ચેનચોરીના કેસમાં પકડાયેલા બે રીઢા આરોપી સામે એમસીઓસીએ લગાવાયો
પાલઘર: હત્યાનો પ્રયાસ તેમ જ અન્ય આરોપોનો સામનો કરી રહેલા અને ચેનચોરીના કેસમાં પકડાયેલા બે આરોપી સામે પોલીસે એમસીઓસીએ (મહારાષ્ટ્ર ક્ધટ્રોલ ઓફ ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમ એક્ટ) લગાવ્યો છે.
ભાંડુપના ટેંભીપાડા વિસ્તારમાં રહેનારી 43 વર્ષની મહિલા 3 જૂને નાલાસોપારામાં હોસ્પિટલમાં દાખલ સગાને મળી પાછી ફરી રહી હતી ત્યારે મોટરસાઇકલ પર આવેલા અજાણ્યા શખસોએ તેના ગળામાંનું મંગળસૂત્ર આંચક્યું હતું.
નાલાસોપારા પોલીસે આ પ્રકરણે ગુનો દાખલ કર્યો હતો અને ઘટનાસ્થળના સીસીટીવી કેમેરાના ફૂટેજ તપાસ્યા હતા, જેમાં બે આરોપી નજરે પડ્યા હતા. પોલીસે ફૂટેજને આધારે આરોપીની શોધ આદરી હતી.
આ પણ વાંચો: રાજકોટમાં કમિશનથી વેપારીઓને ટેકસ ચોરી કરાવી આપતા વેપારીની 2.14 કરોડ સાથે ધરપકડ
દરમિયાન ગુનામાં સંડોવાયેલા બંને આરોપી ઉત્તર પ્રદેશના મોરાદાબાદમાં હોવાની માહિતી મળતાં પોલીસ ટીમ ત્યાં રવાના થઇ હતી અને 14 જુલાઇએ બંનેને પકડી પાડ્યા હતા.
તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે બંને આરોપી વિરુદ્ધ મહારાષ્ટ્ર, પંજાબ, ઉત્તરાખંડ અને હરિયાણામાં હત્યાનો પ્રયાસ, બળાત્કાર, ચોરી, મારામારી, શસ્ત્રો રાખવા અને લૂંટના પ્રયાસ જેવા 38 ગુના નોંધાયેલા છે. નાલાસોપારા પોલીસે શનિવારે બંને સામે એમસીઓસીએ લગાવ્યો હતો. (પીટીઆઇ)