સ્ટેડિયમમાંથી કોણ ચોરી ગયું રોહિત શર્માનો આઇફોન?
કેટલાક મીડિયા અહેવાલો દ્વારા મળી રહેલી માહિતી મુજબ રાજકોટના ખંઢેરી સ્ટેડિયમમાંથી ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન રોહિત શર્માનો આઇફોન ચોરાયાની ઘટના બની છે. ગઇકાલે ટીમ ઇન્ડિયાએ સાંજે 5 વાગ્યાથી લઇને રાત્રે આઠ વાગ્યા સુધી સ્ટેડિયમમાં નેટ પ્રેકટિસ કરી હતી. આ નેટ પ્રેકટિસ શરૂ કરતા પહેલા ટીમ દ્વારા પ્રેસ કોન્ફરન્સ રાખવામાં આવી હતી. આ પ્રેસ કોન્ફરન્સની પહેલા અથવા પ્રેસ કોન્ફરન્સ પૂર્ણ થયા બાદ જ રોહિત શર્માનો આઇફોન ચોરાયો હોય અથવા નેટ પ્રેકટિસની આસપાસના સમયગાળામાં આઇફોન ચોરાયો હોય તેવી શક્યતા સૂત્રો વ્યક્ત કરી રહ્યા છે.
જો કે આ સમગ્ર ઘટના અંગે કોઇ સત્તાવાર પોલીસ ફરિયાદ હજુ સુધી નોંધાઇ નથી. પરંતુ મીડિયા અહેવાલોનું સાચું માનીએ તો રોહિત શર્માએ તેનો આઇફોન ન મળી રહ્યો હોવાની વાત કરતા જ સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના હોદ્દેદારો તેમજ કર્મચારીઓ અને રાજકોટ ગ્રામ્ય પોલીસના અધિકારીઓ તેમજ જવાનો દ્વારા મોડી રાત સુધી આઇફોન બાબતે તપાસ ચલાવવામાં આવી હતી. ઉપરાંત રાજકોટ સીટી પોલીસે પણ સર્ચ ઓપરેશન ચલાવ્યું હતું. પરંતુ આટલી જહેમત ઉઠાવ્યા બાદ હુજ સુધી પણ આઇફોન શોધવામાં પોલીસને સફળતા હાથ લાગી નથી. એટલે હવે આ આખી ઘટના હકીકતે બની જ છે કે ફક્ત અફવા છે તે પણ તપાસનો વિષય છે.
બીજી બાજુ હાલમાં ખંઢેરી સ્ટેડિયમમાં IND VS AUSની મેચ ચાલી રહી છે જેનો ભયંકર ક્રેઝ લોકોમાં જોવા મળી રહ્યો છે. આખું સ્ટેડિયમ લોકોથી ખચોખચ ભરાઇ ગયું છે. વન-ડે સિરીઝની અંતિમ મેચનો આનંદ માણવા લોકો 12 વાગ્યાથી જ સ્ટેડિયમ પહોંચી ગયા હતા જેને પગલે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત સવારથી જ સ્ટેડિયમમાં જોવા મળ્યો હતો.