે પ્રતીતિ થાય તે સત્ય. દરેક પ્રકારની આંટી અને વળગણ થી મુક્ત થઈ, સાપેક્ષતાથી દૂર રહી નિરપેક્ષતામાં પરિસ્થિતિને જોવાથી જે પ્રતીતિ થાય તે સત્ય. મન અને ઇન્દ્રિયોના વર્ચસ્વને બાજુમાં કરી, બુદ્ધિની મર્યાદાઓથી પર થઈ, ચિત્તને તેના મૂળ સચ્ચિદાનંદ સ્વરૂપે સમજવાથી જે પ્રતીતિ થાય તે સત્ય.

સત્ય ઇન્દ્રિયોનો વિષય નથી. એમ કહેવાય છે કે જે આંખ સામે દેખાય તે સત્ય. વ્યવહારમાં આ યોગ્ય લાગે પણ આંખે દેખાયેલું સત્ય સંજોગિક અને સાંદર્ભિક હોય છે. પ્રત્યેક ઇન્દ્રિયની પોતાની મર્યાદા હોય છે. આ ઇન્દ્રિયોનો સંદેશો મનમાં પહોંચાડવામાં આવે. મન આ સંદેશાનું અર્થઘટન કરે. અર્થઘટન કરનાર મન પણ મર્યાદાઓથી ભરેલું છે. મર્યાદાઓ ઉપરાંત મનમાં તો વિકારો પણ હાજર હોય છે. આવા સંજોગોમાં મનનું અર્થઘટન યોગ્ય જ હોય – સત્ય તરફી હોય તેની કોઈ ખાતરી નહીં. મનના અર્થઘટન પાછળ તે ક્ષણે હાવી થયેલી ભાવના પણ અસર કરી જાય. મન આમ પણ અતિ ચંચળ છે અને ચંચળ મનના નિર્ણય ઉપર કાયમ માટે વિશ્ર્વાસ ન કરાય. મન સત્ય સુધી પહોંચી શકે પણ તે ત્યારે જ કે જ્યારે તે વિશુદ્ધ હોય; અને વિશુદ્ધ મન સત્ય અને અસત્ય જેવા દ્વન્દ્વથી પણ પર થઈ ગયું હોય. તે સ્થિતિમાં તો મન નિર્ણાયક બનવા પણ તૈયાર ન હોય. અસત્યની પૂર્વધારણામાં ક્યાંક વ્યક્તિગત સંલગ્નતા આવી જાય છે. જ્યારે વ્યક્તિગતતાની ઉપર ઉઠવામાં આવે ત્યારે અસત્યની પૂર્વધારણામાંથી મુક્ત થવાની શરૂઆત થાય, એમ લાગે છે. વળી સત્ય બુદ્ધિનો વિષય પણ નથી, કારણ કે બુદ્ધિની પોતાની મર્યાદા છે. બુદ્ધિ પોતાની સંચિત માહિતી અને સમજ અનુસાર નિર્ણય લે. જરૂરી નથી કે આ માહિતી અને આ સમજ સત્ય પર આધારિત હોય.
સામાન્ય રીતે સરળ જણાતું સત્ય કંઈક અંશે ભેદી પણ છે. સૃષ્ટિની શરૂઆતમાં જો માત્ર સત્ય જ હોય તો તેમાંથી ક્યારે અસત્ય પ્રગટે નહીં. સૃષ્ટિનો આધાર જો સત્ય હોય તો અસત્યનું અસ્તિત્વ જ શક્ય ન બને. સૃષ્ટિનું ચાલકબળ જો સત્ય હોય તો અસત્ય તરફની ગતિ અસંભવ છે. એટલે જ એમ કહી શકાય કે જે છે તે સત્ય જ છે. સત્યથી વિપરીત જે જે બાબતો જણાય છે તે મર્યાદિત પરિપ્રેક્ષ્યમાં પ્રતીત થયેલી બાબતો છે. એટલા માટે તો ગીતામાં સ્વયમ્ શ્રીકૃષ્ણએ કીધું છે કે સત્ય પણ હું છું અને અસત્ય પણ હું જ છું – હું જ મૃત્યુ છું અને હું જ અમૃત છું. જે છે તે છે, જે છે તે જ છે અને જે છે તે છે જ. આમાં સત્ય-અસત્ય જેવી પરિસ્થિતિ માટે ક્યાંય અવકાશ નથી.

