ટોપ ન્યૂઝનેશનલ

ખળભળાટઃ મેનકા ગાંધીએ ઈસ્કોન પર લગાવ્યો આ ગંભીર આરોપ

ભાજપના સાંસદ અને ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન મેનકા ગાંધી પશુ-પ્રાણીઓ અને વન્યજીવનના સંરક્ષણના ક્ષેત્રમાં ઘણા કામ કરે છે અને સ્પષ્ટપણે બોલે છે પણ ખરા. તાજેતરમાં જ તેમણે એક ઈન્ટરવ્યુમાં ઈસ્કોન પર ગંભીર આક્ષેપો કર્યા છે. જોકે ઈસ્કોને તેમના આરોપોને ફગાવ્યા છે. ઈન્ટરનેશનલ સોસાયટી ફોર ક્રિષ્ણા કોન્સિયસનેસ (ઈસ્કોન) હરે ક્રિષ્ણા મુવમેન્ટ સાથે જોડાયેલી સંસ્થા છે.

સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી એક ક્લિપમાં મેનકા ગાંધીએ દાવો કર્યો છે કે ઈસ્કોન તેની ગૌશાળાની ગાયો કસાઈઓને વેચે છે. બીજી તરફ ઈસ્કોને મેનકાના આરોપોને ખોટા અને પાયાવિહોણા ગણાવ્યા છે અને કહ્યું છે કે સંગઠન ભાજપના સાંસદના આરોપોથી આશ્ચર્યચકિત છે.


પૂર્વ કેન્દ્રીય મંત્રી અને પશુ અધિકાર કાર્યકર્તા મેનકા ગાંધીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જેમાં તે કહી રહ્યા છે કે ઇસ્કોન સૌથી મોટી છેતરપિંડી છે. આ લોકો ગૌશાળાની સંભાળ રાખે છે. આ માટે તેમને સરકાર તરફથી જમીન સહિતની મોટી મદદ મળે છે. આમ છતાં જે ગાયો દૂધ નથી આપતી તેને કસાઈઓને સોંપી દેવામાં આવે છે.


તેમણે તેમના વીડિયોમાં આંધ્રપ્રદેશના અનંતપુરમાં ઈસ્કોનના ગાય આશ્રયસ્થાનનો ઉલ્લેખ કરતા કહ્યું કે ‘એકવાર હું ત્યાં ગઈ હતી. સમગ્ર ગૌશાળામાં એક પણ સૂકી (વસૂકી ગયેલી એટલે કે દૂધ ન આપી શકે તેવી) ન હતી. આ સાથે તેમજ કોઈ વાછરડું પણ મળ્યું ન હતું. આનો સ્પષ્ટ અર્થ એ છે કે તેઓ (ઇસ્કોન) ગાયો અને વાછરડાઓ વેચે છે જે દૂધ આપતા નથી.

તેમણે સંસ્થા દ્વારા મોટી સંખ્યામાં ગાયો કસાઈખાનામાં વેચાઈ છે તેવો આક્ષેપ કરતા રહ્યું હતું કે આ લાકો ‘હરે રામ હરે કૃષ્ણ’ ગાતા રસ્તાઓ પર ફરે છે અને કહે છે કે આપણું આખું જીવન દૂધ પર નિર્ભર છે, પણ તેમણે જેટલી ગાયો વેચી હશે તેટલી કોઈએ વેચી નહીં હોય.

મેનકા ગાંધીના આરોપોનો જવાબ આપતા ઈસ્કોને તેમને પાયાવિહોણા ગણાવ્યા છે. ઇસ્કોનના રાષ્ટ્રીય પ્રવક્તા યુધિષ્ઠિર ગોવિંદ દાસે કહ્યું કે તેમની સંસ્થા માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં ગાય અને બળદના સંરક્ષણ માટે કામ કરી રહી છે. ગાયો અને બળદ જીવતા હોય ત્યાં સુધી ઈસ્કોનના ગૌશાળામાં રહે છે. એક પણ ગાય, બળદ કે વાછરડું કસાઈઓને વેચવામાં આવતું નથી.

તેમણે મેનકા ગાંધીના આક્ષેપોને ખોટા કહ્યા હતા અને જણાવ્યું હતું કે તે અમારા શુભેચ્છક છે. ઇસ્કોન દ્વારા એક પ્રેસ રિલીઝ પણ જારી કરવામાં આવી છે. જેમાં કહેવામાં આવ્યું છે કે ઇસ્કોન એવા દેશમાં પણ ગાયોના સંરક્ષણ અને પ્રચાર માટે કામ કરી રહી છે જ્યાં ગૌમાંસનો આહારમાં મુખ્યત્વે સમાવેશ થાય છે.

શ્રીમતી મેનકા ગાંધી એક જાણીતા પ્રાણી અધિકાર કાર્યકર્તા છે અને ઇસ્કોનના શુભચિંતક પણ રહ્યા છે, તેથી તેમનું નિવેદન ચોંકાવનારું છે. કૉંગ્રેસના ઓવરસીઝ કો-ઓર્ડિનેટર વિજય થોટાથીલે મેનકા ગાંધીના આક્ષેપોને ગંભીર ગણાવ્યા છે અને સરકાર આ આક્ષેપોની તપાસ કરશે કે કેમ તેવા સવાલો કર્યા છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button