હેપ્પી બર્થ ડેઃ એંશી-નેવુંના દાયકામાં લોકોને રોમાન્સ કરતા શિખવ્યું આ સર્જકે
ચારે તરફ પહડો હોય, બરફ પડતો હોય, હિરોઈને સુંદર શિફોનની સાડી પહેરી હોય, સાડીમાં પણ તેની કમનીય કાયા ઉત્તેજક લાગતી હોય, હીરો એકદમ રોમાન્ટીક મૂડમાં ગીત ગાતો હોય. એંશી-નેવુંના દાયકા પહેલાની ફિલ્મોમાં પણ રોમાન્સ હતો, પણ આટલો રોમાન્ટિકલી દેખાડવામાં આવતો ન હતો. હિન્દી ફિલ્મોના હીરો-હિરોઈનોને રોમાન્સ શિખવાડનારા અને લોકોને પણ આવી રોમાન્ટિક ફિલ્મો જોતા કરનારા યશરાજ બેનરના યશ ચોપડાનો આજે જન્મદિવસ છે.
બોલિવૂડના જાણીતા નિર્માતા-નિર્દેશક યશ ચોપરા હવે આપણી વચ્ચે નથી રહ્યા, પરંતુ હિન્દી સિનેમામાં તેમનું યોગદાન હંમેશા યાદ રાખવામાં આવશે. આજે તેમની જન્મ તારીખ 27મી સપ્ટેમ્બર છે. યશ ચોપડાએ એક નાનકડા રૂમમાંથી પોતાની કરિયરની શરૂઆત કરી હતી, જે પછી તેઓ જ્યાં પહોંચ્યા ત્યાં સુધી પહોંચવું બિલકુલ સરળ નહોતું. તેઓ એવા પ્રતિભાશાળી દિગ્દર્શક હતા જેમણે બોલિવૂડને ઘણા સુપરસ્ટાર આપ્યા. દરેક પેઢી તેની ફિલ્મો જોવાનું પસંદ કરે છે.
યશ ચોપરાનો જન્મ પાકિસ્તાનના લાહોરમાં થયો હતો. તેનો પરિવાર ઇચ્છતો હતો કે તે એન્જિનિયર બને, પણ તકદીર તેમને ફિલ્મજગતમા લાવી અને તે સર્જનશીલતાના એન્જિનિયર બની ગયા. જ્યારે યશ 19 વર્ષનો હતો ત્યારે તેના મોટા ભાઈ બીઆર ચોપરા ડિરેક્ટર હતા. તેનો એક ભાઈ કેમેરામેન હતો અને બીજો ભાઈ વિતરક હતો. એટલા માટે તેમના પિતા ઈચ્છતા હતા કે પરિવારનો કોઈ પુત્ર કંઈક અલગ કરે. યશના પિતાએ તેને જલંધરથી મુંબઈ મોકલ્યો જેથી તે પાસપોર્ટ મેળવી શકે અને એન્જિનિયરિંગનો અભ્યાસ કરવા ઈંગ્લેન્ડ જઈ શકે. યશ મુંબઈ ગયો, પણ તેને એન્જિનિયર બનવામાં રસ નહોતો.
તેમણે એક વખત કહ્યું હતું કે, ‘હું દિવાલમાં એક ખીલો પણ નથી લગાવી શક્યો અને આજે પણ સ્થિતિ એવી જ છે.’ મુંબઈ ગયા પછી યશે તેના દિલની વાત સાંભળી અને નક્કી કર્યું કે તે ડિરેક્ટર બનશે. કારણ કે જ્યારે તેને દિગ્દર્શક બનવાનું મન હતું તો તે એન્જિનિયર કેવી રીતે બની શકે. તેઓ તેમના ભાઈ બીઆર ચોપરાથી ખૂબ પ્રભાવિત હતા. સાથે જ તેને ફિલ્મી દુનિયા પણ ખૂબ ગમતી હતી. તે પોતાના ભાઈની જેમ ડિરેક્ટર બનવા માંગતા હતા.
અમિતાભ બચ્ચનથી માંડી શાહરૂખ ખાન સુધી કેટલાય સ્ટાર્સ તેમણે હિન્દીજગતને આપ્યા. રેખા હોય કે શ્રીદેવી, માધુરી કે કરિશ્મા તેમની હિરોઈનો જે જલવો પડદા પર બતાવતી તે બીજા નિર્દેશકો કરી શક્યા ન હતા.
તેઓ હંમેશાં નવા પ્રયોગો કરતા. જે સમયે ગીતો ફિલ્મોનો અવિભાજ્ય અંગ હતા તેવા સમયે તેમણ ઈત્તેફાક નામે ફિલ્મ બનાવી જે સફળ રહી. તો ત્રિશુલ, કાલા પત્થર જેવી મલ્ટિસ્ટારર ફિલ્મો બનાવવાનો શ્રેય પણ તેમને જાય. અમિતાભ બચ્ચન અને રેખા વચ્ચેના રિયલ લવ એપિસોડને તેમણે રીલમાં વણ્યો અને તે પણ જયા બચ્ચન અને સંજીવ કુમાર સાથે. તો લમ્હે ફિલ્મમાં તેમણે બે ઉંમરના તફાવતવાળા પ્રેમીઓની વાત કરી. પ્રેમીકાને અનહદ પ્રેમ કરતા હીરો તરીકે ડરમાં શાહરૂખ ખાનને ચમકાવ્યો ત્યારે આ જ ફિલ્મમાં સાદી સરળ જુહીને સેક્સી બતાવી સૌને ચોંકાવ્યા. દિલ તો પાગલ હૈ જેવી મ્યુઝિકલ લવ ટ્રાયેંગલ કે પછી અમિતાભ અને શાહરૂખની મહોંબતેં…તેમની ફિલ્મો જોઈને એક આખી પેઢી પ્રેમ કરતા શીખી તેમ કહેવું ખોટું કહેવાશે નહીં. હાલમાં તેમનો પુત્ર આદિત્ય પણ પિતાના પગલે ચાલી સારી ફિલ્મો બનાવી રહ્યો છે.
ખરા કિંગ ઓફ રોમાન્સને જન્મદિવસે સ્મરણાંજલિ