સત્ય અને ધર્મનો સંબંધ નિરાળો છે. મહાભારતના યુદ્ધમાં ધર્મ રાજ્યની સ્થાપના માટે યુધિષ્ઠિર દ્વારા અંશત: અસત્યનો સહારો લેવાયો હતો. જો સત્ય અને ધર્મ પરસ્પર પર્યાય હોય તો આ સંભવી ન શકે. અથવા જો ધર્મનો આધાર સત્ય હોય તો પણ આ શક્ય ન બને. અથવા સત્ય એ ધર્મનું એક અગત્યનું અંગ હોય તો પણ શ્રીકૃષ્ણ દ્વારા આમ કરવાની સલાહ ન અપાઈ હોત. સત્ય એ સંપૂર્ણતામાં બ્રહ્મનું સ્વરૂપ છે, જ્યારે એ ધર્મ સાંદર્ભિક રીતે ઉદ્ભવેલું ઉત્તરદાયિત્વ છે. સત્ય નિરપેક્ષ છે તો ધર્મ સાપેક્ષ છે. સત્ય એ બ્રહ્મનું સાક્ષી છે તો ધર્મ એ સૃષ્ટિની વ્યવસ્થાનો આધાર છે. સત્ય એ પ્રકાશ છે તો ધર્મ એ પ્રકાશમાં પ્રતીત થતી ઘટના છે.

અંતિમ સત્ય અને પહેલાનું સત્ય એવો ભેદ શક્ય જ નથી. છતાં પણ આધ્યાત્મિક વ્યવહારમાં એમ કહી શકાય કે અંતિમ સત્ય એટલે બ્રહ્મ. તે પહેલાંની બધી જ વાત “સાચી. આજે જે વાત સાચી લાગે તે કાલે સાચી ન પણ હોય. જીવંત વ્યક્તિના શરીરમાં જીવની હયાતી હોવી એ આજની સાચી વાત છે, કાલે તેમ ન પણ હોય.

માટીનું વાસણ તૂટી ગયા પછી જે માટી વધે તે સત્ય. અગ્નિદાહ પછી શરીરમાં સ્થિત પાંચ મહાભૂતો પોતપોતાના વિરાટમાં મળી ગયા પછી જે વધે તે સત્ય. ચલચિત્ર પૂરું થયા પછી રહી ગયેલો પડદો તે સત્ય. હકીકત જાણ્યા પછી સાપ તરીકે ભાસતું દોરડું ફરીથી દોરડા તરીકે ભાસમાન થાય તે સત્ય. દોરડું બળી ગયા પછી પણ જે વળ બાકી રહે તે સત્ય. માળાના મણકાને પરસ્પર જોડી રાખનાર દોરો એટલે સત્ય. સત્યને સમજવા આ પ્રકારના તર્ક વ્યવહાર છે. આમાં કાં તો મૂળ સ્વભાવની વાત થાય છે અથવા આધારની વાત થાય છે અથવા શેષ રહેલ હકીકતની વાત થાય છે.

વિવિધ માર્ગેથી સત્ય સુધી પહોંચી શકાય, પણ સમજી લેવાની વાત એ છે કે માર્ગ એ સત્ય નથી. માર્ગની પસંદગી તો રૂચિ આધારિત રહે છે. તકલીફ ત્યારે થાય કે જ્યારે વ્યક્તિગત રૂચિ આધારિત જે માર્ગ યોગ્ય જણાય તે માર્ગને સત્ય માની લેવામાં આવે. અહીં સાધન સાધ્ય નથી, જે સિદ્ધ કરવાનું છે તે અને તે સિદ્ધ કરવા માટેનું સાધન ભિન્ન છે. સત્ય સિદ્ધ કરવાનું છે અને માર્ગ સાધન માત્ર છે, એવું સાધન કે જે પરિસ્થિતિ પ્રમાણે રૂપ પણ બદલી શકે.

ક્યારેક તો એમ લાગે છે તે જન્મ પણ અસત્ય છે અને મરણ પણ કારણ કે જન્મ છે તો મરણ છે અને મરણ છે તો જન્મ છે. સત્ય કોઈપણ પ્રકારના અવલંબન વગર અસ્તિત્વ ધરાવી શકે.
સત્ય માત્ર છે અને માત્ર સત્ય છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
ભીંડાનું પાણી પીવાના ફાયદા ચહેરા પરની ચરબી ઓછી કરવી છે? સરસ મજાના મોન્સૂનના દિવસો ચાલી રહ્યા છે, મુંબઈ અને આસપાસના વિસ્તારમાં મેઘરાજા મહેર વરસાવી રહ્યા છે અમિતાભ બચ્ચને ઐશ્વર્યાને ક્યારે વહુ તરીકે નથી જોઈ, અમારા માટે અઘરું હતું સ્વીકારવું કે…