નિકલમાં ઘટ્યા મથાળેથી સુધારો, ટીનમાં પીછેહઠ
મુંબઈ: સ્થાનિક જથ્થાબંધ ધાતુ બજારમાં આજે વૈશ્ર્વિક અહેવાલોની ગેરહાજરી વચ્ચે કામકાજો પાંખાં રહ્યા હોવાથી ભાવમાં પણ મિશ્ર વલણ જોવા મળ્યું હતું. જેમાં ખાસ કરીને નિકલમાં ઘટ્યા મથાળેથી સ્ટોકિસ્ટોની લેવાલીને ટેકે ભાવ કિલોદીઠ રૂ. સાત વધી આવ્યા હતા. આ સિવાય કોપરની અમુક વેરાઈટીઓમાં વપરાશકારોની માગને ટેકે ભાવમાં કિલોદીઠ રૂ. એકનો સુધારો આવ્યો હતો. જોકે, આજે ટીનમાં વધ્યા મથાળેથી સ્ટોકિસ્ટોની નફારૂપી વેચવાલી રહેતાં ભાવમાં કિલોદીઠ રૂ. પાંચનો ઘટાડો આવ્યો હતો, જ્યારે નિરસ માગે એલ્યુમિનિયમ ઈન્ગોટ્સ અને ઝિન્ક સ્લેબમાં કિલોદીઠ રૂ. બેનો અને લીડ ઈન્ગોટ્સ તથા કોપર કેબલ સ્ક્રેપમાં રૂ. એકનો ઘટાડો આવ્યો હતો તથા અન્ય ધાતુઓમાં ટકેલું વલણ રહ્યું હતું.
ગઈકાલે નિકલમાં કિલોદીઠ રૂ. ૧૫નો ઘટાડો આવ્યા બાદ નીચા મથાળેથી સ્ટોકિસ્ટોની લેવાલી ઉપરાંત સાર્વત્રિક સ્તરેથી માગને ટેકે ભાવ કિલોદીઠ રૂ. સાત વધીને રૂ. ૧૪૦૦ના મથાળે રહ્યા હતા.