અમદાવાદ-થરાદ હાઈવે 60,000 લોકોનું અનાજ દર વર્ષે છીનવી લેશે, જાણો ખેડૂતો શા માટે કરી રહ્યા છે વિરોધ
અમદાવાદઃ ભારતમાલા પ્રોજેક્ટ અંતર્ગત (Bharatmala Pariyojana) કેન્દ્ર સરકારે અમદાવાદથી થરાદ સુધીના 214 કિલોમીટરની લંબાઇના સિક્સલેન એક્સેસ કન્ટ્રોલ્ડ નેશનલ હાઈસ્પીડ કોરિડોર માટે રૂ. 10,534 કરોડ મંજૂર કર્યા છે. આ હાઈવે અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, પાટણ અને બનાસકાંઠા સહિત કુલ પાંચ જિલ્લામાંથી પસાર થવાનો છે. ત્યારે મળતી મહિતી મુજબ એક કિલોમીટરે છ હેક્ટર જમીનની જરૂર પડતી હોય છે. તે હિસાબે 1300 હેક્ટર ખેતીની જમીન આ માર્ગમાં સંપાદન કરીને ખેડૂતો પાસેથી લઈ લેવામાં આવશે.
એક અહેવાલ અનુસાર ગુજરાતમાં કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરેલા અમદાવાદથી થરાદ સુધીના હાઈસ્પીડ હાઈવે માટે અંદાજે અમદાવાદથી થરાદ સુધીના 214 કિલોમીટર હાઈવેમાં 160 ગામના આઠથી 10 હજાર ખેડૂતો અને પડતરની 1300 હેક્ટર જમીન જતી રહેશે. મહેસાણા જિલ્લામાં 44 કિલોમીટરના માર્ગ માટે 40 ગામના 1900 ખેડૂતોની જમીન જશે. એક હેક્ટરે 2500 કિલોનું અનાજ પાકતું હોય છે. તે હિસાબે 30 લાખ કિલો અનાજ દર વર્ષે ગુમાવવું પડશે. એક હાઈવે 60 હજાર લોકોનું અનાજ દર વર્ષે છીનવી લેશે, તેવી ફરિયાદો ખેડૂતો કરી રહ્યા છે.
ફેન્સીંગ વાળા એક્સપ્રેસ હાઈવે બનવાનો હોવાથી જમીનના બે ટુકડા પડી જશે. ભૌગોલિક પરિસ્થિતિ બદલાઈ જશે. સુજલામ સુફલામ નહેરના સમાંતર હાઈવે હોવાથી કેનાલના પાયા નષ્ટ થશે. ચોંકાવનારી બાબત એવી છે કે આ હાઈવેમાં 8.568 હેક્ટર જમીન પ્રોટેક્ટેડ ફોરેસ્ટની હોવાથી તેનું ક્લિયરન્સ જરૂરી છે.
આ પણ વાંચો : અમદાવાદ મનપાને વરસાદી પાણી સંગ્રહના કામો માટે 144.32 કરોડની ફાળવણી
બીજીતરફ આ ખેડૂતોને વળતર આપીને જમીન હસ્તગત કરી લેવામાં આવશે. જમીનના બજારભાવ કરતાં ખેડૂતોને ઘણું જ ઓછું વળતર મળવાની ખેડુતોને દહેશત છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ભારતમાલા પ્રોજેક્ટ અંતર્ગત વર્ષ 2022માં અમદાવાદ-થરાદ હાઇસ્પીડ હાઇવેની જાણ થતાં બનાસકાંઠા અને મહેસાણા જિલ્લાના ખેડૂતોએ વિરોધ પ્રદર્શન કરી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યાં હતા અને કહ્યું હતું કે આ હાઈવેના કારણે ખેતીની જમીન નષ્ટ થશે એટલું જ નહીં સુજલામ સુફલામ કેનાલના પાયાને નુકશાન થશે અને ખેડૂતોને બજાર કિંમત કરતાં જમીનના ખૂબ ઓછા ભાવ મળશે.